________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૫૫
અચળ નામના મિત્રનો જીવ સાકેતનગરનો પ્રતિબુદ્ધિ નામક રાજા થયો. એકવાર રાણી સાથે રાજા કોઈ નાગદેવની યાત્રાએ ગયો હતો ત્યાં પુષ્પોની આશ્ચર્યકારી ગૂંથણીવાળા આભૂષણથી સજ્જ રાણીને જોઈ આશ્ચર્ય પામેલા રાજાએ મંત્રીને કહ્યું- ‘મંત્રી ! તમે આવી પુષ્પાભરણની સજ્જા ક્યાંય નહિ જોઈ હોય.’ મંત્રીએ કહ્યું - ‘મહારાજાને અવસ૨ ઓછો મળે, કુંભરાજાની પુત્રી મલ્લિકુંવરીનું રૂપ ત્રિભુવનમાં વિસ્મયકારી છે. મેં એકવાર એમનું પુષ્પાભરણ જોયું હતું તેવું ક્યાંય આજ સુધી દેખાયું નથી.' ઈત્યાદિ મલ્લિકુંવરીની વાત સાંભળી રાજાને તેમના ઉપર અનુરાગ થતાં, તેણે એક દૂત કુંભરાજા પાસે મોકલી મલ્લિકુંવરીની માંગણી કરી.
બીજા મિત્ર ધરણનો જીવ, ચંપાનગરીના રાજા ચંદ્રછાય તરીકે ઉત્પન્ન થયો હતો. એકવાર અર્હન્નક નામના વહાણવટી વણિક શ્રાવકે દિવ્યકુંડલ જોડી ભેટ આપતા કહ્યું - ‘મહારાજા ! સમુદ્રની સફર કરતા જિનધર્મના પ્રભાવે મને બે જોડ દિવ્યકુંડલ એક દેવે આપેલા. તેમાંથી એક જોડ કુંભરાજાને આપી. રાજાએ પોતાની વહાલી પુત્રી મલ્લિકુંવરીને પહેરાવી. મલ્લિકુંવરીની શી શોભા છે ? આવી કન્યા સંસારમાં હશે કે કેમ ? તેમાં મને શંકા છે.' આ સાંભળી મોહિત થયેલા ચંદ્રછાય રાજાએ પણ માંગણી માટે દૂત મોકલ્યો.
ત્રીજા મિત્ર પૂરણનો જીવ શ્રાવસ્તીનગરીનો રુક્મિ નામે રાજા બન્યો હતો. તેણે એક વાર પોતાની નાનકડી દીકરીનો સ્નાનોત્સવ સોનાના મંડપમાં રાખ્યો હતો. તે પ્રસંગે ઘણાં રાજાઓને નોતરી અપૂર્વ ઠાઠમાઠ કર્યો હતો. તે વખતે ગર્વ કરતા રુક્મિએ કહ્યું. ‘આવો સ્નાનોત્સવ દીકરીનો કોઈએ નહિ કર્યો હોય ?’ તે સાંભળી ઘણા દેશોમાં યાત્રા કરીને આવેલા એક વૃદ્ધે કહ્યું‘વિદેહના મહારાજાએ પોતાની પુત્રી મલ્લિનો વર્ષો પહેલા જે જન્મોત્સવ કર્યો હતો તેની આગળ આ ઉત્સવ લાખમાં ભાગનોય નથી. આજે તો એ યુવતી થઈ હશે, પરંતુ તે વખતે પણ શું એની સુંદરતા !' આ સાંભળતા તે રાજાએ પણ દૂત મારફત માગું મોકલ્યું,
ચોથા મિત્ર વસુનો જીવ વારાણસી નગરનો શંખ નામે રાજા થયો. અર્હન્નકે પેલા દિવ્યકુંડલની એક જોડ કુંભરાજાને આપી હતી તે મલ્લિકુંવરી પાસે ટૂટી જતાં તેમણે આભૂષણના કારીગરોને (સુવર્ણકારોને) સમી કરવા આપી, પણ તેઓ કોઈ રીતે સમી ન કરી શક્યા તેથી રાજાએ કહ્યું - ‘આ તો અમારે શરમાવા જેવી વાત છે. એક કુંડલ તમે સમું ન કરી શકો તો તમે સ્વર્ણકાર શાના ? તમે તમારે બીજા રાજ્યમાં ચાલ્યા જાવ.' તેઓ ચાલી નિકળ્યા અને શંખ રાજાની સભામાં આવી તેમણે કામ માંગ્યું. રાજાએ તેઓ પહેલા ક્યાં કામ કરતા હતા ? ને શા માટે આવવું પડ્યું ? વગેરે પૂછ્યું, તેમણે મિથિલા નગરી છોડવા આદિ બધી વાત મૂળથી કહી સંભળાવી. વિસ્મિત રાજાએ મલ્લિ બાબત પૂછતાં તેમણે કહ્યું - ‘રાજકુમારીનું અલૌકિકરૂપ અને જીવન છે. એનું વર્ણન કરવું એ અમારી શક્તિ બહારની વાત છે.’ આ સાંભળી શંખરાજાએ પણ માગું મોકલ્યું.
પાંચમો મિત્ર વૈશ્રમણ હસ્તિનાપુરનો રાજા અદીનશત્રુ નામે બન્યો હતો. મિથિલામાં