________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૧૭
‘જે વિવેકી પુણ્યવાન આત્મા સર્વથા રાત્રિભોજનનો ત્યાગ કરે છે તેને એક મહિનામાં પંદર ઉપવાસનું ફળ મળે છે.' શ્રાવકના કુળમાં જન્મેલા આત્માને સામાન્ય રીતે રાત્રિભોજનના ત્યાગનો મહાલાભ મળે છે. માટે શ્રાવકોએ યાવજ્જીવ રાત્રિભોજનનો ત્યાગ કરવો. ખરેખર ચારે આહારના ત્યાગની શક્તિ ન હોય તો ત્રિવિધાદિ આહારનો અવશ્ય ત્યાગ કરવો, સ્વાદિમ (સોપારી આદિ) દવા આદિ લેવા હોય તો દિવસે તે સારી રીતે શોધી રાખવા. અન્યથા તેમાં ત્રસજીવોના નાશનો દોષ રહેલો છે. મુખ્ય રીતિએ તો પ્રાતઃકાળ પછીની તથા સાયંકાળની રાત્રિ પૂર્વની બે બે ઘડી આહારનો ત્યાગ કરવો. કહ્યું છે કે ‘રાત્રિભોજનના દોષને જાણકાર જે પ્રાણીઓ દિવસની શરૂઆતની અને અંતની બે બે ઘડી છોડી દિવસે ભોજન કરે છે, તે સર્વ સુખનું ભોજન પુણ્ય પ્રતાપે થાય છે.' વળી નિશાભોજન કરનાર ઘુવડ, કાગડા, બીલાડી, ગીધ, સાબર, ડુક્કર, સર્પ, વીંછી અને ઘો-ગરોળીના અવતાર પામે છે, આ લોકમાં રોગાદિ ને પરલોકમાં દુર્ગતિમાં હીન અવતારનો વિચાર કરી રાત્રિભોજન સર્વથા છોડી દેવું.
રાત્રિભોજનનો દોષ જણાવતા રામાયણમાં જણાવ્યું છે કે ‘લક્ષ્મણ અને સીતાજી સાથે શ્રીરામચંદ્રજી વનવાસના કાળમાં કુર્બર નામના ગામ બહાર એક વડવૃક્ષ નીચે રાતવાસો રહ્યા હતા. કુર્બર નગરના રાજા મહીધરને વનમાળા નામની એક સુંદર કન્યા હતી. લક્ષ્મણના પ્રભાવશાલી વ્યક્તિત્વથી તે તેના ઉપર અંતઃકરણથી અનુરાગિણી બની હતી પણ જ્યારે તેણે સાંભળ્યું કે ‘લક્ષ્મણ તો વનવાસી થયા છે. ત્યારે તેણે આત્મહત્યાનો નિર્ણય કર્યો. અને તે જ રાત્રે જે વનમાં રામ-લક્ષ્મણ આદિ રાતવાસો રહ્યા હતા દૈવયોગે ત્યાં જ ગળાફાંસો ખાવાની તે તૈયારી કરવા લાગી. જાગતા ચોકી કરી રહેલા લક્ષ્મણે આ જોઈ, તેની પાસે જઈ આત્મઘાતનું કારણ પૂછ્યું. વનમાળાએ પોતાની સત્ય બીના કહી લક્ષ્મણે તરત તેનો ફાંસો તોડી ખાત્રી આપી કે પોતે જ લક્ષ્મણ છે. ગાંધર્વવિવાહથી બંને ત્યાં ને ત્યાં પરણ્યા. સુલક્ષણા ને સુચચરતા વનમાળા પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે લક્ષ્મણને વર તરીકે મેળવી આનંદી. લક્ષ્મણે વનમાળાને કહ્યું ‘હમણા તમે તમારા પિતાને ત્યાં રહો. વનવાસ પૂર્ણ થતાં હું તમને લઈ જઈશ.’
પરંતુ અનુરાગિણી વનમાળાએ વાત માની નહીં, કારણ કે, પુરુષ કઠોરહૃદયના હોય છે ને સાનુકૂળ સંયોગમાં પાછલું બધું ભૂલી જઈ શકે છે. કોણ જાણે તમે મને ક્યારે લેવા આવો ? આવો કે ન પણ આવો ! આ સાંભળી લક્ષ્મણે તેને ઘણી સમજાવી પણ તે ન માની. ત્યારે સ્ત્રીહત્યા, ગાયહત્યા ને છેવટે બાળહત્યાના પાપ લાગવા સુધીની કબુલાત લક્ષ્મણે કરી કે ‘ન આવું તો આવાં આવાં પાપનો ભાગી થાઉં. આ સાંભળી વનમાળાએ કહ્યું ‘તમે એમ કહો કે – જો વનવાસ પૂર્ણ થતાં હું તને લેવા ન આવું તો આ સંસારમાં રાત્રિભોજન કરનારને જે પાપ લાગે તે પાપનો હું ભાગી થાઉં.' આવી પ્રતિજ્ઞા કરો તો હું મારા પિતાને ઘરે જાઉં ને તમારી વાટ જોઉં. નહિ તો હવે તમને છોડીને ક્યાંય જવું નથી.' લક્ષ્મણે તેવી પ્રતિજ્ઞા કરી એટલે વિશ્વસ્ત થઈ વનમાળા પાછી ફરી.