________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૯૩ રાજાને એકદમ ઉકળી ગયેલા જોઈ પરિસ્થિતિના જાણ શેઠે કહ્યું - “મહારાજા ! આપ શાંત થાવ. મેં તો મારા વ્રતની વાત આપને જણાવી. છતાં આપની આજ્ઞા હું શી રીતે તોડી શકું?' આ સાંભળી રાજાએ પ્રસન્ન થઈ કુંવર તેમજ સૈન્ય તૈયાર કરી સિંહશેઠને આગેવાની સોંપી સારા દિવસે પ્રયાણ કરાવ્યું. માર્ગે જતા સિંહશેઠે કુમારને ઇંદ્રિયો અને મનના તમાશાની વાસ્તવિકતા સમજાવી, વિષયમાં રહેલા અલ્પસુખ ને ડુંગરા જેવડા ક્લેશ દેખાડ્યા. આવો અદ્દભૂત બોધ પામી ભીમકુમારની સંસારવાસના જ ટુટી ગઈ. કુમાર શેઠનો ઉપકાર માનવા લાગ્યો. ત્યાં તો સો યોજનનો પંથ પૂરો થતા સિંહશેઠ અટકી ગયા. આગળ જવા તૈયાર થયા નહીં.
સેનાનાયકે એકાંતમાં કુમાર પાસે આવી કહ્યું – “યુવરાજ! શેઠ આગળ વધવાની ના પાડે છે ને નીકળતી વખતે રાજાજીએ સ્પષ્ટ આજ્ઞા આપી છે કે કદાચ આ શેઠ સો યોજનથી આગળ જવાની ના પાડે તો તેને બાંધીને પણ નાગપુર લઈ જવો.” આ વાત જાણી કુમારે પોતાના ધર્મગુરુ સમાન શેઠને જણાવી. સિંહશેઠે કુમારને કહ્યું – “કુમાર ! આ સંસાર આખામાં ક્યાંય સાર નથી. અરે ! આ શરીર પણ જ્યાં આપણું થતું નથી ત્યાં બીજું તો કોણ થાય ને શા માટે થાય? માટે હું તો પાદપોપગમન (વૃક્ષની જેવી સ્થિરતાવાળું) અણસણ લઈશ. પછી મારા શરીરનું જેને જે કરવું હોય તે ભલેને કરે.” - એમ નિર્ણય કરી સિંહશેઠ સિંહની જેમ અણસણ લેવા ઉપડ્યા. કુમાર પણ સાથે ચાલ્યો. આ તરફ રાત્રિ પડી. કુમાર ને શેઠ બંને ક્યાંય દેખાતા નથી. ઘણી તપાસને અંતે સવારના પહોરમાં સૈનિકો એક પર્વત પર ચડ્યા તો ત્યાં દીક્ષા અને અણસણ આદરી બેઠેલા બંનેને જોઈ સેનાધ્યક્ષ અને સૈનિકો તેમને પ્રણામ કરવા લાગ્યા. પછી ખૂબ જ વિનયપૂર્વક બોલ્યા - મહાત્માઓ ! તમો તો ધન્ય છો. કૃતપુણ્ય છો. અમારો અપરાધ ક્ષમા કરો. પણ હવે અમારે કરવું શું? રાજા આ વાત જાણશે તો અમને ઘાણીમાં ઘાલીને પીલી નાંખશે.” ઈત્યાદિ તેમણે ઘણી વિનવણી કરી, પણ તે બંને લેશમાત્ર પણ ક્ષોભ પામ્યા નહીં. કહ્યું છે કે સંતોષરૂપી અમૃતથી તૃપ્તિ પામેલા યોગી કશી જ ઈચ્છા રાખતા નથી. તેમને મન તો માટી ને સોનું તથા શત્રુ કે મિત્ર બધું સરખું જ હોય છે.
સૈનિક લોકો ને બીજા સાથીઓ છેવટે કંટાળીને રાજા પાસે આવ્યા. રાજાએ વાત સાંભળતાં જ દોટ મૂકી. તેણે નક્કી કર્યું કે કુમારને પરાણે બાંધીને પણ પરણાવવો તથા સિંહશેઠને શત્રુની જેમ મારી નાંખવો. માર્ગના જાણકાર માણસ સાથે રાજા ડુંગર પર પહોંચ્યો તો તેના આશ્ચર્યની સીમા ન રહી. કારણ કે સિંહ-વાઘ જેવા હિંસક પશુ પણ તે બંનેની પાસે બેસતા હતા ને પગમાં માથું મૂક્યા હતા. “આમને ભક્તિ બહુમાનથી પટાવવા પડશે' એમ વિચારી રાજાએ ઘણી વિનવણી કરી ને મીઠાં વચનો કહ્યાં પણ તેઓને તે ડગાવી શક્યો નહીં. આમ કરતાં મહિનાના ઉપવાસને અંતે તેમને કેવળજ્ઞાન થયું. સુર-અસુરનો સમૂહ તેમને નમવા ત્યાં આવી પહોંચ્યો. ને આયુ પણ ત્યાં જ પૂર્ણ થતાં તેઓ મુક્તિ પામ્યા. તેમનો મોક્ષ જાણી કીર્તિપાળ રાજાએ દુઃખ-શોકમાં શેકાતા જોરથી કહ્યું :