________________
૧૭૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ તે પણ ગયા. યુધિષ્ઠિર જેવા મહાબાહુ ને સબળ સાથવાળા કેટલાય રાજાઓએ અહીં શાસન કર્યું ને છેવટે એ પણ ચાલ્યા જ ગયા. કોઈની સાથે આ ધરતી ગઈ નથી, પણ તે કાકા! મહારાજા ! હવે મને એમ લાગે છે કે અવશ્ય તમારી સાથે આ પૃથ્વી આવશે.”
ચાંડાળે હત્યારાએ) આ પત્ર રાજાને પહોંચાડ્યો. કાવ્ય વાંચતા જ મુંજને બાળક પ્રતિભા પર માન ઉપજયું ને દયા પણ આવી. તરત તેણે ભોજકુમારને મહેલમાં બોલાવ્યો અને સમારોહપૂર્વક યુવરાજ પદ આપ્યું.
કેટલોક વખત વીત્યા પછી રાજકારભાર ભોજને ભળાવી મુંજ તૈલંગના રાજાને જીતવા ઉપડ્યો. ભાગ્યજોગે તે યુદ્ધમાં હાર્યો ને તૈલંગે પકડી તેને રાજબંદી બનાવ્યો. તે રાજકેદી હોઈ રાજાના રસોડેથી તેને રોજ ભાણું મોકલાવવામાં આવતું. તૈલંગના રાજાની વિધવા બહેન મૃણાલવતી પણ કોઈકવાર ત્યાં જતી. મુંજ અને મૃણાલનો પરિચય વાર્તા હાસ્ય વિનોદથી વધ્યો ને પ્રણયમાં પરિણમ્યો. આ રીતે મુંજને કારાગૃહમાં પણ બધી સગવડ મળીછતાં કેદ તો કેદ જ. તેને છોડાવવા ભોજકુમારે કારાગૃહ સુધીની લાંબી સુરંગ ખોદાવી. એકાંતમાં માણસો સાથે ચાલ્યા આવવા જણાવ્યું. મુંજે થોડીવારમાં આવવાનું જણાવ્યું. તે દર્પણમાં મુખ જોતો ઊભો હતો ત્યાં પાછળથી મૃણાલવતી આવી ઊભી. તેનું પ્રતિબિંબ પણ તેમાં પડ્યું. બંને હરખાઈને જોઈ રહ્યા પણ મૃણાલવતી સ્ટેજ પ્રૌઢવયે પહોંચી હોઈ મુંજ સાથેનું પોતાનું પ્રતિબિંબ જોઈ ઝંખવાણી પડી, વાતને પામેલા મુંજે કહ્યું – “તારું લાવણ્ય જરાય કરમાયું નથી, કદાચ યૌવન ઢળવા લાગે તોય તારે ખેદ કરવાનો ન હોય, કેમકે ખંડાયા છતાં પણ સાકરની મીઠાશમાં કાંઈ ફરક પડતો નથી.”
ઈત્યાદિ વાત કરી તેઓ પ્રેમથી મળ્યા. જવાને માટે સુરંગ તૈયાર હતી ને સંપૂર્ણ સ્વાધીન હાથ-વેંતમાં હતી, છતાં તેનું મન મૃણાલવતીમાં એવું લોલુપ હતું કે તેણે તે વાત મૃણાલને જણાવતાં કહ્યું – “હું જાઉં છું. તારા વિના મારું બધું અધુરું હશે. માટે તું આવે તો હું લઈ જવા તૈયાર છું. તને હું મારી પટ્ટરાણી બનાવીશ.” મૃણાલે થોડો સમય માંગી વિચાર્યું “હું આની સાથે જઈશ તો આવો મીઠો મધુરો સંબંધ ટકવાનો નથી. કેમકે ત્યાં સૌંદર્યવતી ઘણી રાણીઓ હશે. ત્યાં જઈને શુંય થાય? એના કરતા એ અહીં જ રહે તો મને એકલીને નિરંતર મુંજનો સહચાર મળ્યા કરે.” આવું વિચારી તેણે આ વાત પોતાના ભાઈ-રાજા સુધી પહોંચાડી.
રાજાએ આવી જોયું તો સાચે જ સુરંગ તૈયાર હતી. ક્રોધે ભરાયેલા રાજાએ કહ્યું, “હવેથી તમારે ઘરે ઘરે ભીખ માંગીને ખાવાનું રહેશે. રાજરસોડું બંધ. ક્ષણવારમાં બાજી પલ્ટાઈ જતા મુંજની ચિંતા અને નિરાશાનો પાર ન રહ્યો. પણ જયારે તેણે એ જાણ્યું કે મૃણાલવતીએ જ રાજાને ખબર આપ્યા હતા, ત્યારે તો જાણે તેના માથા પર જોરદાર ફટકો પડ્યા જેવું થયું તે એકદમ અસ્વસ્થ અને અસ્થિર થઈ ગયો. તેને એવો આઘાત લાગ્યો કે તેના માથામાં મૂઢતા છવાઈ ગઈ. તેને અપાતી બધી સગવડ બંધ પડી. કઠોર પહેરો, હાથ-પગમાં સાંકળ-બેડી, ખાવાનું પણ બંધ થઈ ગયું. ભૂખ્યું ક્યાં સુધી રહેવાય? આખરે તે રાજપુરુષો સાથે નગરમાં ભીખ માંગવા નીકળ્યો.