________________
૧૦૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
સેલકપુરના ઉદ્યાનમાં કુટિરની અંદર એક તાપસ મહિનાના ઉપવાસના પારણે મહિનાના ઉપવાસ કરતો રહેતો હતો ત્યાં એક દિવસ કોઈ તપસ્વિની આવી ચડી. સાંજ પડી ગઈ હોઈ તાપસે તેને આગ્રહ કરી રાતવાસો રોકી. બ્રહ્મચર્યની સુરક્ષા માટે પોતે બહાર રહી પર્ણકુટી તપસ્વિનીને આપી કહ્યું – “રાત્રે સૂતી વખતે બારણા સારી રીતે બંધ કરજો. અહીં એક રાક્ષસ વસે છે. તમારી પાસે આવવા કદાચ તે મારા જેવો અવાજ કાઢી તમને બોલાવશે, જાત-જાતની વાતો કરશે. પણ તમે બારણું ખોલશો નહીં. જો ખોલ્યું તો તમારા શરીરને તે ખાઈ જશે.” એમ કહી તાપસ મઠની બહાર સૂતો. તાપસી બારણા બરાબર બંધ કરી સૂઈ ગઈ. અહીં તાપસને તાપસીના વિચાર આવવા લાગ્યા. ચિત્ત ચગડોળે ચડ્યું. ચંચળતા વધતી ગઈ. તેણે ઘણા વાના કર્યા મઠમાં પહોંચવાના, બહાના પણ કાઢ્યા અંદર આવવાનાં. પણ વાસનાના જોરને જાણનાર એ તાપસે પહેલાથી જ શીલરક્ષાનો ઉપાય કરી લીધેલ તેનો તેને પશ્ચાત્તાપ પણ થવા લાગ્યો. ઊંઘ તો ગઈ, જપ પણ ગયો. છેવટે બારણામાં કાણું પાડ્યું ને માથું અંદર નાખ્યું. તાપસીએ બચવા માટે બારણાને જોસથી દબાવતા તાપસનું ગળું તેમાં ભીંસાયું ને મૃત્યુ પામ્યો. શીલનું પાલન જળવાઈ રહેવાને કારણે તે દેવ થયો. મઠ પાસે એકત્રિત થયેલ જનસમૂહ સામે પ્રત્યક્ષ થઈ તેણે સઘળી વાત કહી બતાવી ને મૈથુનત્યાગની સહુને ભલામણ કરી, સ્વર્ગે ગયો.
તથા હે રાજા ! વિષ્ણુપુરાણમાં જણાવ્યું છે કે – બનારસ (વારાણસી) નગરમાં ગંગા કિનારે નંદ નામનો તાપસ વર્ષોથી ઘોર તપ કરતો. એકવાર ગંગામાં નહાતી કોઈ સ્ત્રીને જોઈ તે મુગ્ધાનો અભિલાષી થયો. તેનું મન તેમાં લટ્ટ થતાં તેણે તે યુવતિનો પીછો પકડ્યો અને પાછળ પાછળ ઠેઠ તેના ઘેર પોહચ્યો. નિર્લજ્જ થઈ સંભોગની ચોખ્ખી માગણી પણ કરી તે ગરીબ બાઈએ કહ્યું – “હું તો ચંડાલિની છું. આપ તો મોટા મહાત્મા કહેવાઓ, મારા જેવી નીચ સ્ત્રી સાથે તમે રમણ કરો તે ઉચિત નથી.” પણ કામના આવેશમાં આવ્યા પછી માણસને ક્યાં વિચાર જ આવ્યો છે? તેણે બાઈને લીધી બાથમાં ને બધું વિસરી તેને ભોગવી. મદ ઉતરી ગયો ત્યારે તેને શાન આવી કે ઘોરપાપ ને મહાઅનર્થ કરી નાખ્યો. શરમથી શ્યામ બનેલો તે વિષયારસને ધિક્કારતો પાછો ફર્યો પણ આ કુકર્મથી તેને પોતાની જાત પર ધૃણા થઈ આવી. અંતે તે પત્થર પર માથું પછાડી મરણને શરણ થયો.
મરતાં મરતાં તે બોલ્યો :
અર્થ - રામ, રામ, મારો જન્મ અને જીવન બંને ધિક્કારને પાત્ર છે. જે ઘોર તપસ્વી હતો. તેનું પતન ચંડાલણીથી થયું.