________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૯૧ જે જીવો પરિગ્રહમાં મમતા-આસક્તિવાળા હોય છે, તેઓ નિર્દય થઈ આરંભ-સમારંભ કરે છે અને હિંસા, અસત્ય, ચોરી આદિ અનેક પાપો આચરે છે. તેથી દુર્ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. માટે ઉત્તમ જીવોએ આ વ્રત અવશ્ય સ્વીકારવું જેથી આ આત્માનું ભવભ્રમણ ટળે ને મુક્તિ મળે.
૧૧૦ દિશા મયદા-દિગ્વિરમણ વ્રત दशदिग्गमने यत्र मर्यादा कापि तन्यते ।
दिग्विरताख्यया ख्यातं, तद् गुणवतमादिमम् ॥१॥ અર્થ - જ્યાં દશે દિશાઓમાં જવાની કાંઈક મર્યાદા કરવામાં આવે છે, તે દિગ્વિરતિ નામે પ્રથમ ગુણવ્રત કહેવાય છે.
વિશેષાર્થ - દિશા એટલે પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઇશાન, અધો અને ઉર્ધ્વ. આ દશે દિશાઓમાં જવા-આવવાની જે કાંઈ મર્યાદા બાંધવામાં આવે તે દિગ્વિરતિ નામનું છઠું વ્રત અને પહેલું ગુણવ્રત છે. આ ઉત્તરગુણરૂપવ્રત કહેવાય છે. વ્રતોને જે ગુણ ઉપજાવી ઉપકાર કરે તે ગુણવ્રત કહેવાય.” ત્રણ ગુણવ્રતોમાં પ્રથમ ગુણવ્રત દિગ્વિરતિ નામનું છે. આ વ્રત લેવાથી ઘણા પાપસ્થાનોથી વિરતિને લીધે રક્ષા થાય છે. તે બાબત કહ્યું છે - “આવાગમનની મર્યાદાને કારણે સ્થાવરજંગમ જીવોના મર્દનની નિવૃત્તિ થવાને લીધે તપાવેલા લોઢાના ગોળા જેવા ગૃહસ્થ આ વ્રત લેવામાં સાદર ઉદ્યમ કરવો.” (જેમ તપાવેલો લોઢાનો ગોળો જ્યાં જાય ત્યાં બાળે તેમ અવિરત આત્મા જ્યાં જાય ત્યાં હિંસા કરે ! ગમનાગમનની મર્યાદા થતા ત્રસ સ્થાવર જીવની હિંસાનો પણ તે તે મર્યાદા બહારની ભૂમિના રોધની સાથે રોધ થઈ જાય છે. માટે ગૃહસ્થ આ વ્રત અવશ્ય આદરવું ઉચિત છે. હિંસાનો નિષેધ થતાં અન્ય અસત્યાદિક બીજા પાપોનો પણ અવરોધ થઈ જાય છે.
અહીં કોઈને એવી શંકા થાય કે આ વ્રત તો સાધુ-સાધ્વીઓએ પણ સ્વીકાર કરવું જોઈએ. તેના નિવારણ માટે ગૃહસ્થને તપાવેલા લોઢાના ગોળાનું વિશેષણ આપ્યું. ગૃહસ્થ સદા આરંભપરિગ્રહમાં તત્પર હોઈ તે જ્યાં જાય ત્યાં ખાતા, પીતા, બેસતા, ઉઠતા, કાંઈ કામકાજ કે વ્યાપાર કરતા, લોઢાના તપેલા ગોળાની જેમ તેનાથી સદા જીવોનું મર્દન થયા કરે છે. કિંતુ સાધુ મુનિરાજોથી તેમ થતું નથી. કારણ કે તેમને આરંભ-પરિગ્રહની બુદ્ધિ નથી અને તેઓ સતત ઉપયોગી સાવધાન હોવાને કારણે અષ્ટપ્રવચન માતાની પરિપાલના કરનાર હોય છે. તેઓ જ્યાં જાય ત્યાં ધર્મવૃદ્ધિનું જ કારણ છે, માટે તેઓને આ દોષ લાગતો નથી.