________________
૧૬૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
સુયેષ્ઠાને કરી, સુજયેષ્ઠાએ તે ચિત્ર લાવી બતાવવા કહ્યું. અભયકુમાર પાસે આવી દાસીએ કહ્યું - “અમારા મોટા કુંવરીને આ ચિત્ર જોવું છે.' અભયકુમારે પરિચય સાથે એ ચિત્ર દાસીને આપ્યું. શ્રેણિકનું અદ્ભુત રૂપ, ભવ્ય લલાટ, પહોળી છાતી ને અપૂર્વ સૌષ્ઠવ જોઈ સુયેષ્ઠા શ્રેણિક ઉપર મુગ્ધ થઈ પોતાનું સર્વસ્વ અર્પણ કરી બેઠી. અભયકુમારને તે બાબત જણાવી.
અભયકુમારે શ્રેણિકરાયને જાણ કરી. ભૂમિ નીચે સુરંગમાર્ગ તૈયાર કરાવ્યો. અવસરે સજ્જ થઈ શ્રેણિક આવ્યા. સુજયેષ્ઠાની નાની બહેન ચલ્લણાને બહેન પર ઘણું વહાલ હતું. એને ખબર પડી જતા તે પણ શ્રેણિકને પરણવા બહેન સાથે તૈયાર થઈ. બંને બહેનો તૈયાર થઈ સુરંગ માર્ગે આવી, રત્નાભૂષણનો ડબો મહેલમાં ભૂલી ગયેલી સુજયેષ્ઠાએ ચેલ્લણાને કહ્યું – “તું આગળ ચાલ, હું હમણાં જ મારો ઘરેણાનો ડબો લઈને આવું છું.” તે ઉતાવળે ડબો લેવા ગઈ ને ચેલણાને સુજયેષ્ઠા સમજી શ્રેણિકે રથમાં બેસાડી. ચેડારાણાના ભયથી તરત શ્રેણિક ચાલી નિકળ્યા. તે કાંઈ બોલી ન શકી. થોડી જ વારમાં સુજયેષ્ઠા આવી. રાજા કે ચેલ્લણા આદિ કાંઈ ન જોઈ તેણે પોકાર કર્યો કે, “કોઈ દોડો દોડો રે દોડો ચેલણાને ઉપાડી જાય છે.” તરત ચેડા રાજા અને તેમના સુભટો દોડતા ત્યાં આવ્યા. શ્રેણિકરાજાનો રથ તો આગળ હતો. ચેડારાણાને રોકવા ને યુદ્ધ આપવા નાગસારથીના બત્રીસ યુવાન પુત્રો આદિ માર્ગ રુંધી ઊભા રહ્યા.
ચેડારાણાના બાણથી તે એક સાથે જન્મેલા સામુદાયિક કર્મવાળા બત્રીસે ભાઈઓ એક સાથે જ માર્યા ગયા, શ્રેણિક તો આખરે ત્યાંની સીમા વટાવી ચેલ્લણા સાથે મગધ તરફ ચાલ્યા ગયા. આ બનાવથી સુષ્ઠાને વિરક્તિ આવી ગઈ. તે મન-વચનથી શ્રેણિકને વરી ચૂકી હતી. પણ વૈરાગ્યભાવ સુદ્રઢ થતા દીક્ષા સ્વીકારી ને ઉત્કટ પ્રકારે આરાધના કરવા માંડી. તે સતી સાધ્વીને પેઢાલે છલથી ભોગવી ને તેને પુત્ર પણ થયો.
એકવાર શ્રી ગૌતમ મહારાજ શ્રી વીરભગવંતને સુયેષ્ઠાના સતીત્વ બાબત પૂછતાં ભગવંતે ફરમાવેલું કે - “હે ગૌતમ! સુજયેષ્ઠા સાવ શુદ્ધ છે. તેનો આમાં કાંઈ દોષ નથી. પહેલા તેને માનસિક રીતે શ્રેણિકનો સંગ ઇચ્છેલો, પણ પાછળથી તો ત્રિકરણશુદ્ધ શીલ સ્વીકાર્યું હતું અને પાળ્યું પણ છે જ.” સુજયેષ્ઠા સાધ્વીએ મન-વચન અને કાયાની શુદ્ધિપૂર્વક જીવનના અંત સુધી સર્વથા શુદ્ધ શીલ પાળ્યું હતું.
એકવાર ચેલ્લણા ઉપર શંકા આવતા શ્રેણિકે તેના શીલ બાબત ભગવંતને પૂછ્યું હતું. ઉત્તરમાં પ્રભુએ કહ્યું હતું કે- “ચેડારાજાની સાત પુત્રીઓ શીલવતી છે.' ઇત્યાદિ પ્રભુમુખે પણ તેમના શીલની પ્રશંસા થઈ હતી. કુશીલ આત્માઓ ક્યાંય શાંતિ પામતાં નથી. તેઓ મેળવેલી ઉત્તમ વસ્તુ પણ ખોઈ નાંખે છે. શીલવાન સદા સ્વસ્થ અને પ્રસન્ન રહે છે. માટે સદા શીલને સુદ્રઢ બનાવવાના પ્રયત્નો કરવા.