________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
પર્વતના શિખર પર હાથી સવાર સોહત પહોંચી ગયો. લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા કે હવે શું થશે? રાજાએ આજ્ઞા કરી “હા, હવે હાથીને આ ખીણમાં પાડ.” પહાડની ધાર પર હાથી આવી ઊભો. ડગલું વધે ને ઊંડી ખીણોમાં જઈ પડે હાડકુંય હાથ ન આવે. વિચારણા માત્રથી કંપારી છૂટે. રાજાની આજ્ઞા એ આજે તો યમની આજ્ઞા હતી. છુટકારો તો હતો જ નહીં. હસ્તિપાળે હાથીને ચાલવા ઈશારો કર્યો. હાથીએ એક પગ, પછી બંને પગ ઊંચા કર્યા. છેવટે ત્રીજો પણ પગ ઊંચો કરી પાછો પૃથ્વી પર ટેકવી દીધો. હાથીની આ કરામત જોઈ લોકો હર્ષિત થઈ રાજાને વિનંતિ કરવા લાગ્યા કે - “આવો હાથી આમ નષ્ટ ન કરો. આવો ગજરાજ દુર્લભ છે!” રાજાએ કહ્યું – “સારું, આ હાથીને પાછો વાળી ઉતાર' હસ્તિપાલે કહ્યું – “ઘણું જ કપરું કાર્ય છે, પણ અમને અભય આપો તો કરું! છેવટે રાજાએ મૃત્યુદંડથી બચાવી અભયવચન આપ્યું. એટલે તે કુશળતાપૂર્વક હાથીને પાછો નીચે લઈ આવ્યો. રાજાએ મહાવત તથા રાણીને દેશની સીમા છોડી જવા આજ્ઞા આપી.
રાણી અને મહાવત હવે પતિ-પત્નીની જેમ આગળ વધ્યા. માર્ગમાં રાત પડતા એક દેવળમાં બંને સૂઈ ગયા. મધ્યરાત્રિએ કોઈ ચોર ચોરી કરી ભાગ્યો ને આ દેવળમાં ભરાઈ ગયો. પાછળ પડેલા રાજપુરુષોએ તે દેવળને ઘેરી લીધું. મહાવત તો થાકીને સૂઈ ગયો હતો પણ ચોરના સ્પર્શથી રાણી જાગી ગઈ. હાથથી પોતાના તરફ ખેંચવા ને અનુરાગ જણાવવા લાગી. ચોરે કહ્યું - “ઘડી ભરની પ્રીત શા કામની? મારે માથે તો મોટી ઉપાધિ છે. રાજપુરુષો સામે ઊભા રહેવાનો અવસર આવે તો તું મને પતિ તરીકે ઓળખાવે તો તારું કહ્યું કરું.” તેણે બધું મંજુર કર્યું. વહેલી પરોઢે રાજપુરુષોએ દેવળમાં જઈને બાઈને પૂછયું – “આમાં કોણ ચોર છે?” રાણીએ આંખોનો ઈશારો કરતા મહાવતને જણાવ્યો. તેમણે તરત મહાવતને પકડ્યો, એની કોઈ વાત સાંભળવામાં ન આવી ને તેને રાજાજ્ઞાથી શૂલી પર ચડાવી દેવામાં આવ્યો. તેને શૂલી પર ચડતા તરસ લાગી. માર્ગે જતા કોઈ શ્રાવક પાસે તેણે પાણી માગ્યું. શ્રાવકે કહ્યું – “હું હમણા જ પાણી લઈને આવું. ત્યાં સુધી તું “નમો અરિહંતાણં' ગણતો રહેજે.” તે પાણી લઈને આવે તે પૂર્વે જ હસ્તિપાલ નવકારના સ્મરણમાં મૃત્યુ પામ્યો, અને વ્યંતરદેવ થયો.
ચોર સાથે પેલી કુલટા રાણી આગળ ચાલી. ચોરે પોતાનો સ્વાર્થ સરતા વિચાર કર્યો - “જે સ્ત્રીએ પોતાના પતિને મરાવી નાંખ્યો,' તે મારી ક્યાંથી થવાની? આની સંગતમાં પણ અનેક સંકટ ને પ્રાણનો પણ સંશય રહ્યો છે.' એમ વિચારી આગળ એક નદી આવતાં તેણે રાણીને કહ્યું - “પહેલા તારા વસ્ત્ર આદિ મને કાઢી આપ. હું તે સામા કાંઠે મૂકી પછી તને સાચવીને લઈ જાઉં.' તેણે કપડાં આદિ ઉતારી આપ્યું. તેનું પોટલું માથે લઈ ચોર નદી ઉતર્યો ને પાછો વળ્યો જ નહીં. પેલી નગ્નપ્રાયઃ સ્થિતિમાં નિરાશ થઈ વનમાં રાડો પાડવા લાગી. વ્યંતર થયેલા મહાવતે પોતે શિયાળનું રૂપ લઈ માંસખંડ મોઢામાં પકડી નદી કાંઠે આવેલા મોટા મલ્યને જોઈ તેણે મોઢાનું માંસખંડ પડતું મૂક્યું અને માછલું પકડવા દોડ્યો. ત્યાં માછલું તો નદીના પાણીમાં ચાલ્યું ગયું ને તેનો માંસનો કકડો સમળી ઉપાડી ગઈ.