________________
૨૨૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
ગણાય. આ વ્રતાધિકારે ત્રણ મિત્રનો પ્રબંધ આ પ્રમાણે છે.
ત્રણ મિત્રોનો પ્રબંધ કોઈ ગામમાં એક જિનધર્મી, બીજો ભદ્રપરિણામી અને ત્રીજો મિથ્યાત્વી એમ ત્રણ વણિકપુત્રો મિત્ર હતા. એકવાર આ ત્રણે જણ ઉપાશ્રયે જઈ ચડ્યા. ત્યાં એમણે સાંભળ્યું કે “રાતે પાણી પીવા કરતાં સ્વાદિમ આહાર ખાવામાં બમણું પાપ લાગે છે. સ્વાદિમ કરતા ખાદિમ આહાર કરવામાં ત્રણગણું પાપ લાગે છે. અને ખાદિમ આહાર કરતા અશન આહારમાં ત્રણગણું પાપ લાગે છે. (અશન એટલે અન્ન-ધાન્યાદિ યુક્ત સમસ્ત ભોજન, ખાદિમ એટલે સેકેલી ધાણી આદિમેવા ફળ આદિ અને સ્વાદિમ એટલે સૂંઠ, વરીયાળી, એલચી, લવિંગાદિ.) રાત્રિના અંધકારમાં સૂક્ષ્મજીવો જોઈ શકાતા નથી, માટે રાત્રે બનાવેલ પાક આદિ જો દિવસે ખાવામાં આવે તો પણ રાત્રિભોજનનો ભાંગો લાગે છે. અર્થાત્ રાત્રિભોજન સમાન ગણાય છે. ઈત્યાદિ રત્નસંચય નામક ગ્રંથમાં લખ્યું છે. રાત્રિભોજનના વર્જનમાં આ લોક તથા પરલોક સંબંધી ન કલ્પી શકાય એટલા લાભો રહેલા છે. છતાં જે અજ્ઞાની કે આગ્રહી જીવો કદાગ્રહથી રાત્રિભોજન છોડતાં નથી તેઓ એડકાક્ષની જેમ તથા મરૂકની જેમ ઘોર દુઃખ પામે છે. એડકાક્ષનો સંબંધ આ પ્રમાણે છે.
એડકાક્ષની કથા | દશાર્ણનગરમાં ધરશ્રી નામે શ્રાવકન્યા હતી. તે ધનદેવને પરણી સાસરીયે આવી. પતિનાઘરના લોકોને રાત્રિભોજન કરતા જોઈ તેને ઘણું લાગ્યું. તે બધાને તો સમજાવી ન શકી પણ પોતાના પતિને એક દિવસ ઘણું સમજાવી મનાવી દિવસચરિમ (ચઉવિહાર)નું પચ્ચક્માણ કરાવ્યું. તે જ રાત્રિએ કોઈ સમીપવર્તી દેવીએ ધનદેવની પરીક્ષા માટે તેની બહેનનું રૂપ કરી ભાવતી વસ્તુ ખવરાવવા આવી. ધનશ્રીએ ઘણો વાર્યો. સમજાવ્યો ને પચ્ચખ્ખાણભંગનો ભય પણ બતાવ્યો છતાં તે ન માન્યો “મને તો ભૂખ લાગી છે.” કહી જમવા બેઠો. તરત ખીજાએલી દેવીએ તેને જોરથી લપડાક ખેંચી કાઢી, તેથી તેની આંખો બહાર નીકળી આવી. જતાં જતાં દેવીએ કહ્યું – “પ્રતિજ્ઞા અને નિયમ કરતા તને પાપ આટલા બધાં વહાલા છે, તારા પાપ તું ભોગવ.” ને દેવી ચાલી ગઈ. પતિની આ દશા જોઈ ધનશ્રીએ કાયોત્સર્ગ ધ્યાનમાં દેવીને આરાધતાં તે આવી ને તેની આંખો સારી-સાજી કરી આપી. પાછળથી લોકોમાં એવી પ્રસિદ્ધિ થઈ કે નિયમ ભાંગવાથી તેની બંને આંખો દેવીએ લઈ લીધી હતી પણ પત્નીની આરાધનાને લીધે તરતના મરેલા કોઈ ઘેટાની આંખ દેવીએ બેસાડી આપી માટે કોઈએ નિયમ સાથે ચેડા કરવા નહીં. ત્યારથી ધનદેવ એડકાક્ષ (એડક એટલે ઘેટું-તેની આંખવાળો) તરીકે પ્રસિદ્ધ થયો. મરૂકની કથા શ્રાદ્ધદિનકૃત્યની બૃહવૃત્તિથી જાણવી.
સજ્જન અને કલ્યાણકામી જીવો હઠ, દુરાગ્રહ કે મશ્કરીમાં પણ રાત્રિભોજનને સારું નથી કહેતા-માનતા.