________________
૧૯૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
ચારુદત્તની કથા
ચંપાનગરમાં ભાનુ નામક શેઠ રહે. તેમને ચારુદત્ત નામનો એક જ પુત્ર. તે યુવાન થતાં કુળવતી કન્યા સાથે તેના લગ્ન કરવામાં આવ્યા. પણ બાળપણથી ઉદાસ વૃત્તિવાળો તે વૈરાગીની જેમ પોતાની પત્નીથી સદા દૂર રહેતો. આ વાત જાણી ચિંતિત થયેલા તેના પિતાએ તેને સંસારચતુર થવા એક ગણિકાને ત્યાં મૂક્યો. વેશ્યાના સમાગમથી ચારુદત્ત ચતુરાઈ સાથે કામકળા શિખ્યો ને વેશ્યામાં અત્યંત આસક્ત થયો. એ આસક્તિ એટલી વધી કે તે માતા-પિતા-ઘર આદિ બધું, અરે સારી સુંદર પત્ની પણ ભૂલી વેશ્યામાં લુબ્ધ થયો. એક, બે નહિ બાર બાર વરસ વીતી ગયા. ઘણા વાર-તહેવા૨ ને પ્રસંગો આવી ગયા પણ તે બોલાવવા છતાંય એકેવાર ઘરે ગયો નહીં. એમ કરતાં એકવાર તેના પિતા માંદા પડ્યા ને અનેક ઉપચાર છતાં માંદગીએ તેમને મરણ પથારીએ પહોંચાડ્યા. તેમણે પોતાની અંતિમ સ્થિતિના સમાચાર મોકલી ચારુદત્તને તરત આવવા ભારપૂર્વક જણાવ્યું. તે આવ્યો એટલે તેઓએ કહ્યું - ‘દીકરા ! મારા જ હાથના કર્યાં મને વાગ્યા છે. પાછલા બાર વર્ષોમાં તું સાવ બદલાઈ ગયો છે. કદી મારૂં કહ્યું પણ માન્યું નથી. છતાં મારી તને એક આખરી શિખામણ છે કે તને જ્યારે પણ સંકટ પડે ત્યારે તું નવકારનું સ્મરણ કરજે. મારી પાસે તને આપવા કંઈ બચ્યું નથી, તેં જ્યારે પણ જે કાંઈ મંગાવ્યું ત્યારે મેં તને મોકલી આપ્યું. આટલું મારું વચન તું અવશ્ય પાળજે.' ઈત્યાદિ કહેતા ભાનુશેઠનું અવસાન થઈ ગયું. થોડા સમય પછી શેઠના પત્ની પણ મૃત્યુ પામ્યાં. રહી સહી મિલકત પણ ચારુદત્તે ઉડાવી નાખી ને તેની પત્ની પણ પિયર ચાલી ગઈ.
આ તરફ ધન આવતું બંધ થયું. એટલે અક્કા (વેશ્યાની માતા)એ ચારુદત્તનું અપમાન કરાવ્યું. સ્વાર્થી લોકો સ્વાર્થ સિવાય કશું જ જોઈ શકતા નથી. ચારુદત્તને સમજાઈ ગયું કે હવે અહીં રહેવામાં કાંઈ માલ નથી ને એ ત્યાંથી નીકળી સસરાને ત્યાં ગયો. ત્યાંથી થોડું ધન મેળવી દ્વીપાંતર કમાવા વહાણ માર્ગે નિકળ્યો. ભાગજોગે માર્ગમાં તોફાન આવવાથી વહાણ ભાંગ્યું. આયુષ્ય બળવાન એટલે વહાણનું પાટીયું હાથ લાગી ગયું, કેટલાક દિવસે તે કિનારે આવ્યો. રઝળતા રખડતા તે મામાને ઘરે પહોંચ્યો. મામા પાસેથી કેટલુંક દ્રવ્ય લઈ પરદેશ વ્યાપા૨ ક૨વા ઉપડ્યો ત્યાં માર્ગમાં લુંટારા મળ્યા ને બધું ધન લુંટી લીધું. બિચારો ચારુદત્ત દુ:ખી દુ:ખી થઈ ગયો. ભટકી ભટકીને હાલ બેહાલ થઈ ગયા. ત્યાં વળી કોઈક યોગીનો ભેટો થઈ જતાં, તેણે તેની સેવા કરી પોતાની કથની સંભળાવી. યોગીએ કહ્યું - ‘મારી પાસે કાંઈ નથી, પણ સાહસથી બધું સુલભ થઈ જાય છે.’
પેલો દૂર દૂર ડુંગરો દેખાય છે ને ત્યાં એક ઊંડો કૂવો છે. તેના મધ્યમાં સુવર્ણરસ ઝર્યા કરે છ. હું તને માંચીમાં બેસાડી કૂવામાં ઉતારું. તું કૂપિકા ભરી લાવે તો તારું કામ થાય. અડધું તારું ને અડધાનો સદુપયોગ હું કરીશ. તું સાહસવીર છે, માટે આ શક્ય છે. નહિ તો તે ભૂમિમાં જવું ને ગયા પછી એ કૂવામાં ઉતરવું, ઉતર્યા પછી જરાય ભય પામ્યા વિના રસ લેવો, એ બધું