________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
૨૬૩ द्यूतपोषी निजद्वेषी, धातुवादी सदालसः ।।
आयव्ययमनालोची, तत्र तिष्ठाम्यहं हरे ॥ १ ॥ અર્થ:- જ્યાં જુગારનું પોષણ થતું હોય, પોતાનાં જ માણસોનું જ્યાં અપમાન થતું હોય, જ્યાં ધાતુવાદ (સ્વર્ણસિદ્ધિ આદિ)નો નાદ લાગ્યો હોય, જ્યાં આળસ સદાકાળ વસતી હોય અને જ્યાં આવક-જાવકનો કશો જ વિચાર ન હોય ત્યાં મારો નિવાસ છે.”
લક્ષ્મી ને દારિદ્રની વાત સાંભળી ન્યાય આપતા ઈન્ટે કહ્યું - “દેવી લક્ષ્મી ! તમારે બહુ ફરવાની જરૂર નથી. જ્યાં ક્લેશ કે કંકાસ ન હોય ત્યાં તમારે વસવું. બાકીની જગ્યાએ દારિદ્ર ભલે ફર્યા કરે.' તે બંનેએ કબૂલ કર્યું. તેમના વાદનો અંત આવ્યો. આનો સાર એટલો જ છે કે જયાં ક્લેશ હશે ત્યાં લક્ષ્મી નહિ રહે. માટે સંપથી રહેવું જોઈએ. ઉત્તમ શ્રાવકો સદા શાંતિથી કાર્ય સાધે છે, પણ ક્લેશ કરતાં નથી. નીતિમાં કહ્યું છે કે - “અતિનિષ્ફર તીક્ષ્ણ અને ઘોર દ્વેષી પણ ક્ષમા અને મૃદુતાથી વશ થાય છે. જોઈ લો, દાંત અતિકઠોર ને સંખ્યામાં વધારે છે. છતાં મૃદુતાના ગુણથી જીભે તેમને વશ કર્યા છે ને ચાકરની જેમ દાંત જીભની સેવા બજાવ્યા કરે છે. જીભને ગમે તે દાંત ચાવી આપે છે.' કોઈ પાસે ઉઘરાણી કરતાં પણ કોમળતા ને ધીરતાથી કામ લેવું. કઠોરતાભર્યા વાણી-વ્યવહાર કરવાથી ધર્મ અને યશની હાનિ થાય છે. કોઈ મોટા કે મોભાવાળા માણસ સાથે લેવડ-દેવડનો વ્યવહાર થયો હોય, ને ઉઘરાણીનો અવસર આવે તો ખૂબ જ નરમાશથી કામ લેવું. જરાય ઉતાવળા થવું નહિ ને કલહ તો કદી પણ કરવો નહીં. કહ્યું છે કે – “ઉત્તમજન સાથે નમસ્કારથી ને સરખા સાથે પરાક્રમથી કામ લેવું.”
વ્યાપારીએ ખરીદ-વેચાણની બાબતમાં, પારકા ગ્રાહકો તોડી પોતાના કરવામાં ચોપડોનામું વિપરીત લખવામાં અથવા લાંચ, લેવા-દેવા આદિ કાર્યમાં કદી પણ માયા-પ્રપંચ કે પરવંચના કરવી નહીં. કહ્યું છે કે – “જે પ્રાણી વિવિધ પ્રક્રિયા-ઉપાયોથી માયા-પ્રપંચનો આશરો લઈ અન્ય ભોળા કે વિશ્વાસને છેતરે છે તે મહા-મોહનો મિત્ર, સ્વર્ગ ને મોક્ષના સુખથી પોતાના જ આત્માને છેતરે છે,’ બને ત્યાં સુધી કાપડ, સુતર, સોના, ચાંદી ઝવેરાત આદિ જેમાં ઓછું પાપ થાય છે તેવો વ્યાપાર કરવો ને તેમાં પણ સાવધાનીપૂર્વક માયા-પ્રપંચથી બચતા રહેવું.
અહીં કોઈને એવો પ્રશ્ન થાય કે - “સાધારણ સ્થિતિવાળા સામાન્ય વ્યાપારી માયા-કપટ કર્યા વગર શુદ્ધ વ્યવહારથી વર્તે તો તેના નિર્વાહમાં વાંધા પડે. તેને કૂડ-કપટ કર્યા વિના કેમ ચાલે ?” તો તેના સમાધાનમાં સમજવાનું કે “શુદ્ધ વ્યવસાયથી મેળવેલાં થોડા દ્રવ્યમાં પણ વધારે (બરકત) ઉપલબ્ધિ હોય છે. માનસિક અને શારીરિક સ્થિતિ પણ સારી રહે છે, જીવને સંતોષનું પરમ સુખ સાંપડે છે, ત્યારે છળ-પ્રપંચ કે કુડ-કપટથી મેળવેલું દ્રવ્ય લાંબો કાળ ચાલતું નથી, કોઈવાર તો વર્ષમાં મૂળ દ્રવ્ય સાથે નાશ પામે છે. તે દ્રવ્ય વ્યાધિ પણ લાવે છે, પરિણામે વૈદ્ય, રાજા, ચોર, અગ્નિ જળ કે રાજદંડ આદિથી ખવાઈ જાય છે. તે દ્રવ્ય થોડો સમય ટકી જાય તો તે પણ દેહના ઉપભોગમાં કે ધર્મના ઉપયોગમાં પણ આવતું નથી. કહ્યું છે કે – ઉ.ભા.-૨-૧૮