________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૭૫
વિસેમિરાની કથા
વિશાખા નામની નગરી, ત્યાં નંદરાજા રાજ્ય કરે. તેમની રાણીનું નામ ભાનુમતી અને કુંવરનું નામ વિજયપાળ, બહુશ્રુત નામના મહામાત્ય, ઘણા વિદ્વાન ને ખૂબ જ ચતુર, રાજાને રાણી ઘણાં વહાલા. તેમના વગર એમને ચેન ન પડે. રાજસભામાં આવ્યા વિના ચાલે નહીં એટલે રાજા આવે પણ તેમનું મન તો રાણી સાથે જ ગેલ કરતું હોય.
–
અંતે રાજા-રાણીને સાથે સભામાં લાવવા લાગ્યા ને અર્ધઆસને બેસાડવા લાગ્યા. એકાંતમાં મંત્રીએ કહ્યું – ‘મહારાજ ! ભરી સભામાં રાણીને પડખે રાખી બેસવું ઉચિત નથી. નીતિકારો કહે છે કે - ‘રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રી અતિ નજીક હોય તો હાનિ થાય છે, (ગુરુના અવિનયાદિનો પ્રસંગ આવે છે) અને અતિ દૂર હોય તો તેનું કાંઈ ફળ મળતું નથી. માટે તેમનો સહચાર મધ્યમ રીતિથી કરવો જ ઊચિત છે. રાજાએ મંત્રીને કહ્યું - ‘અમાત્ય ! મને તેની મોહિની લાગી છે. તેના વિના ગમતું જ નથી.' મંત્રીએ કહ્યું - ‘જો એમ જ છે તો રાણીજીની છબી ચિત્રકાર પાસે કરાવી પાસે રાખો.’ તેમ કરવાથી સંતોષ થશે !' આ સલાહ છેવટ માની, કિરાતાર્જુનીય કાવ્યમાં લખ્યું છે કે ‘જે સાચી શિખામણ ન આપે તે મિત્ર કે મંત્રી ન કહેવાય, તેમજ અણગમતી છતાં પોતાના જ હિતની વાત ન સાંભળે તે સ્વામી કે રાજા શા કામના ?' જ્યાં રાજા-પ્રધાન એકબીજાને અનુકૂળ હોય ત્યાં જ સંપત્તિના રહેઠાણ હોય.
ન
શ્રેષ્ઠ ચિત્રકાર પાસે રાણીનું સુંદર ચિત્ર કરાવી રાજા પોતાની પાસે જ રાખવા લાગ્યા, એકવાર આનંદ-વિનોદ કરતાં રાજાએ આ ચિત્ર પોતાના ગુરુ શારદાનંદને બતાવ્યું. વિદ્વત્તા પાંડિત્યનો દેખાવ ન કરે તો રાજગુરુ શાના ? તેણે કહ્યું - ‘રાણીના ડાબા સાથળમાં સારો મોટો તલ છે. તે આમાં નથી કર્યો.' આ સાંભળતા રાજાને કાને કાંકરા વાગ્યા. તેને શંકા થઈ કે – ‘આણે અવશ્ય રાણીને નિરાવરણ જોઈ છે, સંબંધ વિના એ શક્ય નથી,' રાજા સમસમી રહ્યો પણ કાંઈ બોલ્યો નહીં. તેણે મંત્રીને આજ્ઞા આપી કે - ‘રાજગુરુ શારદાનંદને મારી નાંખો. આ બાબત મને ફરી પૂછવા ન આવશો.' મંત્રીએ આજ્ઞા માથે ચડાવી. પણ તે ઘણો જ સમજુ હતો. તેથી તેણે શારદાનંદને પોતાના ભોંયરામાં ગુપ્ત રીતે રાખ્યો.
કેટલોક વખત વીત્યા પછી રાજકુમાર વનમાં શિકારે ગયો. કોઈ જંગલી વરાહ (ડુક્કર)ની પછવાડે ઘોડો દોડાવતો તે વનમાં ઘણો દૂર નિકળી ગયો ને સાથી ઘણા પાછળ રહી ગયા. સાંજ પડવા આવી પણ સાથીઓનો ભેટો થઈ શક્યો નહીં ને પાછળ અરણ્યમાંથી નિકળવાનો રસ્તો પણ મળ્યો નહીં. અંતે સાંજે તળાવમાંથી પાણી લઈ પીધું અને કોઈ વન્ય પશુ પીડે નહીં તે ઉદ્દેશથી વૃક્ષ ઉપર ચડી ગયો. તે ઝાડ ઉપર એક વાંદરો વસતો હતો. તેના શરીરમાં કોઈ વ્યંતરનો વાસ હતો. તેણે કહ્યું – ‘જો પેલો વાઘ આવે સાચવીને રહેજે.' એટલામાં વાઘ આવી ઝાડ નીચે જ આંટા મારવા લાગ્યો. વાનરે કહ્યું - ‘તું મૂંઝાઈશ નહીં. તને ઊંઘ આવતી હોય તો અહીં આવ. મારા ખોળામાં તું નિર્ભય થઈ સૂઈ જા.' કુમાર અચરજ પામતો પાસે ગયો અને નિરાંતે તેના ખોળામાં સૂઈ ગયો. નીચે રહેલા વાઘે ઘણી વાર વાનરને કહ્યું પણ વાનરે કુમાર વાઘને ખાવા આપ્યો નહીં.