________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ આ વ્રત સ્વીકારવાથી ત્રાસ-સ્થાવર જીવોને અભયદાન આપવાનો મહાલાભ અને લોભસમુદ્રનું નિયંત્રણ થાય છે, ગૃહસ્થને લોઢાના તપાવેલા ગોળાની ઉપમા શ્રી સર્વજ્ઞભગવંતના આગમમાં આપવામાં આવી છે. કહ્યું છે કે – “ગૃહસ્થ સદાય અગ્નિના તણખાથી જાજવલ્યમાન લોઢાના ગોળા જેવો હોય છે. તથા અવિરતિરૂપ પાપ તેને પોતાને તેમજ સર્વ જીવોને પણ બાળે છે.' આગળ કહેવામાં આવ્યું છે કે- “પોતાના શરીરથી જીવ કાંઈ બધે ગમનાગમન કરી શકતો નથી, પરંતુ તે અવિરતિજન્ય પાપ સદા બંધાયા કરે છે. પૂર્વભવોમાં ત્યજી દીધેલા દેહોથી કોઈપણ જીવનો વધ થાય તો તેનું પાપ પણ આપણે જ્યાં નવો દેહ ધર્યો હોય ત્યાં આપણને (તે જીવને) અવિરતિદ્વારા લાગ્યા જ કરે છે, કિંતુ પૂર્વનો દેહ નષ્ટ થાય તો અથવા વ્રત લીધું હોય તો તેથી તેવા પાપો લાગતા-બંધાતા નથી. માટે વિરતિ એ જ કલ્યાણનું કારણ છે.
હવે પ્રથમ ગુણવ્રતનું ફળ દર્શાવતા કહે છે કે – “જે પ્રાણી દિગ્વિરતિ વ્રત લઈને ગમનાગમનમાં સંકોચ કરે છે તે સિંહની જેમ સંસાર ખાઈનું ઉલ્લંઘન કરવા માટે ફાળ મારવાની પૂર્વ ક્રિયા જ કરે છે. આ સંબંધમાં સિંહશ્રેષ્ઠિની કથા આ પ્રમાણે છે.
સિંહશ્રેષ્ઠિની કથા વસંતપુર નગરમાં કીર્તિપાલ નામે રાજા હતો, તેને ભીમ નામનો પુત્ર અને સિંહ નામે શ્રેષ્ઠિપુત્ર મિત્ર હતો. સિંહ પરમાત્મા જિનેન્દ્રદેવનો અનન્ય ઉપાસક હતો, તેના હૃદયમાં ધર્મ પ્રતિષ્ઠિત હતો. તેના ઉત્તમ ગુણોને લીધે તે રાજાને તે ઘણો જ પ્રિય હતો. એકવાર કોઈ દૂતે રાજાને કહ્યું – “મહારાજા ! નાગપુરના મહારાજા નાગચંદ્રને રત્નમંજરી નામે એક અતિ રૂપવતી ને ગુણવતી કન્યા છે. એના હાથ આદિ અવયવના દેખાવ માત્રથી માણસ મુગ્ધ થઈ જાય છે. તેના મુખદર્શનની શી વાત? રત્નમંજરીની જોડમાં ઊભી રહી શકે તેવી પૃથ્વી પર બીજી કોઈ કન્યા નથી. તેના માટે ઘણા કુમારો જોયા પણ ક્યાંય મન ઠર્યું નથી. એને યોગ્ય તમારા યુવરાજ છે ને કુમારને યોગ્ય અમારી રાજકુંવરી છે. એવું ચિંતવી અમારા મહારાજાએ મને વિશ્વાસુ જાણી આપની પાસે આ બાબત નિવેદન કરવા મોકલ્યો છે. માટે કુંવરી વરવા માટે કુમારને અમારી સાથે જ મોકલો તો સારું. યોગ્ય કરવાનું આશ્વાસન આપી રાજાએ દૂતને આવાસે મોકલ્યો અને પોતાના મિત્ર સિંહશેઠને બોલાવી કહ્યું - “શેઠ! તમારામાં ને મારામાં કશો ફરક હું ભાળતો નથી. માટે તમે કુમારને લઈ નાગપુર જાવ અને તેના વિવાહનું બધું કામ પતાવી આવો.”
આ સાંભળી અનર્થદંડના ભય, ચિંતા ને વિચારમાં પડેલા શેઠને નિરુત્તર જોઈ રાજાને માઠું લાગ્યું. તેમણે જરા કરડાકીથી પૂછ્યું - “શું તમોને આ સંબંધ ન ગમ્યો ? કે આપણા સંબંધથી ધરાઈ ગયા છો ?” શેઠે કહ્યું, “રાજાજી ! એવું કોઈ કારણ નથી. માત્ર મારા વ્રતની વાત છે. મેં સો યોજનથી વધારે જવા-આવવાનો નિયમ લીધો છે. ને નાગપુર અહીંથી સવાસો યોજન દૂર છે, માટે મારાથી નહિ જઈ શકાય.” આ સાંભળી આગમાં ઘી હોમાવા જેવું થયું ને રાજાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. રાજાએ બરાડતા કહ્યું - આપણો આટલો સંબંધ ! અમે રાજા ને તમે ગમે તેવા મોટા તોય પ્રજા. અમારી આજ્ઞા નહિ માનો એમ? હું હમણાં ઊંટ પર બેસાડી હજાર યોજન દૂર મોકલી શકું.”