________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૪૫
આદિના વ્યવસાયની દુષ્ટતા બતાવતા મનુસ્મૃતિમાં જણાવ્યું છે કે “લાખ, ગળી, તલ, ક્ષાર, કસુંબો, દૂધ, દહીં, ઘી અને છાશને વેચનાર બ્રાહ્મણ-બ્રાહ્મણ નથી પણ તેને શુદ્ર જાણવો.” કર્માદાનનો આ સાતમો અતિચાર.
૩. રસવાણિજ્ય - એટલે મધ, મદિરા, માખણ, દૂધ, ઘી તથા તેલ વગેરે રસવાળા કે પ્રવાહી પદાર્થોનો વેપાર કરવો તે. તેમાં પણ પૂર્વવતુ દોષો રહેલા જ છે. દૂધ આદિમાં સંપાતિમ (ઉપરથી આવી પડતા) જીવોનો વિનાશ થાય છે. બે દિવસ પછી દહીં-છાશમાં ત્રસ જીવો ઉપજે માટે મહાદોષનો ઉદ્દભવ છે. તેમાં પણ સોળ પ્રહર અંદરની છાશ પણ ગળીને પીવાનું ફરમાન છે. તેમાં પણ માખણનો સંયોગ તદ્વર્ણ જીવોની ઉત્પત્તિનું મહાન કારણ છે. ઘી-તેલના વ્યાપારમાં પણ ઘણા દોષો છે. તેમાં પણ ત્રસાદિ જીવો અવલિત થતા તરત નાશ પામે છે. ઘીમાં છાશ આદિનો અંશ રહી જતાં તેમાં ન ગણી શકાય એવી ઇયળો ઉપજે છે. પ્રાયઃ કરીને તેના વ્યાપારીનું ધ્યાન સારું હોતું નથી. ના છુટકે કોઈને આજીવિકા અર્થે ઘી-તેલનો વ્યવસાય કરવો પડે તો તેમણે અશુભ ધ્યાન કદી કરવું નહીં. કહ્યું છે કે – “અભિપ્રાયના વશે પાપધ્યાન (દુર્ગાન) છે, કાંઈ વસ્તુના જોવાથી થતું નથી.” આ પ્રસંગ ઉપર બે વણિક વ્યાપારીનું ઉદાહરણ જાણવા યોગ્ય છે. જે ઘી અને ચામડાના વ્યાપારી હતા.
બે વ્યાપારીની વાર્તા એક જ નગરમાં બે વ્યાપારી અષાઢ મહિનામાં માલ ખરીદીએ નીકળ્યા. તેઓ કેટલાક દિવસે એક ગામડામાં કોઈ વૃદ્ધાને ત્યાં ઉતર્યા. તે બાઈ ધર્મિષ્ઠ હતી ને વટેમાર્ગુને જમાડી જીવિકા ચલાવતી, તે બાઈએ આ વેપારીને પૂછ્યું કે - “તમે શાનો વેપાર કરો છો ? ઉત્તર આપતાં એક કહ્યું કે – “ઘીનો.” ને બીજાએ કહ્યું – “ચામડાનો વેપાર કરૂં છું.” બાઈએ વિચાર્યું ઘીના વેપારીનો મનોવ્યાપાર અત્યારે સારો વર્તતો હશે. મેઘ અવસર-અવસરે સારો પડે અને પરિણામે પુષ્કળ દૂધ-ઘી નિષ્પન્ન થવાથી ઘી સોંઘું મળે ઈત્યાદિ તેના પરિણામો સારા હશે અને આ ચામડાના વેપારીની મનોદશા તો ઘણી જ હીન હશે. તેને મન તો દુષ્કાળ પડે ને ઢોરો મરે તો ચામડું સસ્તુ મળે. આના પરિણામો સારા હશે નહીં.'
આમ વિચારી બાઈએ ઘીના વેપારીને ઘરમાં સારી જગ્યાએ અને ચામડાના વેપારીને ઘરની બહાર આંગણામાં જમવા બેસાડ્યો. જમી પરવારી તેઓ પોતપોતાને કામે ચાલ્યા. ખરીદી કામ કરી પાછા વળતા તેઓ પાછા ત્યાં જ ઉતર્યા. આ વખતે બાઈએ ઊંધી રીત અપનાવી. ચામડાના વેપારીને ઘરની અંદર અને ઘીના વેપારીને ઘરની બહાર જમવા બેસાડ્યો. ઘીવાળાથી આ સહન ન થયું. તેણે તરત કહ્યું – “તમે ભૂલતાં લાગો છો. ઘીનો વેપારી તો હું છું, સમજ ફેરથી તમે મને બહાર બેસાડતા લાગો છો.” કાંઈક સંકોચપૂર્વક તે ચામડાવાળો બોલ્યો – “હા, હું બહાર બેસું તે જ યોગ્ય છે.' બાઈએ કહ્યું – “તમે ધારો તેમ નથી. તમે યોગ્ય જગ્યાએ જ બેઠા છો, પૂર્વે પણ યોગ્ય જગ્યાએ બેઠા હતા. વાત એમ છે કે પૂર્વે ઘી ખરીદવા જતા તમારા ભાવ સારા હતા.