________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૯૯
ખરેખર અતિકઠિન નહિ મહાદુષ્કર કાર્ય છે. ચારુદત્તે બધું કબૂલ કર્યું અને બન્ને ઘણી કઠિનાઈ અને સાવધાનીપૂર્વક ત્યાં પહોંચ્યા. ચારુદત્ત કૂવામાં ઉતર્યો, દુર્ગધ તો એવી આવે કે શ્વાસ લેવો અસહ્ય થઈ પડે. છતાં રસની તુંબી ભરી તે તૈયાર થયો એટલે યોગીએ માંચી ખેંચવા માંડી. ઉપર આવતાં ચારુદત્ત પાસેથી કૂપી લઈ માંચી કૂવામાં નાંખી દીધી. ચારુદત્ત કૂવામાં પડ્યો ને યોગી ચાલતો થયો.
જ્યાં પડ્યો હતો તેની બાજુમાં જ એક મૃતપ્રાયઃ માણસ કણસતો પડ્યો હતો. ચારુદત્તે તેને નવકારમંત્ર સંભળાવવા માંડ્યો. તે માણસે કહ્યું કે – “કોઈકવાર અહીં રસ પીવા એક મોટી ઘો આવે છે. હું તો ન નીકળી શક્યો પણ તું સાહસ કરી તેનું પૂંછડું પકડી લેજે, એ એક જ માર્ગ છે અહીંથી નીકળવાનો.” ને નવકાર સાંભળતો માણસ મૃત્યુ પામ્યો.
ગર્ભાવાસ જેવા દુર્ગધ ને અંધકારમય ભયંકર કૂવામાં ચારુદત્ત પડ્યો પડ્યો નવકાર ગણવા લાગ્યો. આખું ભવિષ્ય અનિશ્ચિતતામાં ઝોલા ખાતું હતું. કૂવામાંથી નિકળાશે કે અહીં જ આયુષ્ય પૂરું થાશે? ત્યાં ખાવા-પીવાનું તો કંઈ હતું જ નહિ પણ ચોખ્ખી હવા મળવીય દુર્લભ હતી. છેવટે ત્રણ દિવસના અંતે મહાકાય ઘો આવી અને સાવધાનીપૂર્વક ચારુદત્તે તેની પૂંછડી પકડી લીધી. મહાકષ્ટ પત્થર સાથે ઘસડાતો છોલાતો - “પડી ન જવાય.' તેની કાળજી પૂરી ધાસ્તી સાથે તે કૂવામાંથી બહાર નિકળ્યો. કેટલાય દિવસે તો મામાને ઘરે આવ્યો. મામાના દીકરા રુદ્રદત્તે કહ્યું - “આમ તો જીવન પૂરું થવા આવ્યું ને થઈ પણ જશે. ધનવાન થવાનો રસ્તો મારી પાસે છે. ચાલ તું પણ નિહાલ થઈ જઈશ.”
રુદ્રદત્તે બે મોટાં ઘેટા લીધા ને ચારુદત્ત સાથે તે ચાલ્યો સુવર્ણદ્વીપ. ઘેટા ઉપર ખાવાપીવાની સામગ્રી આદિ ગોઠવેલ હતું એટલે ઘેટાની શી આવશ્યકતા હશે? તેવો ચારુદત્તને વિચાર આવ્યો નહીં, પણ જ્યારે સમુદ્રકાંઠે આવ્યા એટલે રુદ્રદત્તે કહ્યું – “જો આ ઘેટાની આખી ખાલ (ચામડી) ઉતારવી પડશે. ચામડીનો લોહીવાળો ભાગ બહાર રાખી તેને મશક જેવી બનાવી તેમાં આપણે બેસી રહેવાનું. થોડી વારે મોટા ભાખંડપક્ષી આવશે અને માંસના પિંડ સમજી આપણને ઉપાડી સુવર્ણદ્વીપ લઈ જશે. ત્યાંથી આપણે અઢળક સોનું લાવીશું. ચારુદત્તે કહ્યું – “બધી વાત સાચી, પણ આપણાથી જીવવધ કેમ થાય ?' ત્યાં તો રુદ્રદત્તે શસ્ત્રનો ઘા કરતાં કહ્યું – “વેદિયા' જો આમ થાય.” ને એક ઘેટાનું જીવન ત્યાં જ પૂરું થઈ ગયું. બીજો ઘેટો ને ચારુદત્ત સમજી ગયા કે હવે શું થશે.
ચારુદત્તે નવકાર ગણવા અને ઘેટાને સંભળાવવા માંડ્યો, ઘેટાને ચારુદત્તે અનશનાદિ કરાવ્યાં ને રુદ્રદત્તે તે ઘેટાની પણ જીવનદોરી કાપી નાંખી. માંસ જૂદું પાડી ખાલી બે ધમણ બનાવી બંને તેમાં બેઠા. ત્યાં ઘરરરર કરતું ભારંડપક્ષીનું ટોળું આવ્યું. પક્ષીએ વજનવાળી માસગ્રંથી જોઈ ઉપાડી આકાશમાં દોટ મૂકી. કેટલેક ગયા પછી સામેથી બીજા ભારંડ આવ્યા ને માંસ પડાવી લેવા આકાશમાં જ ઝઘડવા લાગ્યા. એમાં ચારુદત્તવાળી ધમણ છટકી ને પડી નીચે. સારા ભાગ્યે નીચે સરોવર હતું. પડતાં જ ચારુદત્ત ધમણમાંથી નિકળી તળાવને કાંઠે આવ્યો. બાપડો દુઃખી
ઉ.ભા.-૨-૧૪