________________
૨૫૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ કરાવેલ તેના પરિણામે તેમને છ માસ સુધી આહાર નહોતો મળ્યો. ઈત્યાદિ અપાયના અનેક કારણો જાણી આપણી ચિત્તવૃત્તિમાં અશાંતિ ન થાય તેવો ઉપાય કરવો ને તે રીતે નાણાનું ધીરાણ કરવું. આ બાબતની હિતશિક્ષા આપતાં નીચેનું ઉદાહરણ પ્રાચીન આચાર્યો દ્વારા આપવામાં આવ્યું છે :
ભોળા વણિક પુત્રનું દૃષ્ટાંત જિનદત્ત નામના એક વણિક શેઠને એકનો એક દીકરો હતો. તેનામાં થોડી બૌદ્ધિક જડતા ને મુગ્ધતા (ભોળપણ) હોવાથી તેનું નામ જ ભોળો પડી ગયેલું. ધનવાન પિતાનું સંતાન હોઈ તે ઘરમાં વહાલો પણ ઘણો હતો. ઘણું બધું ધન ઘરમાં હોવાથી ભોળો નિશ્ચિત પણ રહેતો. પોતાનો અંતસમય સમીપ જાણી જિનદત્તશેઠે ભોળાને બોલાવી કહ્યું – “દીકરા ! તું ઘણો ભોળો છે, પણ સંસારમાં સમજણ વિના ચાલતું નથી. હું તને ગૂઢાર્થમાં શિખામણ આપું છું. તું તેને સતત ધ્યાનમાં રાખજે. એ ઘણી ઉપયોગી થશે.”
એમ કહી શેઠે પુત્રને આ પ્રમાણે શિખામણો લખી આપી. ૧. ઘરની ચારે તરફ દાંતની વાડ કરવી. ૨. કોઈને ધન આપી લેવાં જવું નહીં. ૩. માથે જરા પણ ભાર ઉપાડવો નહીં. ૪. દિવસને સફળ કરવો. ૫. સ્ત્રીને થાંભલે બાંધીને મારવી. ૬. સદા મિષ્ટાન્ન ખાવું. ૭. સુખે સૂઈ જવું. ૮. ગામે ગામે ઘર કરવાં. ૯. માઠી દશા આવે તો ગંગા-યમુનાની વચ્ચે ખોદવું.૧૦. પ્રત્યેક ક્ષેત્રે ધન વાવવું. ઉપરની બાબત ન સમજાય કે તેમાં શંકા પડે તો મારા મિત્ર સોમદત્તને પૂછવું.
મુગ્ધ-ભોળે પિતાની વાત શિરોધાર્ય કરી. લેખ સાચવીને રાખ્યો. થોડા સમયે પિતાનું અવસાન થતાં બધો કારોબાર તેણે ઉપાડી લીધો. પિતાની શિખામણના મર્મને તે જાણી ન શકવાને કારણે-પોતાની રીતે તેનો અર્થ કરી તે રીતે વર્તવાથી થોડા જ સમયમાં તે સાવ નિધન થઈ ગયો.
જ્યારે બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા એટલે તે પિતાના મિત્ર સોમદત્ત શેઠની સલાહ લેવા પાટલીપુત્ર ઉપડ્યો ને શેઠ પાસે જઈ માંડીને બધી વાત કરી. કામમાં ખૂબ જ ખોટી કરી, ઘણો સમય થતાં ખરેખરી ભૂખ લાગી એટલે સોમદત્ત શેઠે તેને બાફેલા ચોળા ખાવા આપ્યા. કકડીને ભૂખ લાગી હોઈ તે સુખડીની જેમ ખાઈ-ધરાઈ ગયો. આખો દિવસ કામકાજમાં પસાર થયા પછી રાત્રિનો પ્રથમ પ્રહર પણ રોજમેળ-નામું ઠામું હિસાબ આદિમાં વ્યતીત કર્યો. ખાસ્સી રાત્રિ વીતવાથી ભોળાભાઈ તો બગાસા ખાવા માંડ્યા ને આળસ મરડવા લાગ્યા. શેઠે કહ્યું – “ભાઈ ! ઊંઘ આવતી લાગે છે. તે ચાલ, આ સામે ખાટલો દેખાય છે ને? એ તારો. નવકાર ગણીને સૂઈ જા.” પેલો તો જેવો તેમાં પડ્યો તેવો જ ઘસઘસાટ ઊંઘી ગયો. શેઠે તેને સવારે વહેલો ઉઠાડ્યો. પરમેષ્ઠિ સ્મરણ આદિ પ્રાતઃક્રિયા કરાવી. અવસરે નિવૃત્ત થતાં ભોળાએ શેઠને પોતાનું પ્રયોજન બતાવતાં કહ્યું - “બાપાની એકે વાત મારા માટે તો ન થઈ ઉલ્ટાની કઠિનાઈ વધારનારી બની. અત્યારે મારા દુઃખનો પાર નથી.” ઈત્યાદિ કહી તેણે પિતાએ આપેલી શિખામણ, અને પોતે તેને