________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૬૫
આ બાબતમાં એક ઉદાહરણ છે કે ‘એક શ્રાવક જે વીતરાગદેવની પૂજા કરવા રાજમાર્ગથી જતો હતો તેની જ આગળ એક ચોર પણ પોતાના ધંધે નિકળ્યો હતો. આગળ ચોર ને પાછળ શ્રાવક ચાલ્યા જતા હતા ત્યાં શ્રાવકને શૂલનો કાંટો લાગ્યો ને ચોરને આગળ જતાં રસ્તે રૂપિયો જડ્યો. શ્રાવકને પગમાં પીડા મળી અને ચોરને રૂપિયાનો આનંદ. શ્રાવકે વિચાર્યું ‘અહો ! કેવો અંધેર ? અધર્મીને આનંદ અને ધર્મીને પીડા !!' તેણે પોતાનો સંદેહ તે જ દિવસે ગુરુ મહારાજને પૂછતાં તેમણે કહ્યું – ‘મહાનુભાવ ! તારું મોટું પાપ માત્ર પગમાં કાંટો વાગવાથી નાશ પામ્યું છે, ત્યારે ચોર આગળ જતાં રાજપુરુષોના હાથમાં પકડાઈ શૂલીએ ચડશે.' ઇત્યાદિ સાંભળી શ્રાવક સ્વસ્થ થઈ ઘરે ચાલ્યો ને થોડી જ વારમાં જાણ થઈ કે ‘ચોર પકડાયો ને હવે માર્યો જશે.’ ત્યારથી તે દૃઢ શ્રદ્ધાવાળો બન્યો ને શુદ્ધ વ્યાપારની નિષ્ઠામાં તત્પર થયો.
આ પ્રબંધ જાણી કૃપણતા, કૂડ-કપટ આદિ દોષો છોડી હંમેશા શુદ્ધ વ્યવસાયમાં સાવધાન થવું, જેથી દ્રવ્યની વૃદ્ધિ તો થાય જ, સાથે શારીરિક સ્વસ્થતા ને ચિત્તની સમાધિ પણ પ્રાપ્ત થાય.
૧૨૮
છલ-પ્રપંચનાં ફળ સારા નથી
कूटस्य जल्पनं मोच्यं, राज्ञां पुरो विशेषतः ।
दम्भात् कीर्तिश्रियोर्हानिः तस्मात् श्राद्धः परित्यजेत् ॥ १ ॥
અર્થ :ખોટું-કપટ અને બનાવટથી ભરેલું બોલવું નહીં તેમાં પણ રાજા આગળ તો જરાય ન બોલવું. દંભ કરવાથી કીર્તિ અને લક્ષ્મીની હાનિ જ થાય છે, (પણ લાભ થતો નથી) માટે શ્રાવકે તેનો ત્યાગ કરવો.
લેવડ-દેવડ આદિમાં કપટ ક્રિયાવાળું કાંઈ બોલવું નહીં. કોઈનું રહસ્ય બીજાને કહેવું નહીં. કહેવામાં આવ્યું છે કે ‘પોતાના અને પોતાની પત્નીના આહાર, સત્કાર્યો, દ્રવ્ય, ગુણો, દુષ્કર્મ, મર્મ અને મંત્ર (ગુપ્ત કાર્ય) આટલી વસ્તુ કોઈને જણાવવી નહીં.
અહીં કોઈને એમ પણ લાગે કે ‘આમાં તો સાચી વાત પણ ન કહેવાની વાત થઈ. ઉપરની બાબત કોઈ પૂછે તો તેને સાચી વાત ન કહીએ તો ખોટું જ બોલવાનો પ્રસંગ આવે ! ને ફૂટભાષણ કરાય નહીં’ તો ઉત્ત૨માં સમજવું જોઈએ કે ‘કોઈ ઉપલી બાબત, આયુષ્ય, ધન કે ઘરનું ગુહ્ય પૂછે તો જૂઠું બોલવાની જરૂર નથી તેને ધર્મ-નિયમ અને ભાષાસમિતિ જાળવી યુક્તિપૂર્વક ઉત્તર આપવાનો હોય કે ‘ભાઈ ! તમને આ બધી કોઈની અંગત બાબતથી કે નિરર્થક પ્રશ્નનું શું પ્રયોજન છે ?' રાજા તેમજ ગુરુ-વડીલ આદિ આગળ તો સવિશેષે ફૂટવચનનો ત્યાગ કરવો ને જે યથાર્થ બીના હોય તે જ કહેવી.
ઉ.ભા.-૨-૧૯