________________
૨૮૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ અર્થ:- પ્રમાદની બહુલતાવાળા આ કાળમાં દર્શન અને જ્ઞાન દ્વારાએ જ તીર્થ પ્રવર્તે છે, ચારિત્ર તો વ્યછિન્ન-વિચ્છેદ થયું છે. માટે ગૃહસ્થ ધર્મ પાળવો (કરવો) તે શ્રેષ્ઠ છે.
આમ પૂર્વોક્ત ચાર કથામાં સંબોધસિત્તરીવાળી ત્રણ વિકથા ભેળવતાં સાત થાય પણ અહીં તો મુખ્યતાએ ચાર કથાની વાત કહી. કેમકે આવશ્યકાદિ સૂત્રમાં આ ચાર વિકથા કહી છે, સામાન્ય રીતે આ ચાર વિકથા જ પ્રસિદ્ધ છે. વિકથા ઉપર રોહિણી નામની નારીની કથા નીચે પ્રમાણે છે.
વિકથા કરનાર રોહિણીની કથા કંડનપુરી નગરીમાં સુભદ્ર નામે શેઠ રહેતા હતા. તેમને રોહિણી નામે એક દીકરી હતી જે બાલ્યવયમાં વૈધવ્ય પામી હતી. તે ધાર્મિક વૃત્તિવાળી તો હતી. સાધ્વીજી પાસે તેણે સારા આચાર-વ્યવહાર શીખ્યા. સદા ત્રિકાળ જિનેશ્વરદેવની તે પૂજા કરતી, બંને વખત અવશ્ય પ્રતિક્રમણ પણ કરતી, નવી ગાથાઓ કંઠસ્થ કરવાપૂર્વક તે ધાર્મિક અધ્યયન કરતી. નામ જેવી જાણે વિદ્યાદેવી જ ન હોય? તેમ તે તરત ગોખીને પાઠ કંઠસ્થ કરી લેતી. એ એટલું બધું ભણી કે તે એક લાખ ગાથાથી વધુ ગાથાનો સ્વાધ્યાય (પુનરાવર્તન) કરતી.
તેનામાં ઘણાં ગુણો હતા. પણ થોડી મોટી થયા પછી કોણ જાણે શું થયું કે તેનો ઘણો ખરો સમય વિકથામાં વીતી જતો, આ ચસકો એવો વિચિત્ર છે કે કશો જ લાભ ન હોવા છતાં માણસ તેમાં પ્રહરો ગાળી નાંખે છે. પોતાના કાર્યો સરલતાથી રખડાવે છે.
અંતરંગરીતિએ જાણે એવું ન બન્યું હોય કે – ચિત્તરૂપ નગરમાં વસતાં મોહરાજાએ એકવાર મોટી સભા ભરી હતી. ત્યાં કુબોધ નામના એક વાચાળ દૂતે કહ્યું – “મહારાજા ! એક રોહિણી નામની બાઈ વારંવાર તમારા અવર્ણવાદ બોલતી હોય છે. અરે ! આ રાગ-દ્વેષ આદિ તમારા સંતાનોની પછવાડે તો એ હાથ ધોઈને પડી છે. આ મિથ્યાત્વ નામના મહામાત્યની તો જરાય કચવાયા વગર ગમે ત્યાં નિંદા કરે છે. અને આપણા અતિઅંગત આ પાપથાનકિયા અઢારે સામંતોને તો એ કઠોરમાં કઠોર શબ્દ ભાંડતી હોય છે. અન્નદાતા ! વધારે શું કહું પણ સામાન્ય બાઈ માણસ થઈ ને આવું કરી શકે તો આપણું સામ્રાજ્ય કેમ કરીને ચાલશે?” આ સાંભળતાં જ મોહરાજા તો એવા દુઃખી દુઃખી થઈ થયા કે તેની આંખો ભરાઈ આવી. ડૂમો ભરાયેલી વાણી બોલતા તેમણે કહ્યું અરે ! આ તો ઘણું જ ખરાબ કહેવાય.”
જો એક બાઈ આમ કહેશે તો મારું શાસન ચાલશે કેમ? મારા પરમવૈરી ચારિત્રધર્મના પક્ષની આ રોહિણીને વશ કરી મને સોંપે એવું પરાક્રમી મારા પરિવાર કે પક્ષમાં કોઈ નથી? મારી આજ્ઞાના ભંજકને તમે સહન કેવી રીતે કરી લો છો? કોઈ છે એવું જે રોહિણીને મારા તાબામાં લાવે?” આખી સભામાં મોહરાજાની નજર ફરવા લાગી. ત્યાં એક ખૂણામાં બેઠેલી વિકથા નામની યોગિની અંજલી જોડી ઊભી થઈને બોલી-દેવી! આ દાસી ઉપસ્થિત છે, આજ્ઞા ફરમાવો. આવા સાવ સામાન્ય કાર્યમાં આપે અકળાવાની કશી આવશ્યકતા નથી. આપના એક સામાન્ય સેવકોના