________________
૨૪૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ સચિત્ત એટલે સજીવ ફળ આદિ કંદ આદિ. તેનો નિયમ કરનાર કોઈ માણસ ઉપયોગશૂન્ય થઈ અનાભોગે ભક્ષણ કરે તે પ્રથમ સચિત્ત અતિચાર. ધાન્ય નિર્જીવ ન થાય, કે તેની વાવણી કરવા છતાં ઉગવાની શક્તિનો નાશ ન થાય ત્યાં સુધી તે સચિત્ત કહેવાય. કહ્યું છે કે જવ, ઘઉં અને ડાંગર ત્રણ વર્ષ પછી અચિત્ત થાય છે. તલ અને કઠોળ પાંચ વર્ષ પછી અચિત્ત થાય છે, તેમજ અળસી, કોસંબો, કોદરા આદિ સાત વર્ષે નિર્જીવ થાય છે. જઘન્યથી એક અંતર્મુહૂર્ત પછી બીજની ઉત્પત્તિનો નાશ થાય છે. કપાસના બીજ ત્રણ વર્ષ પછી નિર્જીવ થાય છે. ઈત્યાદિ સૂત્ર-સિદ્ધાંતથી જાણી અતિચારનું વર્જન કરવું. પ્રથમ અતિચાર.
સચિત્ત સાથે સંબદ્ધ વસ્તુ એટલે વૃક્ષ આદિની સાથે સંબંધવાળો તત્કાળ ગ્રહણ કરેલો ગુંદર આદિ તેમજ રાયણ, ખજુર, કેરી, ખારેક આદિ કોઈપણ સચિત્ત બીજવાળું પાકું ફળ. કોઈ અજ્ઞ એમ વિચારે કે “પાકેલું ફળ અચિત્ત છે, માટે તે હું ખાઈશ અને ઠળીયો કે ગોટલી સચિત્ત છે માટે તેનો ત્યાગ કરીશ.” આવી બુદ્ધિથી તે આખું ફળ મુખમાં મૂકે કે ખાય-ચૂસે તો તેથી તેને સચિત્ત સંબદ્ધ આહારરૂપ બીજો અતિચાર લાગે. બીજો અતિચાર.
જે સચિત્તની સાથે મિશ્ર હોય તે મિશ્ર આહાર કહેવાય. સચિત્તની સંભાવનાવાળા અપક્વ જવ, કાચા પાણીથી બંધાયેલી કણિક આદિ તેને લોટ જાણી અચિત્તની બુદ્ધિથી ખાય. ચાળેલો લોટ અંતર્મુહૂર્ત બાદ અચિત્ત થાય છે પણ નહિ ચાળેલો મિશ્ર કહેવાય છે. ચાળવાથી લોટમાં રહેલા ધાન્યના નખીયા વગેરે લોટમાં રહેતા નથી, જો તે લોટમાં રહે તો તેના અપરિણત્વની સંભાવના રહે છે. મિશ્રનું કાળમાન પૂર્વે જણાવ્યું છે. આ મિશ્રનો આહાર અનાભોગાદિથી-ઉપયોગશૂન્યતાથી કરવામાં આવે તો આ ત્રીજો અતિચાર લાગે છે. ત્રીજો અતિચાર.
અભિષવ એટલે અનેક વસ્તુઓના સંભેળથી થતી વસ્તુ. જેમ અથાણું તથા પ્રકારના પેયઆસવ, સરકો, ખાંડ આદિ અથવા મદિરાદિ થઈ શકે તેવા દ્રવ્યો કે તેવી વનસ્પતિઓનો ઉપયોગ કરવો નહીં. દુષ્ટ આહારના ત્યાગીને અનાભોગથી આહારમાં આવે તો અતિચાર લાગે. ચોથો અતિચાર.
દુષ્પક્વ એટલે પૂર્ણ રીતે નહિ રંધાયેલો-પાકેલો આહાર, કાચો-પાકો આહાર. અડધુંપડધું શેકેલું ધાન્ય. ધાણી, ચણા આદિ, બરાબર નહિ ચડેલું. કાકડી આદિનું શાક કે કાચા ફળ. આ દુષ્પક્વ હોઈ સચેતનતાનો આમાં સંભવ છે અને પાકેલ રાંધેલ હોઈ અચિત્તપણાની બુદ્ધિ પણ છે. છતાં આ દુષ્પક્વ પદાર્થને અચિત્ત માની સચિત્તનો ત્યાગી ઉપયોગમાં લે તો તેને અતિચાર લાગે. પાંચમો અતિચાર.
આ બાબત શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રમાં અપ્પોલ૦ દુષ્પોલ૦ તુચ્છોસહિ૦ ઈત્યાદિ ગાથામાં કહેલ છે. તેમાં અપક્વ અને તુચ્છૌષધિનો આહાર તે સચિત્તની અંતર્ગત કહ્યો છે. આ પાંચ અતિચાર ભોગપભોગ પરિમાણ વ્રતના ભોજન આશ્રયી જાણવા અને પ્રયત્નપૂર્વક ત્યજવા. આ વિષયમાં ધર્મરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે :