________________
૧૬૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ શ્રી નેમિનાથ પ્રભુ પાસે શ્રીકૃષ્ણ મહારાજાએ ચાતુર્માસ પર્યત નગર બહાર ન જવું એવો નિયમ લીધો હતો. કુમારપાલ રાજાએ પણ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ પાસે નિયમ લીધો હતો કે, વર્ષાકાળમાં નગર બહાર તો નહિ જાઉં કિંતુ નગરમાં પણ દહેરાસરના દર્શન અને ગુરુવંદન માટે જ પ્રાય: જઈશ-આવીશ.
વચન પાળવામાં શ્રેષ્ઠ ક્ષત્રિય-યુધિષ્ઠિર જેવા કુમારપાળ રાજાએ મોટી વિપત્તિ આવી પડવા છતાં પોતાનો નિયમ છોડ્યો નહોતો. આ નિયમની વાત શકદેશના મ્લેચ્છ રાજાએ જાણી એટલે તે કુમારપાળનો દેશ જીતવા મોટા દલ-બલ સાથે આવ્યો. છતાં કુમારપાળે ધીરજપૂર્વક નિયમ સાચવ્યો. લડાઈની તૈયારી પણ ન કરાવી. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે તેની ધર્મદઢતા જોઈ પ્લેચ્છ રાજાને દિવ્યબળથી રાજદરબારે પકડી મંગાવ્યો. છ મહિના હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કર્યા પછી તેને છોડવામાં આવ્યો.
વર્ષાઋતુમાં કોઈ પણ દિશામાં જવું ન જોઈએ, છતાં જો સર્વ દિશામાં જવાનો નિયમન થઈ શકે તેમ હોય તો જે દિશામાં ગયા વિના નિર્વાહ ન થઈ શકે તે દિશા સિવાય સર્વ દિશાનો ત્યાગ કરવો. તે પ્રમાણે સર્વ સચિત્તનો ત્યાગ ન થઈ શકે તો જેના વિના નિર્વાહ ન ચાલે તે સિવાયના સર્વ સચિત્તનો ત્યાગ કરવો. જેમ નિર્ધનને મોંઘા પક્વાન્નાદિ તથા ઘરેણા-હાથી-ઘોડા આદિ તથા સૂકા પ્રદેશમાં પાન-ફળાદિ તથા પોતાની ઋતુ વિના આંબા આદિ ફળ અલભ્ય છે, તે તે વસ્તુનો તે તે સ્થિતિમાં, તે દેશ અને કાળમાં જો ત્યાગ કરવામાં આવે તો તેથી વિરતિનું મહાફળ પ્રાપ્ત થાય છે. અન્યથા તે તે વસ્તુની અપ્રાપ્તિ છતાં પશુની જેમ આપણને પણ અવિરતિજન્ય કર્મબંધ થયા જ કરે છે, અને તે તે નિયમના ફળથી નકામા વંચિત રહેવું પડે છે. જેમ એક જ વાર જમ્યા હોઈએ, પણ એકાસણાનું પચ્ચખાણ કર્યું ન હોય તો તેનું ફળ મળતું નથી. તેમ વસ્તુની પ્રાપ્તિનો સંભવ જણાતો ન હોય તેનો પણ જો નિયમ લીધો હોય તો તે કદાચિત્ મળે તો પણ નિયમના કારણે ગ્રહણ થતું નથી. તેને નિયમનું ફળ સ્પષ્ટ અને ચોક્કખી રીતે મળે છે જેમ કે –
વંકચૂલની કથા વિંકચૂલ નામના એક ચોરના સરદારે ગુરુ મહારાજના ઉપદેશથી “અજાણ્ય ફળ ન ખાવું એવો નિયમ લીધો. એકવાર તે પોતાના સાથીઓ સાથે જંગલમાં ગયો હતો. ભોજનનો સમય વીતી જવા છતાં કશી જમવાની સગવડ ન મળી ને બધાને કકડીને ભૂખ લાગી, થાકીને વંકચૂલ ઝાડ નીચે બેઠો ને તેના સાથીઓ ભોજનની તપાસમાં ગયા. તેઓ થોડીવારે સરસ સુગંધી મધુરા કિંપાક નામના વિષફળ લઈને પાછા ફર્યા. બધા આનંદમાં આવી ફળ ખાવા બેઠા. સરદારે પૂછ્યું - “આવા ફળ તો આપણે કદી જોયા પણ નથી. દેખાય છે તો મજાના ! આનું નામ શું છે?' કોઈ નામ તો જાણતું જ ન હોતું. બધાયે અટકળો કરી કરી જાતજાતના નામાદિ આપવા માંડ્યા, વ્યવસ્થિત ઓળખાણ કોઈ ન આપી શક્યું એટલે વંકચૂલે કહ્યું “મારે અજાણ્યાં ફળ ન ખાવા એવો નિયમ છે. આ ફળ મારા માટે સાવ અજાણ્યા છે. માટે હું ન ખાઈ શકું. તમતમારે ખાવા હોય તો ખાવ.”