________________
૨૯૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
કહેવાય છે, ને તે જીવને ઘોરાતિધોર નરકમાં લઈ જાય છે. જુગારાદિ વ્યસનથી અહીં આ લોકમાં પણ જીવ ડગલે ને પગલે દુઃખી થાય છે, વિપત્તિ પામે છે, જુગાર બાબત પુરંદરની કથા આ પ્રમાણે છે.
પુરંદર રાજાની કથા
સિદ્ધપુર નગરમાં પુરંદર રાજા રાજ્ય કરે, તેને સુંદર નામનો એક મિત્ર હતો. સુંદર જુગારી હતો. તેની સંગતે રાજા પણ જુગારી બન્યો. કોઈ વખત બન્ને આપસમાં જુગાર રમતા. આ જોઈ દુઃખી થયેલી રાણીએ અમૃત જેવી વાણીથી રાજાને કહ્યું - ‘મહારાજ ! આ લત સારી નથી. જુગા૨થી તો મોટા રાજ્ય પણ ભયમાં મૂકાઈ જાય. જુઓ ને નળરાજા અને પાંડવોના ઉદાહરણ જગજાહેર છે, તેમણે કેવાં ને કેટલાં દુઃખો જોયા, ઉપરથી બધે નિંદા પામ્યા ને ફજેત થયા છે. માટે સર્પ કાંચળી છોડે તેમ તમો છોડી દો.' ઇત્યાદિ ઘણી રીતે શાણી રાણીએ રાજાને સમજાવ્યો પણ રાજા ન માન્યો તેણે જુગાર ન છોડ્યો, એકવાર તો રાજા પોતાના નાના ભાઈ સાથે જ જુગા૨ ૨મવામાં જામી ગયો. અંતે તે હારતાં હારતાં બધું જ હારી ગયો, રાજ્ય પણ હારી ગયો. નાનો ભાઈ તો પોતે નાનો હતો તેથી જ રાજ્યભાગ વિના રહ્યો હતો. એવું લાગતું હતું. તેમાં અસંભવિત થઈ ગયું ! વિના જોખમે રાજ્ય મળી ગયું. રાજ ભોગવવું હોય તો ભાઈ ન જ જોઈએ. એણે તરત જ રાજ્યકોષ પર કબજો કર્યો ને ભાઈને રાજ્ય છોડી ચાલ્યા જવા કહ્યું. ના છૂટકે રાજા રાણી પોતાના એકના એક કુમારને લઈ જંગલની વાટે ચાલી નીકળ્યાં. ઘણાં કષ્ટો વેઠ્યાં પણ રાજાને જુગાર વગર ચેન પડતું નહીં.
એકવાર એને કોઈ ભીલ સાથે જુગા૨ ૨મવાનો અવસર મળ્યો.ભીલે પોતાની પત્ની લગાડી ને તે હારી ગયો. મેશમાંથી બનાવી હોય તેવી કાળી ભીલડીને લઈ રાજા આગળ ચાલ્યો, રસ્તામાં ભીલડીએ વિચાર કર્યો, મારો આ ધણી તો ઘણો સારો ને રૂપાળો છે પણ આ મારી શોક (રાણી) હશે ત્યાં સુધી મને આનું સુખ મળવાનું નથી. માટે આ વૈરિણીને મારી નાંખું તો એકલી આનંદ માણું. આમ કરતાં પાણી પીવાના બહાને તે રાણીને કૂવે લઈ ગઈ અને અવસર મળતાં રાણીને ધક્કો દઈ કૂવામાં પાડી. ડોળ કરતી ભીલડી રાજા પાસે આવી કહેવા લાગી, કોઈ રૂપાળો પુરુષ કૂવા પાસે મળ્યો ને રાણી તો તેની સાથે ચાલી ગઈ.
આ સાંભળી રાજાને ઘણો જ ખેદ થયો, પણ કરે શું ? કુમારને લઈ ભીલડી સાથે તે આગળ વધ્યો. માર્ગમાં એક મોટી નદી આવી. કુમારને કાંઠે રાખી ભીલડીને સામે કાંઠે પહોંચાડવા રાજા ભીલડીને લઈ પાણીમાં તરવા લાગ્યો, એવામાં ક્યાંકથી મોટો મગર આવ્યો ને રાજાને ગળી ગયો. રાજાની પકડમાંથી છૂટી ગયેલી ભીલડી તણાઈને મરણ પામી. આ ઘરડો મગર પેટ ભારે થવાથી તરી ન શક્યો ને કાંઠે આવી પડ્યો ને થોડીવારમાં સૂઈ ગયો. એવામાં બે ત્રણ માછીમારોએ તેને જોયો ને ચામડું ઉતારી લેવા મગરને તરત પકડીને ચીરી નાંખતા તેમાંથી મૂર્છા પામેલો રાજા નિકળ્યો. થોડીવારે તે સચેત થયો. માછીમારો તેને પોતાને ત્યાં લઈ ગયા અને દાસ તરીકે