________________
૨૩૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ શાણી રાણીએ કહ્યું - “દીકરા, રાજ્યલક્ષ્મી તો મહા અનર્થ અને ષડયંત્રનું વિષમય કારણ છે. એ એટલી ચપળ હોય છે કે ક્યારે હાથમાંથી સરી જાય? કાંઈ કહેવાય નહીં. આપણી પાસેથી રાજ્ય જાય ત્યારે દુઃખની સીમા રહેતી નથી ને આપણે જાતે જ છોડી દઈએ છીએ ત્યારે આપણી મહત્તાનો પાર રહેતો નથી. આ લક્ષ્મી સરળતાથી નરકે લઈ જાય છે ને સ્વર્ગ તથા મોક્ષના માર્ગમાં ન ખસેડી શકાય તેવો અવરોધ ઊભો કરે છે, વસ્તુતઃ આવી લક્ષ્મી પાપની માતાની ઉપમા પામે છે ને તે આપણને નર્યું અભિમાન જ આપે છે. માટે તારાં સમજુ અને ચતુર પિતાએ તેનો ત્યાગ કરી સર્વ સુખના અનન્ય કારણરૂપ ધર્મની સાધનાનો નિર્ણય કર્યો છે. બેટા ! આખર તો ધર્મ સિવાય કશું જ નથી.”
આ સાંભળી ઊંડા વિચારમાં પડી ગયેલો કુમાર માતાને પૂછાવા લાગ્યો - “મા ! જો પરિસ્થિતિ આ છે તો હું મારા પિતાને એટલો બધો અળખામણો કે અનિષ્ટ છું કે મને રાજ્ય આપી મારો સર્વનાશ કરવા તૈયાર થયા છે? દયાળુ પિતા પોતાના સંતાનને વિષ નથી આપતા તો પિતાજી મારા માટે કેમ આમ કરે છે?
આ સાંભળી રાજરાણી તો આશ્ચર્ય પામ્યા. પણ રાજા તો તેના મર્મને ગ્રહણ કરનારી બુદ્ધિ જોઈ પહેલા તો આભા જ બની ગયા પછી ઘણા જ રાજી થયા. કુમારે પિતાની સાથે જ દીક્ષા લીધી. ગુરુ-શિષ્ય ભાવને પામેલા પિતા-પુત્ર સંન્યાસ ધર્મની સાધનામાં સાવધાન થયા અને સંન્યાસીઓથી દિપતા તપોવનમાં અમાવાસ્યા આદિ પર્વતિથિએ અનાકુટિ પાળવામાં આવતી અને તેની ઉદ્ઘોષણા પર્વ આદિ તિથિના આગલા દિવસે કરવામાં આવતી. “કાલે અનાકુટ્ટી છે, માટે દર્ભ-ઘાસ, સમિધ, ફળ-ફૂલ, પત્રાદિ જેને જોઈતા હોય તે આજે જ લઈ આવે.”
આ સાંભળી ધર્મરુચિએ જિજ્ઞાસાપૂર્વક પિતાને પૂછ્યું - “આ અનાકુટ્ટીનો શો પરમાર્થ છે ?' તેમણે કહ્યું - “વત્સ ! દયા એ તો મુખ્ય ધર્મ છે. માટે ફળ-ફૂલ, પાંદડા, લતા, ડાળ આદિ ન તોડવા તે અનાકુટ્ટી કહેવાય. તે અમાવાસ્યા આદિ મોટી તિથિએ પાળવામાં આવે છે. કેમકે વનસ્પતિમાં પણ આપણી જેમ જીવન રહેલું છે, તેનું છેદન-ભેદન કરતાં વધની સાવદ્ય ક્રિયા થાય છે.
આ સાંભળી ધર્મચિ તો ઊંડા મંથનમાં ઉતરી ગયો. તે વિચારે છે. “જો આપણી જેમ વનસ્પતિ આદિમાં પણ આત્મા રહેલો છે ને તે આપણને ચોખ્ખી રીતે જણાય છે. અમુક દિવસે અનાકુટ્ટી પાળવાથી કાંઈ ઘણો ફરક પડતો નથી. એક દિવસ હિંસાથી બચાય છે પણ કોઈકવાર તો કાલ માટેની હિંસા આજે જ થઈ જાય છે. મહેલ મૂકી વનમાં આવવાનું કારણ તો એ જ છે કે નિષ્પાપ જીવન જીવી શકાય. તો શું રોજેરોજ અનાકુદી પાળી ન શકાય?” ઘણો વિચાર કરતાં તેને લાગ્યું કે “સદૈવ કાંઈ અનાકુટ્ટી પાળી શકાય તેમ લાગતું નથી પણ કોઈ રીતે સદાકાળ અનાકુટ્ટીનો સંયોગ મળે તો ઘણું સારું કહેવાય.” એમ કરતાં કેટલોક સમય વીતી ગયો છતાં સદાકાળની અનાકુટ્ટીની વિચારણા તેના હૈયામાં રમતી રહી.