________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨
૨૧૩ અનંતજ્ઞાની ફરમાવે છે કે બાફવા, તળવા આદિ કોઈ ઉપાયથી માંસ અચિત્ત થતું નથી. બીજી વસ્તુઓ તથા પ્રકારે અચિત્ત થાય છે. “માંસનું તેવું નથી.” માંસ ખાનાર માણસને કૂતરાની જેમ ઉપમા આપતા કહેવાયું છે કે “જે માણસ સેંકડો-હજારો કૃમિજંતુથી સંકુલ, પરુ, રુધિર અને ચરબીથી વ્યાપ્ત એવા માંસનું ભક્ષણ કરે છે તે શુદ્ધ-સાત્વિક બુદ્ધિવાળા પુરુષો માટે તે શ્વાન તુલ્ય છે.'
હવે મધનું અભક્ષ્યપણું સમજાવે છે – મધ ત્રણ પ્રકારનું છે, માક્ષિક (નાની માખીથી થયેલું), કૌતિક (મધ્યમ માખીથી બનેલું) અને ભ્રામર (ભમરી, મોટી માખીથી બનેલું) આ ત્રણે જાતનું મધ ત્યાગી દેવું જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે – માખીઓના એંઠવાડા જેવું, માખીઓના મુખની લાળથી બનેલું, હજારો લાખો જીવોના ઘાણમાંથી નિપજેલું આ તુચ્છ મધ નરકાદિ દુર્ગતિ આપનારું હોઈ બુદ્ધિશાળી જીવો તેને ઇચ્છતા પણ નથી. પુરાણમાં પણ કહ્યું છે કે
सप्तग्रमेषु यत्पाप-मग्निना भस्मसात् कृते ।
तदेतज्जायते पापं मधुबिन्दुप्रभक्षणात् ॥१॥ અર્થ:- સાત ગામ બાળી નાંખવાથી જે પાપ લાગે તે પાપ મધના એક ટીપાના ભક્ષણથી લાગે છે.
यो ददाति मधु श्राद्धे, मोहितो धर्मलिप्सया ।
स याति नरकं घोरं, खादकैः सह लम्पटैः ॥ અર્થ :- જે ધર્મની લિપ્સાથી મોહિત થઈ શ્રાદ્ધ આદિમાં મધ આપે છે, તે તેના લમ્પટ ગ્રહણ કરનાર, ખાનારની સાથે ઘોર નરકમાં જાય છે.
જે માણસ ઔષધિમાં ઔષધ તરીકે મધ ખાય છે તે થોડા જ કાળમાં અતિઉગ્ર દુઃખ પામે છે. શું જીવવાની ઇચ્છાથી ખાધેલું વિષ તત્કાળ જીવિતને શિક્ષા કરતું નથી? કરે જ છે. આ પ્રમાણે વિચારી દવાના નામે પણ મધને અડકવું જ નહીં.
હવે માખણનું વિવરણ કરતાં કહે છે કે “માખણ ચાર જાતનું હોય છે, ગાયનું, ભેંસનું, બકરીનું તેમજ ઘેટીઓનું. સિદ્ધાંતમાં કહ્યું છે કે – “જેમાં તત્કર્ણા સૂક્ષ્મશરીર વાળા અસંખ્ય જીવો નિરંતર ઉપજ્યા કરે છે તે માખણ સેવનારાને સહેલાઈથી દુર્ગતિમાં લઈ જાય છે. છાશમાંથી બહાર કાઢ્યા પછી માખણમાં તરત તકર્ણા સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે. તેનો વિવેકી આત્મા અવશ્ય ત્યાગ કરે છે. આમ ઉપર જણાવેલી ચારે મહાવિગઈ અભક્ષ્ય હોવાના કારણે ધર્મના જાણ વિવેકી આત્માએ સત્વર ત્યાગી દેવી. તેમાં સમાન વર્ણવાળા, તાતિય અનેક સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય ને નાશ પામ્યા કરે છે. જેને સામાન્ય દષ્ટિવાળા આપણા જેવા જોઈ શકતા નથી. કોઈ યંત્રથી પણ જોઈ શકાતા નથી એને તો અતિન્દ્રિય જ્ઞાની પુરુષો જોઈ શકે છે. કહ્યું છે કે –