________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૩૯ એકવાર અમાવાસ્યાના દિવસે તે તાપસોના ઉપવનની કેડીએ ચાલ્યા જતા કેટલાક સાધુઓને જોઈ પાસે જ ઉભેલા ધર્મરચિએ તેમને પૂછ્યું - “મહાભાગ!” આજે વનમાં કેમ ચાલ્યા? શું આજે અનાકુટ્ટી નથી?” સાધુ મહારાજાએ કહ્યું- “મહાનુભાવ! અમારે તો રોજની જ અનાકુટ્ટી છે, જીવનપર્યત કશો જ સાવદ્ય પાપવ્યાપાર અમારે કરવાનો નહીં.' એમ કહી તેમણે પોતાની નિર્દોષ જીવિકા ને મુધા જીવનની વાત કરી. મુનિ તો ચાલ્યા ગયા પણ ધર્મરુચિ ઊંડા ચિંતનમાં ઉતરી ગયો. ઉહાપોહ થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું.
પૂર્વભવમાં પોતે આરાધેલું શ્રમણજીવન ને ત્યાંથી દેવભવની પ્રાપ્તિ તથા તેનો ક્ષય આદિની અનુભૂતિ તાદૃશ થઈ. તેણે વિચાર્યું – “તે સાધુ જીવનમાં એકલી વનસ્પતિ જ નહીં, સર્વ સ્થાવર જીવોને મેં અભયદાન આપેલું, તો આ ભવમાં હવે સા માટે હું હિંસા કરૂં? એમાં પણ વીતરાગ દેવોએ આરાધક આત્માઓને આટલી સારી વ્યવસ્થા આપી છે. નિર્દોષ ને નિષ્પાપ જીવન જીવી શકાય તેવી બધી સગવડ આપી છે તો મારે તરત જ બધું છોડીને તેમના શરણે જવું જ જોઈએ.”
ઇત્યાદિ શુભ ભાવના અને કલ્યાણમાર્ગની પ્રશસ્ત પ્રવૃત્તિમાં પગલા માંડતા તેમને કેવળજ્ઞાન થયું. તેઓ પ્રત્યેકબુદ્ધ (કોઈક નિમિત્ત મળતા જેઓ ભાવ સંયમને પામી કેવળજ્ઞાની બને છે તે) થયા. તે બધા તાપસો ત્યાં દોડી આવ્યા. ધર્મરુચિ અણગારની આશ્ચર્ય ઉપજાવે તેવી જ્ઞાનગરિમા જોઈ બધા ખૂબ જ આશ્ચર્ય પામ્યા. તેમનો ઉપદેશ સાંભળી બધા જ તાપસોએ કંદમૂળનો ત્યાગ કર્યો.
मेषोष्ट्रहस्त्यादिभवेषु भक्षणं वल्ल्यादिकानां बहुधा विधायितम् । श्राद्धत्वं प्राप्याथ विधेहि रक्षणं, तासां यथा धर्मरू चिमुनीन्द्रवत् ॥१॥
અર્થ – ઘેટા, બકરા, ઊંટ, હાથી આદિના ભવોમાં વેલાઓ (છોડ) આદિ ઘણી જાતની વનસ્પતિનું ઘણી રીતે ભક્ષણ કર્યું પરંતુ શ્રાવકપણું પામીને ઓ પુણ્યવાન ! હવે તો તે વનસ્પતિનું રક્ષણ ધર્મરુચિ મુનીન્દ્રની જેમ કરો જેથી તેનું ઉત્તમ ફળ તમે પણ પામો.
૧૨૨
ભોગના પાંચ અતિચાર सचित्तः तेन सम्बद्धः, सम्मिश्रोऽभिषवस्तथा ।
दुष्पक्काहार इत्येते, भोगोपभोगमानगाः ॥ અર્થ :- સચિત્ત આહાર, સચિત્તથી સમ્બદ્ધ આહાર, સચિત્ત-અચિત્ત સંમિશ્ર આહાર, અપક્વ અને દુષ્પક્વ આહારાદિનો ઉપભોગ. આ પાંચ અતિચાર ભોગોપભોગ વ્રતના છે.