________________
૨૦૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ આ બધું જાણી શ્રાવકે સચિત્ત વસ્તુનો ત્યાગ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, અથવા પ્રત્યેક મિશ્ર વસ્તુ આદિનું પરિમાણ કરવું. કહ્યું છે કે - “જે શ્રાવક નિર્દોષ, અચિત્ત અને પરિમિત આહારથી આત્માને ધર્મમાર્ગમાં પ્રવૃત્તિશીલ રાખે છે તે ગુણવંત કહેવાય છે. માટે પૂર્વે જણાવેલ ચૌદ નિયમ અવશ્ય ધારવા, આ નિયમ વિનાનો દિવસ નિરર્થક કહેવાય. માટે દિવસ નિષ્ફળ બનાવવો નહીં.
હવે દ્રવ્યની વ્યાખ્યા જણાવતાં કહે છે કે - સચિત્ત અને વિગઈ સિવાયની જે પણ વસ્તુ મુખમાં નંખાય તે બધું જ દ્રવ્ય કહેવાય. જેમ કે રોટલા, રોટલી, પોળી, ખીચડી, નવીયાતાં, લાડવા, લાપસી, ચૂરમું, ખીર, પાક, કોઈ પણ મીઠાઈ આદિ કે કોઈપણ જાતના ફરસાણ, પાપડ, રાઈતું, કચુંબર આદિ કોઈક દ્રવ્ય ઘણા પદાર્થો કે ધાન્યાદિથી બન્યું હોય પરિણામાંતરે એક નામવાળું એક જ દ્રવ્ય ગણાય (જેમ ઘણી જાતનાં શાકનું બનેલું ઉંધીયું એક જ દ્રવ્ય કહેવાય.) તેમ એક જ ધાન્યમાંથી બનેલ પૂરી, રોટલી, શૂલી, ભાખરી, ઘુઘરી, સાતપડી, થેપલા, માલપુવા, ખાખરા, વડા, દહીંથરા આદિ ભિન્નભિન્ન નામવાળા અને અલગ અલગ સ્વાદવાળા હોવાને કારણે એ જુદા જુદા દ્રવ્ય કહેવાય છે, ફળ, ફૂલ, ફળી આદિ એક સરખા નામવાળા હોવા છતાં અલગ અલગ સ્વાદ, ગંધાદિવાળા હોઈ તેમજ પરિણામાંતરને નહિ પામ્યા હોઈ તે ભિન્ન દ્રવ્ય કહેવાય, અથવા તો બહુશ્રુત આચાર્યશ્રીજી આદિની અનુમતિ-આજ્ઞા પ્રમાણે અન્યથા રીતે પણ દ્રવ્યની સંખ્યા ગણી શકાય છે, ચાંદીની સળી કે હાથની આંગળી આદિ મોઢામાં નાંખવામાં આવે છતાં તે દ્રવ્યમાં ગણાતાં નથી.
વિગઈ છ કહેવાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડાઈમાં થયેલ (કડા વિગઈ) સર્વ પકવાન્ન. આમાંથી પ્રતિદિન બની શકે તેટલી વિગઇનો ત્યાગ કરવો.
સચિત્ત, દ્રવ્ય અને વિગઈ પછી ચોથો નિયમ છે. “ઉપાનહ એટલે જોડા-પગરખાની જોડી. (બૂટ-ચપ્પલ) કાષ્ટની પાદુકા વગેરેની સંખ્યાનો નિયમ કે સર્વથા ત્યાગ કરવો. લાકડાની પાદુકા (પાવડી) નો સર્વથા ત્યાગ કરવો. કેમ કે તેથી ઘણા જીવોની હિંસા થાય છે.
પાંચમો નિયમ તાંબુલ એટલે સોપારી, કાથા, ચુના, લવિંગ આદિવાળું નાગરવેલનું પાન તથા તેવું જ મુખશુદ્ધિ માટેનું સ્વાદિષ્ટ દ્રવ્ય. નાગરવેલના પાન સદાય પાણીથી ભીનાં રખાતાં હોઈ તેમાં લીલ-ફૂગ-સેવાળ બીજા ત્રસ જીવો તેમજ શુદ્ર જંતુના ઈંડા આદિ ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે. પાન ખાનારને આ બધી વિરાધના લાગે છે. માટે તે નહિ ખાવા જોઈએ. તેમાં પણ કોઈ ઇંદ્રિયવશ જીવ પાનનો ઉપયોગ કરે તો રાત્રે તો કરે જ નહિ) દિવસે સારી રીતે જોઈ શોધીને કરે. પ્રત્યેક સચિત્ત વસ્તુના એક શરીરમાં એક જીવ તો હોય છે જ. પરંતુ પાણી આદિમાં અસંખ્ય જીવોની વિરાધના રહેલી છે.
આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનના બીજા ઉદેશાની વૃત્તિમાં લખ્યું છે કે “બાદર એકેન્દ્રિયમાં