________________
૨૭૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ કરી આગળની સાચવવી. એટલે કે કામની સાધના ખોરવાતી હોય તો ધર્મ-અર્થને બાધા ન પહોંચવા દેવી. કારણ કે ધર્મ અને અર્થ હશે તો કામ સુલભ છે, તથા કામ તેમજ અર્થ બંનેને બાધા થતી હોય તો પણ તેની ચિંતા ન કરવી. ધર્મને બાધા ન પહોંચવા દેવી, કારણ કે ધર્મ છે તો બધું છે, ધર્મ નથી તો કાંઈ નથી. કહ્યું છે કે “આવકમાંથી એક ભાગ ભંડારમાં (જમા) રાખવો. એક ભાગ વેપારમાં રોકવો, એક ભાગમાંથી ધર્મ તથા પોતાના ઉપભોગનો ખર્ચ કરવો અને શેષ એક ભાગથી પરિવારનું ભરણ-પોષણ કરવું. સિન્દર પ્રકરણમાં કહ્યું છે કે –
त्रिवर्गसंसाधनमन्तरेण, पशोरिवायुर्विफलं : नरस्य ।
तत्रापि धर्म प्रवरं वदन्ति, न तं विना यद् भवतोऽर्थकामौ ॥
અર્થ:- ધર્મ, અર્થ અને કામ સ્વરૂપ ત્રિવર્ગનું સાધન કર્યા વિના મનુષ્યનું આયુષ્ય વ્યર્થ નિષ્ફળ કહેલું છે, તેમાંય ધર્મને તો શ્રેષ્ઠ કહ્યો છે, કેમકે તે (ધર્મ) વિના અર્થ-કામ સધાતા નથી.
આ પ્રમાણે ધર્મ, અર્થ અને કામમાં પરસ્પર અવરોધ ન આવે એ રીતે શુદ્ધિપૂર્વક આરાધના કરનાર સારી સમજવાળા માણસ ક્રમે કરી સ્વર્ગ અને મોક્ષના સુખ મેળવે છે.
૧૩૦
વિશ્વાસુને છેતરવામાં શી મહત્તા ? પૂર્વશ્લોકાર્ધ –
विश्वस्तघातकार्यं च, सुवृत्त्या दूषणं मतम् ॥ અર્થ :- આપણા પર વિશ્વાસ મૂકનારને છેતરવો તે શુદ્ધ વ્યાપાર માટે દૂષણ છે. વિશ્વાસુને છેતરવો તે મહાપાપ છે. આ પાપ બે પ્રકારનું છે, ગુપ્ત અને પ્રગટ. ગુપ્ત પાપ પણ નાનું અને મોટું એમ બે પ્રકારનું છે. ખોટા માન-માપા વગેરેનું પાપ તે અલ્પ અને વિશ્વાસનો જ ઘાત કરવો (વિશ્વાસે મૂકેલ થાપણ આદિની જ ના પાડવી) તે મોટું પાપ છે. પ્રગટ પાપ પણ બે પ્રકારનું છે, કુળાચારથી ચાલ્યું આવતું અને નિર્લજ્જપણા વગેરેથી કરાતું. કુલાચારથી ગૃહસ્થને આરંભાદિમાં પાપ થાય છે, તથા મ્લેચ્છ આદિને હિંસા પ્રમુખથી પાપ થાય છે. મુનિવેશમાં રહેલા જીવ જે પાપ સેવે છે તે નિર્લજ્જપણાથી સેવે છે. આ પ્રગટપણે થતું હિંસાદિ પાપ, પ્રવચન (જિનશાસન)ની નિંદા-અવર્ણવાદનું કારણ હોઈ તેથી અનંતસંસાર પ્રાપ્ત થાય છે. કુળાચારથી પ્રગટ રીતે કરતા પાપ કરતાં ગુપ્ત રીતે કરાતા પાપમાં ઘોર અને તીવ્ર કર્મબંધ હોય છે, આમાં વિશ્વાસુને કશી ખબર પડતી નથી ને ખબર પડ્યા પછી પણ તે કશું કરી શકતો નથી, આ અસત્યમય પ્રપંચ મહાપાપનું કારણ છે, તે બાબત વિસેમિરાની કથા જાણવા જેવી છે.