________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨ ૨૯
વકચૂલની કથા ઢીંપુરી નામના નગરમાં વિમલયશ રાજા રાજય કરે. તેમને પુષ્પચૂલ-પુષ્પચૂલા નામના કુંવર-કુંવરી હતા, બંને ભાઈ-બહેનોમાં અતિ સ્નેહ હતો. પુષ્પચૂલ નાનપણથી બલિષ્ઠ, જીદ્દી અને ઉદ્ધત હતો. તે મોટો થયો. તેને પરણાવ્યો છતાં તે સુધર્યો નહીં. વાંકા કામ કરનારો હોઈ તે પુષ્પચૂલ મટી લોકમાં વંકચૂલના નામે પ્રસિદ્ધ થયો. દિવસે દિવસે તેની રંજાડ વધતી ગઈ ને ફરિયાદો આવવા લાગી. કોઈ મોટા અપરાધથી કુદ્ધ થયેલા રાજાએ તેને સીમાપાર ચાલ્યા જવાની શિક્ષા આપી. તેની સાથે તેની બહેન અને પત્ની પણ અનુરાગવશ ચાલ્યા. આગળ જતાં કોઈ ઘોર જંગલમાં તે ચોરની પલ્લીમાં જઈ ચડ્યો. ચોરોની સાથે તે ભળી ગયો. ત્યાં તેની બધી અપરાધવૃત્તિને બધુ અનુકૂળ હતું. એમ કરતાં પોતાની તથા પ્રકારની યોગ્યતાને આધારે તે ચોરોનો નાયક અને પલ્લીનો સ્વામી થયો.
એ સિંહગુહા નામની પલ્લીમાં કેટલાક શિષ્યો સાથે એક આચાર્ય મહારાજ આવી ચડ્યા. તેમણે વંકચૂલને બોલાવી જણાવ્યું - “અમે માર્ગ ભૂલવાથી અહીં આવી ચડ્યા છીએ. સમીપમાં કોઈ નગર છે નહીં ને ચોમાસુ બેસે છે. ચોમાસામાં અમારે વિહાર પણ કરાય નહીં. માટે વર્ષાકાળ સુધી અહીં રહેવા સ્થાન આપો.”
વંકચૂલે કહ્યું - “મહારાજ ! એ તો મારા ભાગ્યની વાત કે આપને અમે ઉતારો આપીએ. પરંતુ આપની સંગત અમને પોષાય તેવી નથી. આપના સિદ્ધાંતથી સાવ ઊંધું અમારું જીવન છે. આપની વાણીમાં ઘણું ઓજસ હોય છે. તેથી મારા સાથીઓના હૃદય પરિવર્તનની ઘણી મોટી સંભાવના ઊભી થાય છે. માટે જો આપને અહીં રહેવું હોય તો એ નક્કી કરવું પડશે કે મારી જગ્યામાં ઉપદેશ નહિ આપો.” આચાર્યશ્રીએ કહ્યું – સરદાર ! હૃદય પરિવર્તન કાંઈ માત્ર ઉપદેશથી થતા નથી, મૌન આચરણથી પણ થાય છે. જો તમારી ઉપદેશ સાંભળવાની ઈચ્છા જ ન હોય તો મારો શો આગ્રહ હોઈ શકે? પણ એટલું તમે ય ધ્યાનમાં રાખજો કે જ્યાં સુધી અમે છીયે ત્યાં સુધી તમારે આ ભૂમિમાં હિંસા આદિ પાપો કરવા-કરાવવા નહીં વંકચૂલે કહ્યું – “આટલો વિવેક તો અમે અવશ્ય સાચવીશું.” અને મહારાજજી શિષ્યો સાથે પલ્લીની ગુફાઓમાં ચોમાસું રહ્યા. વખત જતાં કાંઈ વાર લાગતી નથી. ચોમાસુ પૂરું થયું. મહારાજજી જવા માટે તૈયાર થયા. કહ્યું છે કે – સાધુ, પક્ષી, ભમરાના ટોળા, ગોકુળ અને મેઘ એક જગ્યાએ લાંબો સમય રહેતા નથી. વંકચૂલ વિહાર કરવા તૈયાર થયેલા ગુરુ મહારાજને વળાવવા ચાલ્યો. તેની સીમા પૂરી થતાં સહુ ઊભા રહ્યાં. વંકચૂલ આદિ અહીંથી પાછા ફરવાના હતા. ગુરુજીએ કહ્યું – “ભાઈ, જતા જતા થોડો ઉપદેશ સાંભળ. ઉપદેશથી ધર્મની પ્રાપ્તિ સરલ બને છે. એમ કરતા ધર્મ મળી જાય તો જીવ ભવોભવ સુખી થઈ જાય.” વંકચૂલે કહ્યું ભલે – “એકાદ ઉપદેશ સાંભળવામાં અમને કશો જ વાંધો નથી. આપ સુખેથી કહો.”