________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
૧૮૫ મળી જવાથી મન ભલે નાચે કૂદે, પણ તેથી કાંઈ આત્માની પીડાનો અંત આવી જતો નથી. ગમે તેટલો પરિગ્રહ હીરામાણેકનો સંગ્રહ પાસે થાય છતાં જરાય શાંતિ મળતી નથી. આ બાબતમાં મમ્મણ શેઠનું ઉદાહરણ સમજવા જેવું છે.
મમ્મણ શેઠની કથા રાજગૃહી નગરીમાં જ્યારે શ્રેણિકરાય રાજ્ય કરતા ત્યારની આ વાત છે.
રાણી ચેલ્લણા સાથે રાજા મહેલની ખડકીમાં બેઠા હતા. અષાઢની મેઘલી રાત હતી, ઝરમર મેઘ વરસતો હતો ને ક્યારેક વીજળી પણ ચમકતી હતી. મહેલથી થોડે જ દૂર નદીમાં પાણી ઉભરાતા હતા. નદીમાં તણાઈ આવતા લાકડા એક માણસ પાણીમાં પડી ખેંચીને કાંઠે લાવતો હતો. વીજળીના ચમકારામાં આ દશ્ય ચેલ્લણા રાણીએ જોયું ને આશ્ચર્ય થયું. કારણ કે સામાન્ય રીતે વાયકા એવી હતી કે શ્રેણિકના રાજ્યમાં કોઈ દુઃખી નથી. રાણીએ રાજાને કહ્યું – તમે પણ મેઘની જેમ ભર્યામાં વરસો છો. આપણા જ નગરમાં આવો ગરીબ માણસ વસે છે ને તમને જરાય ચિંતા નથી. તમારી ચતુરાઈ ને વ્યવસ્થા છતાં બિચારાની દશા તો જુઓ.”
એવામાં પાછી વીજળી ઝબૂકી ને પોતડીવાળો માણસ વજનવાળા લાકડા ખેંચતો જોયો. ચકિત થયેલા રાજાએ તરત માણસ મોકલી તે ગરીબ પોતડીવાળાને તેડી મંગાવ્યો ને પૂછ્યું - “એલા તું કોણ છે? આખું નગર ઘરમાં બેસી આનંદ માણે છે ત્યારે તું આવું સાહસ ને પરિશ્રમ શાને કરે છે?” તેણે ઉત્તર આપતા કહ્યું – “મહારાજા ! હું વણિક છું. નામ મારું છે મમ્મણ. મારા ઘરે બળદની એક સારી જોડ છે. તેમાં એક બળદનું એક શિંગડું બનાવવું બાકી છે. તે માટે હું સતત પ્રયત્ન અને ચિંતા કર્યા કરું છું.
આ સાંભળી વિસ્મિત થયેલા રાજાને થયું “કેવાંક બળદ હશે? બિચારો કેવો છૂજે છે વરસાદના પવનમાં. લાવને હું જ તેનું શિંગડું કરાવી દઉં ને રાજાએ પૂછ્યું – “કેટલોક વ્યય થાય એ એક શિંગડું પૂરું કરવામાં?” મમ્મણે કહ્યું – “મહારાજ એ તો જોયા વિના આપને ખબર નહીં પડે. જેવા ત્રણ શિંગડા છે તેવું જ આ ચોથું પણ કરવાનું છે.” સાંભળીને કૌતુક પામેલા રાજા રાણી સાથે બીજા દિવસે મમ્મણના ઘરે ગયા. એક પછી એક ઓરડા વટાવી અંદર એક અંધારીયા ઓરડામાં તેઓ પહોંચ્યા. એને ખોલતા જ ઓરડો ઝળહળા થવા લાગ્યો. જોયું તો બે મોટા સોનાના રત્નજડીત વૃષભ ઊભા હતા. જ્યાં જેવા ઉચિત હોય ત્યાં તેવા જ રત્નો તેમાં ગોઠવેલા હતા. શિંગડા, ખરી, મોઢા નાકનો ભાગ વગેરે રિષ્ઠ રત્નોથી બનાવેલા, આંખો પણ જાણે સાવ સાચી જણાય તેવા દુર્લભ રત્નોની હતી. આ વૃષભ (બળદો), તેનો ઘાટ, સોના-રત્નોની ઝીણવટભરી ચમત્કારી રચના જોઈ રાજા તો માથું ધુણાવવા લાગ્યા. રાણીને કહ્યું – “આવા રત્નો તો આપણાં રાજકોષમાંય નથી. એને આપવું ક્યાંથી ને તે પોષાય પણ કોને ? આપણી શક્તિ બહારની વાત છે આ તો? ભાઈ ! આવા બળદ તો ક્યાંય જોવા મળે તેમ નથી. હા, મમ્મણ શેઠ ! તમે હવે શી રીતે આ કાર્ય પૂરું કરશો?