________________
૨૪૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ તેણે કહ્યું - “ભગવન્! આપ સત્ય કહો છો પણ હવે આ રોગ મટે કેવી રીતે ? મહારાજજીએ કહ્યું – “સાવ સહેલી રીત છે. ધર્મમય જીવન જીવો. વિરતિ આદરો, ભોજનમાં પરિમિતતા રાખો. સ્વાદની લોલુપતા છોડો. એટલે તન સાજુ-મન સાજુ, બધું ય સારૂં.” પ્રવરદેવે તરત ગુરુમહારાજ પાસે પ્રતિજ્ઞાઓ કરી. ખાવા-પીવામાં તેણે નિયમ કર્યો કે – “એક અન્ન, એક વિગઈ, એક શાક અને ઉકાળેલું પાણી વાપરીશ. તે સિવાયનો બધો નિયમ. પરિણામે ધીરે ધીરે રોગનું ઉપશમન થવા લાગ્યું, તેમ તેમ તેની ધર્મશ્રદ્ધા વધવા લાગી. પથ્થવાળા સાત્વિક ભોજનને લીધે તે નિરોગી થઈ ગયો અને ધર્મનો અભ્યાસ કરી તેના મર્મ અને માહાભ્યનો જ્ઞાતા બન્યો. પરિણામે નિષ્પાપવૃત્તિથી ન્યાયપૂર્વક તે વ્યાપારાદિક કરવા લાગ્યો ને કરોડપતિ થયો. અતિ ધનાઢ્ય હોવા છતાં એ એકજ અન્ન આદિના નિયમ પ્રમાણે જ જમતો. સુપાત્રદાનમાં સદા તત્પર રહેતો. ને જેમ જેમ વધારે લાભ મળતો તેમ પોતાની જાતને ધન્ય માનતો. ભોગોપભોગથી સદા વિમુખ રહેતો ને દાનાદિમાં ઉદ્યમ કરતો.
એમ કરતાં ત્યાં મોટો દુષ્કાળ પડ્યો. પ્રવરદેવે તે સમયે હજારો મુનિરાજોને પ્રાસુક ઘી આદિનું ચઢતા ભાવે દાન દીધું ને લાખો સાધર્મીઓની ગુપ્ત રીતે ભક્તિ કરી. આમ જીવનપર્યત અખંડપણે વ્રત પાળી અંતે સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર જેવી ઋદ્ધિવાળો સામાનિક દેવ થયો.
ઘણો કાળ વીતી ગયા પછી એકવાર સ્વર્ગના જિનમંદિરોની શાશ્વતી પ્રતિમાજીને વંદન કરતો શુભભાવના ભાવતો હતો. પોતાના આયુષ્યની અલ્પતાનો બોધ થતાં તેને વિચાર આવ્યો જ્ઞાનદર્શન આદિ ગુણથી સમૃદ્ધ શ્રાવકના કુળમાં દાસ થવું પણ સારું છે. કિંતુ મિથ્યામતિથી મુગ્ધબુદ્ધિવાળા ચક્રવર્તી થવું નકામું છે.” અંતે આવી શુભ ભાવનામાં દેવ આયુ પૂર્ણ કરી તે આ નગરીમાં શુદ્ધબોધ નામના શ્રાવકની પત્ની વિમળા નામની શ્રાવિકાના ઉદરે ઉત્પન્ન થયો. દુષ્કાળના બધા જ બાહ્ય ચિહ્નો દેખાતા હતા. જ્યારે જયારે આવા યોગો બને છે ત્યારે પૃથ્વી પર હાહાકાર મચી રહે છે ને પાણી માટે જીવો ટળવળીને ટૂટી જાય છે. પરંતુ એક જ બળવાન ગ્રહની શુભ દૃષ્ટિમાં પાપગ્રહો આવી ગયા છે ને એ શુભ યોગમાં પ્રવરદેવનો જીવ શુદ્ધબોધ શ્રાવકને ત્યાં જન્મ્યો. આ પુણ્યવાનના જન્મ અને શુભ યોગે દુષ્કાળ જેવો યોગ સર્જાતો નાશ પામ્યો છે.'
ઇત્યાદિ ગુરુમુખેથી વચનો સાંભળી રાજા ઘણું અચરજ પામ્યો અને રાણી આદિ પરિવાર સાથે શુદ્ધબોધ શેઠને ત્યાં ગયો. ત્યાં સર્વ લક્ષણથી યુક્ત તેજસ્વી અને સુંદર પુત્રને જોઈ રાજા ઘણો જ પ્રસન્ન થયો. તે બાળકને ખોળામાં લઈને રમાડતા રાજા બોલ્યો :
मूर्तिमानिव धर्मस्त्व-मित्थं दुर्भिक्षमङ्गकृत् ।
इति तस्याभिधा धर्म इति धात्रीभृता कृता ॥ १ ॥ અર્થાતું- હે બાળ! તું ખરેખર મૂર્તિમાન ધર્મ જ છે. જેથી તું દુષ્કાળનો પણ નાશ કરનાર થયો. માટે આ (હું) રાજા દ્વારા તારું નામ “ધર્મ પાડવામાં આવે છે.