________________
૨૦૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ બાળક ધીરે ધીરે સ્વસ્થ થતો ગયો ને થોડીવારમાં તો ઉઠીને બેઠો થયો. ધર્મનો જયજયકાર અને મહિમા વિસ્તાર પામ્યો.
ધનદત્ત શેઠ પોતાના અન્ય પુત્રો અને મહાનંદની તુલના ઘણીવાર કર્યા કરતા, તેમને પોતાના પરિવારનો વિચાર પણ આવતો. તેમણે એકવાર આગ્રહ કરી મહાનંદને શ્રી સીમંધરસ્વામી ભગવંત પાસે પોતાનો પૂર્વભવ પૂછવા મોકલ્યો. આકાશમાર્ગે મહાનંદ શ્રી સીમંધરસ્વામી પાસે પહોંચ્યો. અતિહર્ષિત થઈ તેમને વંદનાદિ કરી ઉચિત સ્થાને ઉચિત રીતે બેસી ધર્મદેશના સાંભળવા લાગ્યો. પછી તેણે વિનયપૂર્વક પૂછ્યું - “ભગવંત અમારા પરિવારનો પૂર્વભવનો સંબંધ શો હશે?' પ્રભુએ કહ્યું – “ધનપુર નગરમાં સુધન નામે એક શેઠ વસે તેની પત્નીનું નામ ધનશ્રી. શેઠને એક બાલમિત્ર હતો, તેનું નામ ધનાવહ. બંને ભાગીદારીમાં વેપાર કરતા હતા. મિત્રના ભાગનું ધન પણ સુધન કોઈકવાર પોતાના ઘરખર્ચમાં વાપરી લેતો.
આમ કરતાં તેણે ભોળા ધનાવહને સો સોનૈયાની હાનિ પહોંચાડી ને પોતે ઘરમાં વાપર્યા. એક વેપારીના વીસ સોનૈયા તેની પાસે સામાની ઉતાવળથી રહી ગયા. પણ લોભવશ સુધને પાછા આપ્યા નહીં. એક બીજા વણિકે ઉતાવળમાં ભૂલથી સુધનને દસ સુવર્ણમુદ્રા વધારે આપી દીધી, સુધને આ વાત જાણી છતાં તેને તેની મુદ્રા પાછી આપી નહીં. આ પ્રમાણે ત્રણે શલ્ય એણે સંઘરી રાખ્યા પણ ગુરુમહારાજ પાસે તેની આલોચના ય લીધી નહીં. વહેવારનું ગાડું ગબડ્યા કર્યું. પોતે પ્રૌઢવયે પહોંચ્યો. ત્યાં એક સહધર્મીને અવસરે એકસો સુવર્ણમુદ્રા આપી, જેથી તે આખા જીવન માટે સુખી ને સમૃદ્ધ બની શક્યા. કહ્યું છે કે - “મૂચ્છિત માણસને સમયે એક ખોબો પાણી આપ્યું હોય તો તે બચી જાય છે - જીવી જાય છે પણ મર્યા પછી તેના ઉપર સો ઘડા પાણી રેડવામાં આવે તો પણ તે નિરર્થક જ જાય છે.”
કાળે કરી સુધન, ધનશ્રી, તેનો મિત્ર ધનાવહ, પેલા બે વેપારી અને પેલો પુણ્યવાન સાધર્મી એ છએ જણા શ્રાવકધર્મ પાળી પ્રથમ દેવલોકે દેવ થયા. હે મહાનંદ ! ત્યાંથી આવી તે
સ્ત્રી-પુરુષ તારા માતા-પિતા કુમુદવતી અને ધનદત્ત નામે થયા. બાકીના ચારે જણા (ભાગીદાર મિત્ર, બે વણિક અને સાધર્મી) તેમના પુત્ર થયા. સુધનનો જીવ તે તારા પિતા અને પેલો સાધર્મિક તે તું પોતે. તારા પિતાનો પ્રથમ પુત્ર હતો તે પૂર્વના ભાગીદાર ધનાવહનો જીવ હતો. પૂર્વે તારા પિતાએ તે વિશ્વાસુને સો મુદ્રાઓની હાનિ પહોંચાડી. તેના પરિણામે તેણે પુત્ર થઈ બાપાનું સર્વસ્વ ખોયું. તેણે એકવાર ધર્મની નિંદા કરી હતી. તેથી તે યુવાનવયમાં જ અકાળે મૃત્યુ પામ્યો. તારા વચલા બે ભાઈઓ પૂર્વભવનું જે લેણું લેવા આવ્યા હતા તે પચાસગણું લઈને ગયા. કુમુવતીએ પૂર્વભવે પોતાની ભેંશના અવતરેલા બે પાડાનું અપહરણ (કોઈ લઈ જાય તો સારું એવું) ઇયું હતું. તે દુર્ગાનથી આ ભવમાં પોતાના પુત્રો જન્મતાં જ છૂટા પડ્યા હતા. શેઠ ઉપવનમાં મૂકી આવ્યા હતા.