________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૨૧
આવી ધર્મદેશના સાંભળી ત્રણ મિત્રોમાંથી પહેલા જિનધર્મીએ પોતાના કુળાચાર પ્રમાણે કેટલાએક નિયમો સ્વીકાર્યા. બીજા ભદ્રિકમિત્રે સારી રીતે વિચારણા કરી રાત્રિભોજનના ત્યાગનો નિયમ લીધો. પરંતુ ત્રીજો મિથ્યાર્દષ્ટિ જરાય બોધ પામ્યો નહીં. આ અમૃતવાણીનો તેના પર જરાય પ્રભાવ ન પડ્યો. તેના સિવાયના બંને મિત્રો સપરિવાર નિયમ પાળવામાં તત્પર થયા. તે શ્રાવકમિત્રના આચારમાં ધીરે ધીરે શિથિલતા આવવા લાગી. નિયમની સામાન્ય ક્ષતિઓ આગળ જતાં મોટી સ્ખલનાઓને પણ સામાન્ય કરી નાંખે છે. સંસારમાં તે જ જાણનાર છે જે મનની દુર્બળતાને જાણી શક્યા છે ને મનને ફાવવા નથી દીધું. તે શ્રાવકમિત્ર પ્રથમ તો દિવસની પહેલી ને છેલ્લી બે-બે ઘડી જે ત્યાજ્ય હતી તેમાં ખાવા લાગ્યો ને પછી તો થોડું મોડું થાય તો ઉતાવળે ઉતાવળે જમી લે. એમ કરતાં તે સૂર્યાસ્ત પછી પણ નિઃશંક થઈ જમવા લાગ્યો. એકવાર એ બંનેને કાર્યવશ રાજકચેરીએ જવું પડ્યું. સવારે જમ્યા વગર જ નીકળેલા ને અણધાર્યું મોડું થઈ ગયું. ઘરે પહોંચતા સૂર્યાસ્ત થઈ ગયો. શ્રાવકની સાથે જ ભદ્રિક પણ તેના ઘરે જ આવ્યો. કુટુંબીઓએ જમવા આમંત્ર્યા ને ભોજનના થાળ પીરસ્યા. ભદ્રિકે કહ્યું - ‘રાત્રિ પડી ગઈ છે, હવે અમારાથી જમાય નહીં.' શ્રાવકમિત્રે કહ્યું - ‘હજી રાત ક્યાં પડી છે ? જો હાથની રેખા પણ ચોખ્ખી વર્તાય છે. આપણે તો રાતે ન જમવાનો નિયમ છે, ને રાત હજી છેટી છે.’ ભદ્રિકે કહ્યું - ‘એ બધી નમાલી વાતો છે. ખાવાનું ક્યાં જતું રહેવાનું છે. સવારે જમીશું, જમવાનું કાંઈ નવું નથી, વ્રત અને નિયમ મળવા કઠિન વાત છે.' ભદ્રિકે દઢતા રાખી સવારથી ભૂખ્યો હતો ને પરિશ્રમ પણ સારો પડ્યો છતાં તેણે સહુના આગ્રહ અને અનુનયને ઠેલ્યો. રાત્રિભોજન કર્યું નહીં. ત્યારે ‘હજી તો રાતને વાર છે.’ કહી શ્રાવક અંધકારમાં નિઃશંકપણે જમવા લાગ્યો. શાસ્ત્રમાં કહ્યું છે કે
रयणीभोजने जे दोषा, ते दोषा अंधयारम्मि ।
जे दोषा अंधयारम्मि ते दोषा संकडम्मि मुहे ॥ १ ॥
અર્થ :– રાત્રિભોજન કરતાં જે દોષ લાગે તે દોષ અંધકારમાં જમવાથી પણ લાગે છે. જે
-
દોષ અંધકારમાં જમવાથી લાગે છે તે દોષ સાંકડા મુખવાળા પાત્ર-વાસણમાં ખાવા-પીવાથી લાગે છે. એટલે કે રાત્રે તેમજ અંધારામાં ભોજન કરાય નહીં. જો અંધારી જગ્યામાં ભોજન ન કરાય તો રાત્રે તો શી રીતે ભોજન કરાય ?
પેલો શ્રાવક જમતો હતો ત્યારે પીરસનારના માથામાંથી કોઈ ઉગ્ર જૂ તેના ભોજનમાં પડતા ખવાઈ ગઈ તેથી તેને અસહ્ય જળોદરનો મહાવ્યાધિ થયો. વ્રત-વિરાધી ઘણી પીડા ભોગવી મરીને તે બિલાડો થયો. ત્યાંથી પ્રથમ નરકે ગયો. પેલો મિથ્યાત્વી મિત્ર પણ યોગાનુયોગ વિષાત્ર ખાવાથી મરી માર્જોર થઈ પ્રથમ નરકમાં ગયો. ત્યારે શાંતિથી સાવધાનીપૂર્વક વ્રત પાળતો ભદ્રિક પ્રાંતે પ્રથમ દેવલોકે દેવ થયો. શ્રાવકનો જીવ પ્રથમ નારકીમાંથી નિકળી નિર્ધન બ્રાહ્મણને ત્યાં શ્રીપુંજ નામે પુત્ર થયો. મિથ્યાત્વી મિત્ર તેનો નાનો ભાઈ થયો. દેવલોકમાં રહેલા ભદ્રિકે અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવના દુઃખીયારા મિત્રને જોયા. ત્યાં આવી તેમને નિયમભંગ તેમજ