________________
૧૭૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ મહર્ષિક દેવ થયા છે. પૂર્વના વાત્સલ્યને લઈને તેમણે તને બે રત્નો આપ્યાં' આ સાંભળી વિજયશ્રીકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તો તેણે પણ વિવિધ પ્રકારના કાંઈ કેટલાય નાના મોટા નિયમ લીધા-પાળ્યા ને અંતે સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં ઉપજી મોક્ષ પામશે. આમ ચાતુર્માસિક નિયમોની મહામહિમા જાણી વિવેકવંત મહાનુભાવોએ અવશ્ય નિયમમાં ઉદ્યમ કરવો.
આ સિવાય બીજા પણ ઉચિત નિયમો ધારવા-પાળવા. ફાગણ પૂર્ણિમાથી કાર્તિકી પુનમ સુધી પાંદડાવાળા શાક (ભાજી) ખાવા નહીં. તલ વગેરે ન રાખવા, કારણ કે તેથી ઘણાં ત્રસજીવોના વિનાશનો પ્રસંગ આવે છે. સામાન્ય રીતે એમ કહેવામાં આવ્યું છે કે - અજાણ્યું ફળ, નહિ શોધેલું શાક, સોપારી આદિ આખાં ફળ, બજાર-હાટના ચૂર્ણો, જુનું-મેલું ઘી તથા ચતુરાઈ અને પરીક્ષા વિનાના માણસે લાવેલા પદાર્થો ખાવાથી માંસભક્ષણ તુલ્ય દોષ લાગે છે.
જો કે આ બધા નિયમો ત્રણે ચોમાસામાં યથાયોગ્ય ઉચિત રીતે પાળવા જોઈએ છતાં તિથિએ તો વિધિપૂર્વક અવશ્ય પાલન કરવું જોઈએ. તે તિથિઓ ત્રણ પ્રકારની છે. બે ચઉદસ, બે આઠમ, પૂનમ અને અમાસ આ ચારિત્ર તિથિ છે. બે બીજ, બે પાંચમ અને બે અગિયારસ આ છ જ્ઞાનતિથિ કહેવાય છે. આમાં જ્ઞાનનું વિશેષ આરાધન કરવું. બાકીની બધી દર્શન તિથિ કહેવાય છે, તેમાં દર્શન-સમ્યત્વનો મહિમા કરવો, સમ્યકત્વની નિર્મળતા-દઢતાદિ ગુણો વધે તેવાં આલંબન લેવા. સામાન્યતયા સર્વ તિથિએ દેવપૂજા-શાસ્ત્રશ્રવણ, આવશ્યકાદિ ક્રિયાઓ કરવાની હોય છે જ. પરંતુ ચાતુર્માસિક પર્વને દિવસે વિશેષ પ્રકારે વિશિષ્ટ રીતે કરવી. કહ્યું છે કે - “સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પ્રભુપૂજા, સ્નાત્ર, વિલેપન, બ્રહ્મચર્ય, દાન અને તપ આદિ ઉત્તમ અનુષ્ઠાનો ભવ્ય જીવોના ચાતુર્માસિક અલંકારો છે, શોભા છે, એટલે કે આ સત્કૃત્યોથી ચાતુર્માસ શોભે છે. માટે ભવ્યાત્માઓ તેને અવશ્ય સેવે છે. તેમાં બે ઘડી પર્યત રાગ-દ્વેષના કારણોમાં મધ્યસ્થભાવ રાખ તે સામાયિક કહેવાય. આ સામાયિકને આચરનાર શ્રાવકોમાં કોઈ ઋદ્ધિમાન અને કોઈ ઋદ્ધિ રહિત હોય છે. ઋદ્ધિ રહિત શ્રાવકે ચૈત્યમાં ગુરુ મહારાજ પાસે પૌષધશાળામાં અથવા ઘરે જ્યાં નિર્વિઘ્ન સ્થાન હોય ત્યાં સામાયિક કરવી જોઈએ અને સમૃદ્ધશાલી શ્રાવકે તો શાસનની ઉન્નતિ માટે મોટા આડંબરપૂર્વક ઉપાશ્રયે જઈને જ સામાયિક કરવી જોઈએ. પરમ જૈન કુમારપાળ રાજા અઢારસો શ્રીમંત શેઠીયાઓ સાથે ઉપાશ્રયે જઈ સામાયિક કરતા. તેથી-સામાયિકનો મહિમા વધતો ને શાસનની ઉન્નતિ થતી. કુમારપાલ રાજા અને ચંદ્રાવતંસક રાજાની જેમ સામાયિક કરવું.
પ્રતિક્રમણ શ્રાવકે અવશ્ય કરવાનું હોઈ એનું બીજું નામ આવશ્યક છે. આવશ્યક ક્રિયા બંને સમય કરવાની હોય છે. આ બાબત સમસ્યા પાદમાં જણાવે છે કે - “વસમાં કયું વસ્ત્ર ઉત્તમ છે? તો કહે છે કે “પડિ (પટ્ટવલ્સ) - મરુદેશમાં શું દુર્લભ છે? તો કહ્યું “ક” (જળ). પવનથી પણ શું ચપળ? તો કહે “મણ' (મન). દિવસનું પાપ કોણ દૂર કરે? તો ઉત્તર મળ્યો પડિક્રમણ.