________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૬૩ ઊડી ગઈ. તે આખી રાત જાગતો પડ્યો રહેતો. તેની અનિદ્રાની વાત ઠેઠ રાજદરબારે આવી. રાજાને એવા માણસની ઘણી જ આવશ્યકતા હતી. જાગતો માણસ સારી રખેવાળી કરી શકે, એ ઉદેશથી રાજાએ તેને નોકરીએ રાખ્યો. તેની અનિદ્રાના ગુણથી રાજાએ તેને અંતઃપુર (રાણીવાસ)નો રક્ષક અધિકારી નિયોજિત કર્યો.
રાજાની મુખ્ય રાણી જ હસ્તિપાલ સાથે હળી હતી. મહેલ પાસે જ હસ્તિશાલા હતી. રાત્રે શિક્ષિત હાથીની સૂંઢના આલંબને રાણી મહેલમાંથી નીચે હસ્તિપાલને મળતી. ઘણા સમયથી આમ ચાલ્યા કરતું. આજે નવો પહેરેગીર સોની રાણીવાસમાં આવ્યો હતો. રાણી વારેવારે તેને જોવા આવતી ને જાગતો જોઈ નિરાશ થઈ પાછી ફરતી. આથી દેવદત્તને શંકા પડી કે રાણી આટલી આતુરતાપૂર્વક શા માટે આંટા મારે છે? તરત તે છળ કરીને સૂઈ ગયો ને ખોટા નસકોરા બોલાવા લાગ્યો. તેને સૂઈ ગયેલો જાણી, રાણી રોજ પ્રમાણે ગવાક્ષમાં આવી ઊભી ને તરત હાથીએ સૂંઢ ઊંચી કરી તેને નીચે ઉતારી. સોની તો બાઘો થઈ જોતો જ રહી ગયો. નીચે હસ્તિપાલે રાણીના બરડામાં લોઢાની સાંકળ મારતાં કહ્યું – “કેમ આટલી મોડી આવી?” રાણીએ નમ્રતાપૂર્વક કહ્યું – “વહાલા, મારો જરાય વાંક નથી. નવો પહેરેગીર હજી સુધી જાગતો હતો.' ઇત્યાદિ.
બંને જણાં આખી રાત રમતા રહ્યા ને પાછલી શેષ રાત્રિએ હાથીએ સૂંઢ દ્વારા પાછી રાણીને ઉપર ચડાવી દીધી. આ બધું સ્ત્રીચરિત્ર બિચારા સોનીએ જોયું ને તેના આશ્ચર્યની સીમા ન રહી. તેણે વિચાર્યું - અહીં રાજાને ત્યાં શું ઉણપ કે ખોટ છે? જો આવા મોટા ઘરની નારી પણ આવું આચરણ કરે તો બીજા સામાન્ય ઘરની તો શી વાત ? આવા વિચારથી તેના માથાનો ભાર ને ચિંતા ઉતરી ગઈ. મળસ્કે એ ઘસઘસાટ ઊંઘી ગયો. છ મહિના પછી તેને પહેલીવાર ઊંઘ આવી. આખો દિવસ ઊંઘતો જાણી રાજાએ બળપૂર્વક તેનું કારણ પૂછ્યું કે – “જ્યાં આખી રાત ઊંઘ નહોતી આવતી ત્યાં આખો દિવસ ઊંઘ આવી ક્યાંથી ?'
આખરે તેણે જેવી વાત હતી તેવી ચોખે ચોખ્ખી જણાવી દીધી. રાજાએ પૂછયું. “એ રાણીને ઓળખી બતાવશો?” તેણે કહ્યું – “અન્નદાતા ! રાણીનું મોટું બરાબર જોઈ શક્યો નથી.” પછી રાજાએ આ નારીને શોધી કાઢવા હાથમાં કમળનાળ પકડી કહ્યું, “આજે તમે બધા ઉઘાડે બરડે ઊભા રહો. હું તમને કમળનાળ મારીશ. જોઊં છું કોનામાં વધારે સહનશક્તિ છે?”
એક પછી એક રાણીના બરડામાં રાજાએ કમળદલ માર્યું. રાણીઓ હસવા લાગી કે “આજે વળી કઈ રમત માંડી છે. ત્યાં પેલી હસ્તિપાલ સાથે હળેલી રાણીનો વારો આવતા, કમળના મારથી તે છળપૂર્વક મૂછ ખાઈ ધરતી પર પડી. તેનું સ્ત્રીચરિત્ર જાણીને રાજાએ કહ્યું, “અરે નારી! તું મદમસ્ત હાથી સાથે રમત કરે છે ને બનાવટી હાથીથી ડરે છે. લોઢાની સાંકળના માર હસીને સહે છે ને કમળના ફૂલથી મૂચ્છિત થાય છે?” અતિક્રોધિત થયેલા રાજાએ આજ્ઞા આપી કે હાથી ઉપર હસ્તિપાલ અને રાણીને બેસાડી હાથીને ઊંચા ડુંગરાની ટોચ પરથી સવાર સહિત ગબડાવવો. રાજાજ્ઞા પ્રમાણે બંને સવાર થઈ ચાલ્યા. સાથે હજારો માણસોનો સમૂહ અને પ્રબંધક રાજપુરુષો.