________________
૨૩૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ નદીમાં એક પાર્શ્વનાથ પ્રભુની સુંદર પ્રતિમા બિરાજે છે ને તેમના ખોળામાં તે રત્નમય કચોળું પડ્યું છે. કચોળું લઈ ખેવટીયો બહાર આવ્યો ને તેણે જગ્યાનું બરાબર એંધાણ કરી લીધું. કચોળું મળ્યાથી શેઠ દંપતી ઘણાં રાજી થયા. ખેવટીયાએ કહ્યું – “અહીંનો મહિમા જ એવો છે કે કોઈનું કશું ખોવાતું જ નથી.” શેઠે તેને રાજી કર્યો. ખલાસીએ શ્રી પાર્શ્વપ્રભુની વાત વંકચૂલને કરી. નદીમાંથી કઢાવી મંગાવી વંકચૂલે ભગવાનનો સારી રીતે પ્રવેશ કરાવ્યો. શ્રી મહાવીરપ્રભુના પ્રાસાદમાં રંગમંડપના ગોખમાં બિરાજમાન કર્યા પછી નૂતન ચૈત્ય કરી તેમાં પધરાવવા તે પ્રતિમાજીને ઘણા લોકો ભેગા થઈ ઉપાડવા લાગ્યા પણ પ્રતિમાજી જરાય હલ્યા નહીં. તેથી તે ત્યાં જ રહ્યાં. થોડા દિવસ પછી ખલાસીએ ફરી આવીને વંકચૂલને જણાવ્યું કે - “પૂર્વે જયાંથી પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજી મળ્યા હતા તેની પાસેના ભાગમાં હજી એક પ્રતિમાજી તથા એક સોનાનો રથ છે.'
આ સાંભળી ચક્તિ થયેલા વંકચૂલે પલ્લીના માણસોને ભેગા કરી પૂછયું કે - “આ નદીમાં આ પ્રતિમાજી ક્યાંથી આવ્યા? વળી સોનાનો રથ પણ નદીમાં ક્યાંથી હોઈ શકે? તમે કોઈ આનો ઈતિહાસ જાણતા હો તો કહો.” આ સાંભળી એક વૃદ્ધ સરદારે કહ્યું – “મહારાજ ! પૂર્વે પાસેના નગરના મહારાજા પ્રજાપાલ પર શત્રુએ ચડાઈ કરતાં ભીષણ સંગ્રામ જામ્યો હતો. શત્રુ બળવાન અને ઉદંડ હતો. શત્રુના ભયથી ત્રસ્ત થયેલી રાણીએ, બે પ્રતિમાજી તેમજ પોતાની સારભૂત વસ્તુ સોનાના રથમાં લઈ ચર્મણવતી નદીના મધ્યમાં તરતા બેડા પર મુકામ કર્યો. તે જગ્યાએ રક્ષણની પાકી વ્યવસ્થા અને દાસી આદિ પરિવાર હતો, ત્યાં કોઈ દુષ્ટ શત્રુપક્ષના માણસે રાણીને ખોટા સમાચાર આપ્યા કે “રાજા લડાઈમાં માર્યા ગયા છે.” આ સાંભળી ભયભીત થયેલી રાણીએ માણસો દાસીઓને કાંઠે ચાલ્યા જવા જણાવ્યું કે પોતે બેડામાં કાણું પાડી જંળસમાધિ લીધી. પ્રતિમાજી-રથ સાથે પોતે જળમાં ડૂબી ગઈ. લાગે છે કે તે રાણીબા દેવી થયા છે, નહિ તો આ જિનપ્રતિમાનો આટલો પ્રભાવ-મહિમા કોણ કરે? એક બિંબ આપણને મળ્યું અને બીજું ત્યાં જ રહ્યું લાગે છે. તે પણ આપણે લઈ આવવું જોઈએ,” આ બધી વાત સાંભળી વંકચૂલ આનંદવિસ્મય ને વિષાદની મિશ્ર લાગણી અનુભવતો સાથીઓ સાથે નદીમાં જ્યાં પ્રતિમાજી હતા ત્યાં આવ્યો. તે પ્રતિમાજીને પાણીમાંથી બહાર કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. પ્રતિમાજી પાણી બહાર આવ્યા જ નહીં.
વંકચૂલ આદિ “અધિષ્ઠાયકદેવતાની ઈચ્છા આવી હશે.” એમ માની પાછા ફર્યા. શ્રી મહાવીરપ્રભુના તીર્થની ને તેથી પણ વધારે નદીમાંથી મળેલા પાર્શ્વપ્રભુના બિંબની દિવસે દિવસે મહિમાવતી ઉન્નતિ થવા લાગી. શ્રી મહાવીર પ્રભુના ભવ્ય બિંબની પાસે આ પાર્શ્વપ્રભુનું બિંબ નાનું લાગતું હોઈ તે ચિલ્લણ પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ થયું. તે મેવાડ પ્રાંતની ભીલ આદિ આદિવાસી પ્રજા પણ ચેલ્લણ પારસનાથ કહેવા ને ઉપાસના કરવા લાગ્યા. આગળ જતાં સિંહગુહાપલ્લીની જગ્યાએ ટિંપુરી નામનું મોટું નગર વઢું મૂળ ગ્રંથમાં લખ્યું છે કે આજે પણ શ્રી વિરપ્રભુ તેમજ ચેલ્લણપાર્શ્વનાથની યાત્રા કરવા અનેક સંઘો ત્યાં આવે છે ને યાત્રા દર્શન-પૂજન કરી સંતોષ પામે છે.)