________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૫૩ આત્માને તેમાંથી બચાવવો જોઈએ. જ્યાં સ્પૃહા નથી, ઇચ્છા નથી, કાંક્ષા-અભિલાષા નથી ત્યાં એકલું સુખ, સુખ ને સુખ છે.” સર્વે દેશના સાંભળી વિવેક પામ્યા. તમાસો જોવા ને બતાવવા આવેલા સર્વેના અચરજનો પાર નહોતો.
આવા ભગવાન જેવા મહાત્મા થોડીવાર પહેલા નટડી માટે પોતે નાચતા હતા ને હવે પોતે જ કેવો મજાનો સાચો ઉપદેશ આપી રહ્યા છે? રાજાને પણ સાચી દિશાના દર્શન થવા લાગ્યા હતા. તેણે કેવલીને પૂછ્યું – “આપને નટી ઉપર આટલો અનુરાગ થયો તેનું શું કારણ?” કેવળી પોતાના ત્રીજા ભવની વાત કહેતા બોલ્યા. પહેલા બ્રાહ્મણના ભાવમાં અમે પતિ-પત્નીએ સાથે દીક્ષા લીધી. અમને બંનેને જાતિનો ઘણો ગર્વ હતો. અમારી જાતને અમે બધાં કરતા ઊંચી માનતા ને મનાવવા યત્ન કરતા. આ જાતિમદના પાપથી હું વણિકકુળમાં અવતર્યો, છતાં નટ થયો, ને પૂર્વભવની આ મારી સ્ત્રી નટી થઈ છે. પૂર્વભવના કામરાગના અભ્યાસથી તેના પર આ ભવે અતિ અનુરાગ થયો. તેને જોતાં જ તેને મેળવવાની બુદ્ધિ થઈ. જીવને વૈર અને અનુરાગમાં ભવાંતર પણ કારણ બને છે. આ સાંભળી ત્યાં બેસી ઉપદેશ સાંભળતી નટીને જાતિસ્મરણજ્ઞાન થયું ને તેણે વિચાર્યું - “આ રૂપના ભડકા કેવા કેવા જીવને બાળે છે. મારા રૂપથી શ્રીમંતના આવા સારા પુત્ર અને રાજ પણ વ્યથામાં પડ્યા. આવા રૂપને ધિક્કાર થાવ. મને વિષયવાસનાની લાગણી જ શા માટે થવી જોઈએ? આ બધી પીડા એની જ છે.
આમ વિરક્તદશામાં વિષયાદિની વિડંબના અને તેના ત્યાગના આનંદની ભાવના ભાવતા તે નટીને ત્યાં જ કેવળજ્ઞાન થયું, તે જ વખતે આ તમાસો જોવા આવેલી રાજરાણીએ વિચાર્યું - “અહો આશ્ચર્યની વાત છે. અમે આવા ઉત્તમકુળની રાજકુંવરીઓ આમની રાણી છીએ છતાં રાજા આ હીનકુળની નટડી સામે મોહ્યા ? વિષયની લંપટતાને ધિક્કાર છે.” આવી ભાવના ભાવતા રાણીને પણ કેવળજ્ઞાન થયું. સાથે જ રાજા પણ ચિંતવતા હતા કે - “કેવી કારમી દશા છે કામુક્તાની ? ઉત્તમકુળની સુંદર-ગુણિયલ રાણી હોવા છતાં અધમ, કુળની, સંસ્કારહીન નટડી ઉપર હું મુગ્ધ થયો. કળાનો મને જાણ સમજી આ ઈલાપુત્ર પોતાના ઉત્તમકુળને છોડી સ્ત્રીમોહથી, ધનની અભિલાષાએ મારી પાસે આવ્યો. નીચ નારીની સંગત ઝંખી મેં નટનું મૃત્યુ ઇછ્યું. હવે આથી હલકું ઉદાહરણ ક્યાં જડવાનું.” આમ આત્મનિંદા અને ઉત્તમભાવના ભાવતા રાજા પણ કેવળી બન્યા. આમ મહાભાગ ઈલાપુત્રે ઘણાં જીવોને કેવળી કર્યા. કંઈ કેટલાય જીવોને તાર્યા.
જેણે ઉત્તમ વંશમાં ઉત્તમ થઈ શુભવંશ (વાંસડા)નો આશ્રય કર્યો. મહાપુણ્યવાન મુનિરાજનું ઉચ્ચ આચરણ જોઈ કુવંશને ઉચિત સંસારનૃત્ય છોડી દીધું અને અંતે ચિદાત્મરૂપે તરૂપ થઈ ગયા તે ઇલાપુત્રને ધન્ય છે.