________________
૨૪૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
ઘી સસ્તુ મેળવવાની ઇચ્છાથી સુભિક્ષની ભાવના હતી. હવે તમે એમ ઇચ્છો છો કે ઘી મોંઘું થાય તો સારૂં. ઘી ક્યારે મોંઘું થાય ? ઘાસચારો દુર્લભ કે મોંઘો થાય. પશુઓ પર મોટો ઉપદ્રવ આવી પડે તો. સમજ્યા ? તમારી મનોવૃત્તિ હીન થઈ ગઈ છે. અને ભાઈ ! ચામડાવાળા ! હવે તમે ઇચ્છો છો કે ચામડું મોંઘું થાય તો સારૂં. ચામડું કેમ કરી મોંઘું થાય ? એ...ય મોં માંગ્યા મેહ વૂઠે ને ધરતી લીલીછમ રહે. પશુઓ નિરોગી ને લાંબી આવરદાવાળા થાય તો જ તેમ બને એમ તમે જાણો છો, માટે તમારી ઉત્તમ ભાવના છે. શેઠીયાઓ ! માટે તમારી જગ્યામાં ફેરબદલ કરવી પડી છે.
‘હું ભગવાન જિનેન્દ્રદેવના ધર્મને જાણું છું. તેથી ભાવના ધર્મના મર્મને પણ સમજું છું. માટે ગુણને મહત્ત્વ આપ્યું છે. ખોટું લગાડશો નહીં.' બાઈના યુક્તિસંગત મર્માળા વચનો સાંભળી બંને વેપારીઓ વિચારમાં પડી ગયા. તેમણે ત્યાં જ પાપ વ્યાપારનો ત્યાગ કરી શુભ વ્યાપારનો નિશ્ચય કર્યો. માટે સગૃહસ્થોએ રસવાણિજ્યનો ત્યાગ કરવો. આ કર્માદાનનો આઠમો અતિચાર.
૪. કેશવાણિજ્ય :- રોમ, પીંછા, વાળ, ઊન ઉપલક્ષણથી દાસ-દાસી (ગુલામો) લેવા વેચવાનો ધંધો. તથા પશુઓ અને પક્ષીઓ વગેરે વેચવાનો વ્યવહાર કર્માદાનનો આ નવમો અતિચાર.
--
૫. વિષવાણિજ્ય :- વચ્છનાગ, સોમલ, અફીણ આદિ કોઈપણ પ્રકારના ઘાતક પદાર્થો તેમજ ઉપલક્ષણથી કોશ, કોદાળી આદિ ઘાતક (પૃથ્વી આદિના ઘાતક) અધિકરણો તથા હિંસક શસ્ત્રોનો વ્યાપાર. આથી પ્રત્યક્ષ રીતે જ જીવઘાત થતો હોય આ પાપવ્યાપાર છે. અન્ય મતમાં પણ આ વ્યાપારનો નિષેધ કરતાં કહ્યું છે કે :
कन्याविक्रयिणश्च, रसविक्रयिणस्तथा । विषविक्रयिणश्चैव, नरा नरकगामिनः ॥
અર્થ ઃ— કન્યાનો, રસપદાર્થનો તેમજ વિષનો વિક્રય કરનાર માણસ નરકે જાય છે. કર્માદાનનો આ દશમો અતિચાર.
अङ्गारकर्मप्रमुखानि पञ्च कर्माणि दन्तादिकविक्रयाणि । विहाय शुद्धव्यवसायकश्च, गृही प्रशस्यो जिनशासनेऽस्मिन् ॥ १ ॥
અર્થ :— અંગારકર્મ આદિ પાંચ કર્મ તથા દંતવાણિજ્ય આદિ પાંચ વાણિજ્ય છોડી શુદ્ધ વ્યવસાય કરનાર ગૃહસ્થ આ જિનશાસનમાં પ્રશંસાને પાત્ર છે.