________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨
૧૮૯ આ ભાઈઓની માતાએ ખરીદ્યો ને દીકરીને સમારવા આપ્યો. તેમાંથી ધનની વાંસળી નીકળતાં જ તેણે તે ખોળામાં સંતાડી. માતાએ પૂછ્યું - આ ખોળામાં શું છે? તેણે કહ્યું – “કાંઈ નથી.” આથી શંકા પ્રબળ થતા માતા પાસે આવી જોવા જાય છે ત્યાં દીકરીએ એજ કટારી માને મારી. એટલામાં બહાર ગયેલા બંને ભાઈઓ ઘરે આવ્યા. તેમની બહેન ઊભી થતા તેના ખોળામાંથી પેલી વાંસળી પડી. આ તરફ તરફડીને મા મરી ગઈ. આ બધું જોઈ બંને ભાઈએ વિચાર્યું કે “અર્થ (ધન)નો કેવો અનર્થ છે. તેઓ પહેલા ખેદ અને પછી વૈરાગ્યને પામ્યા. એવામાં ભાગ્યયોગે તેમને સદગુરુનો સમાગમ થયો. ગુરુમહારાજ ધર્મપર્ષદામાં આ પ્રમાણે ઉપદેશ આપી રહ્યા હતા.
આ સંસારમાં તૃષ્ણાની ખાણ એટલી ઊંડી છે કે કોઈથી પૂરી શકાતી નથી. તેમાં ગમે તેવી વસ્તુ, ગમે તેટલા મોટા પદાર્થો નાંખવામાં આવે તોય તે ભરાવાને બદલે ઊંડી જ થતી જાય છે. તૃષ્ણાને વશ પડ્યો જીવ ધનાદિ માટે ઘણાં પાપો કરે છે. છતાં બિચારાને જરાય સુખ કે શાંતિ મળતા નથી. કદાચ પાપથી પૈસો મળે તો પણ તેનાથી શાંતિ મળતી નથી.
| ઋદ્ધિ ત્રણ પ્રકારની છે. ધર્મઋદ્ધિ, ભોગઋદ્ધિ અને પાપઋદ્ધિ. જે ધર્મકાર્યમાં ઉપયોગી થાય તે ધર્મઋદ્ધિ, ભોગોપભોગમાં વપરાય તે ભોગઋદ્ધિ અને પાપઋદ્ધિ તો ધર્મના કે શરીરનાય કામમાં આવતી નથી ને પાપરૂપ અનર્થને જ કરાવે છે. પાપઋદ્ધિ પૂર્વના પાપે મળે છે, ને એ નવું પાપ કરાવીને જ જંપે છે. જ્યાં સુધી નવું પાપ કરાવી ન લે ત્યાં સુધી આ સંપત્તિ કદી પણ નાશ પામતી નથી. આ દૃષ્ટાંતથી સારી રીતે તેનું ફળ સમજાઈ જશે.
ચાર મિત્રોની કથા વસંતપુરમાં વસતા ચાર મિત્રો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક અને સોની. આમ ચારે જુદી જુદી નાતના હતા. એકવાર તેઓ ધન કમાવા દેશાંતર ઉપડ્યા. સાંજે કોઈ ઉપવનમાં વડવૃક્ષ નીચે તેમણે વિસામો લેવા પડાવ નાખ્યો. આડા પડતા તેમની નજર વૃક્ષ પર પડી ને બધાએ વડની શાખા ઉપર લટકતો સોનાનો પુરુષ જોઈ અદ્દભૂત આશ્ચર્યનો અનુભવ કર્યો, ચારે જણા બેસીને આ મોંઘા સુવર્ણપુરુષને જોઈ વાતો કરવા લાગ્યા. કે કોઈ સિદ્ધયોગીએ આ સાધેલો સુવર્ણપુરુષ છે, આપણે આને ગ્રહણ કરી લેવો જોઈએ ! જેથી આપણા બધા અર્થ સરશે.”
આ સાંભળી સુવર્ણપુરુષ બોલ્યો “હા, હું અર્થ છું, પણ અનર્થ કરનાર છે. એટલું યાદ રાખજો.” આ સાંભળી તેઓ એવો ભય પામ્યા કે જાય નાઠા. બધાની સાથે સોની પણ ભાગ્યો તો ખરો પણ તે લોભ છોડી શક્યો નહીં. એને તો એમ કે કેવું પીળું પીળું સોનું? બાકી સાહસ કર્યા વિના શું મળે એમ છે? તે ઝાડથી થોડે જ દૂર બધાએ પથારી પાથરી ને થાક્યા પાક્યા સૂઈ ગયા ત્યારે ધીરે રહીને સોની ઉક્યો. વડ નીચે આવી બોલ્યો “હેઠો પડ’ એટલે તરત સોનાનો પુરુષ વૃક્ષશાખાથી નીચે આવી પડ્યો. મહા પરિશ્રમે પાસેના ખાડામાં તે છાનોમાનો ઘસડી ગયો ને ઉપર ધૂળ ઢેફાં નાંખી સંતાડી દીધો, ઘણી સાવધાની છતાં મિત્રો તેને જોઈ ગયા.