________________
૧૮૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ વિચારણા કરતાં ઊંઘ આવી ગઈ. સ્વપ્રમાં પોતાનું ઘર લક્ષ્મીથી ભરાયેલું જોયું. જાગીને લક્ષ્મીને પ્રત્યક્ષ જોઈ સંકલ્પ કર્યો કે ચતુર્વિધ શ્રી સંઘને હું શત્રુંજયગિરિરાજની સંઘયાત્રા કરાવીશ. નવમો દિવસ પૂર્ણ થતા તેણે વિચાર્યું કાલે દસમો દિવસ છે, લક્ષ્મીને જવું હોય તો સુખેથી જાય. મારે હવે કશી ચિંતા નથી.” એમ વિચારી શાંત ચિત્તે સૂઈ ગયા. સ્વપ્રમાં લક્ષ્મીજીએ આવીને કહ્યું - તમારા પ્રબળ પુણ્યથી હું વિશેષે વૃદ્ધિ પામી છું ને સ્થિર પણ થઈ છું. શાસ્ત્રમાં કહ્યું છે કે :
त्रिभिर्व-स्त्रिभिर्मासै-स्त्रिभिः पक्षैस्त्रिभिर्दिनैः ।
अत्युग्रपुण्यपापाना-मिहैव फलमश्नुते ॥ १ ॥ અર્થ - અતિ ઉગ્ર પુણ્ય કે પાપનું ફલ ત્રણ વર્ષે, ત્રણ મહિને, ત્રણ પક્ષ કે ત્રણ દિવસમાં અહીં જ પ્રાપ્ત થાય છે.
શ્રી હર્ષ કવિ લખે છે કે “સંપત્તિ અને વિપત્તિ પૂર્વ-પુણ્ય સંબંધી વૈભવના બંધ અને નાશથી પ્રાપ્ત થાય છે, એટલે કે-પુણ્યવૈભવના બંધથી સંપત્તિ પ્રાપ્ત થાય છે અને પુણ્યવૈભવના નાશથી વિપત્તિ પ્રાપ્ત થાય છે. માટે આ સંપત્તિને સુપાત્રના કરારવિંદમાં અર્પણ કરવી. કારણ કે તે વિધિએ બતાવેલું તેનું શાંતિક-પૌષ્ટિકકર્મ છે. અર્થાત-જો સંપત્તિ સુપાત્રને અપાય તો તે વિપત્તિને અટકાવવામાં શાંતિક પૌષ્ટિકકર્મ રૂપ થાય છે.”
લક્ષ્મીદેવીએ કહ્યું - હે શ્રેષ્ઠી ! હવે તમારા ઘરમાંથી જવું મારા માટે શક્ય નથી. માટે ઇચ્છા પ્રમાણે મારું ફળ મેળવજો.' જાગીને વિદ્યાપતિએ સ્વપ્રની બધી બીના પત્નીને જણાવતા કહ્યું – “હવે લક્ષ્મી આપણે ત્યાં સ્થિર થઈ છે. પરંતુ આપણે તો બાર વ્રતધારી છીએ. આપણા પાંચમા વ્રતને જરાય હાનિ ન થવી જોઈએ, ત્યારે અહીં તો ચોખ્ખો ભંગનો સંભવ જણાય છે. માટે આપણે આ ઘર અને લક્ષ્મી બધું છોડી તીર્થયાત્રાએ નિકળી જઈએ, પત્નીએ સંમતિ આપતા તે બંને સવારે તૈયાર થઈ ઘર છોડી ચાલી નીકળ્યા. નગર બહાર જતાં જ પંચદિવ્ય થતાં રાજ્ય મળ્યું. વિદ્યાપતિ-શૃંગારમંજરીને પ્રધાન આદિ આદર અને આગ્રહપૂર્વક રાજમહેલમાં લઈ ગયા. રાજ્યાભિષેકની તૈયારી જોઈ વિદ્યાપતિએ સાફ ના પાડી જણાવ્યું કે - “મારે પરિગ્રહનું પરિમાણ છે, માટે હું રાજ્ય લઈ શકું નહીં.' ત્યાં આકાશવાણી થઈ “શેઠ! તમારે પ્રબળ પુણ્યયોગભોગ્યકર્મ પણ પ્રબળ છે. માટે તેનું ફળ સ્વીકારો.”
આ સાંભળી શેઠે રાજસિંહાસન પર વીતરાગપ્રભુની પ્રતિમા બેસાડી ઠાઠમાઠથી તેમનો અભિષેક કર્યો-કરાવ્યો. મંત્રીઓને રાજયકાર્ય ભળાવી પોતે ન્યાયપૂર્વક જે દ્રવ્ય આવે તેના પર જિનેંદ્રદેવના નામની મહોર (ચિહ્ન) મારવા લાગ્યા. વર્ષો વીત્યા પણ પોતે લીધેલા નિયમને ઉની આંચ આવવા ન દીધી.
પ્રાંતે રાજ્ય પુત્રને સોંપી પોતે દીક્ષા આરાધી સ્વર્ગે ગયા. ત્યાર પછી પાંચ ભવ કરી મોક્ષપદ પામ્યા.