________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨
૧૨૭ તાપસે તેને વલ્કલ (વૃક્ષની કોમળ છાલ) પહેરાવી વલ્કલચીરી નામ આપ્યું. વન્યફળ અને ધાન્યથી બાળકનું પોષણ થવા લાગ્યું. અનુક્રમે તે સોળ વર્ષનો યુવાન થયો પણ તે સંસારવ્યવહારથી
સ્ત્રી-પુરુષના ભેદથી સાવ અજાણ હતો. ને આવશ્યક્તા પ્રમાણે તેની ભાષા ઘણી જ સીમિત હતી. તે સમજણો થાય તે પૂર્વે ધાત્રી પણ ચાલી ગઈ હતી. માણસ તરીકે તેણે પિતાને જ વધારે જોયેલા. સવારના પહોરમાં તે “તાત વંદે' એમ તેમને કહેતો. સ્ત્રીપુરુષના ભેદને તે જાણતો નહોતો, સ્વભાવે સરળ હતો ને વનખંડ તેમજ પશુ-પક્ષી આદિનો જ તેને પરિચય હતો. વનમાંથી ફળાદિ લાવવા ને પિતાની સેવા કરવી, એટલે તેને આવડતું.
એકવાર વલ્કલચીરીના મોટાભાઈ રાજા પ્રસન્નચંદ્રને વલ્કલચીરીનું વૃત્તાંત જાણી તેને બોલાવવાની ઉત્કટ અભિલાષા થઈ. તેણે નગરની ચાર ચાલાક ગણિકાઓને કહ્યું કે – “તમે ગમે તેમ કરી મારા ભાઈને અહીં લઈ આવો. અમારા તપસ્વી પિતા ત્યાં ન હોય ત્યારે જજો અને તેમની નજરે ન ચડી જવાય તેનું બરાબર ધ્યાન રાખજો, નહિતર તે તપસ્વી તપોબળથી બાળી નાખશે.” રાજાજ્ઞાને કરવા તૈયાર થયેલી ગણિકાઓએ બધી વાત સારી રીતે સમજી તાપસનો વેશ કર્યો ને આવી સોમચંદ્ર તપસ્વીના આશ્રમે. તે વખતે વલ્કલચીરી એકલો જ હતો. તેણે તે રૂપાળા તાપસોનો તાત વંદે' કહી, આદર સત્કાર કર્યો ને હતા તે ફલ ખાવા ધર્યા. વેશ્યાઓએ કહ્યું -
અમારી પોતનપુરી આશ્રમના ફળ ક્યાં? ને આ તમારા રસકસ વગરના સામાન્ય ફળ ક્યાં? જુઓ આ અમારાં ફળ.” એમ કહી તેમણે મેવા, દ્રાક્ષ અને મઘમધતાં મોદક ઝોળીમાંથી કાઢી બતાવ્યા ને એકાંતમાં લઈ જઈ ખાવા આપ્યા. કદી નહિ ચાખેલાં અત્યંત સ્વાદિષ્ટ ફળ ખાઈ ઋષિબાળ આશ્ચર્ય પામ્યો ને અહોભાવથી આ રૂપાળા મુનિઓને નિરખી રહ્યો. નવા નવા પદાર્થો કાઢી કાઢી અનોખા ભાવપૂર્વક તે ઋષિકુમારને ખવરાવવા લાગી ને અવનવા સ્વાદમાં તે લપેટાતો ગયો. વેશ્યાઓએ તેને પોતાના સમીપમાં લીધો.
પોતાના શરીરે કપોલ અને ઉરોજ સ્થળે તેનો હાથ લઈ ફેરવ્યો. પુરુષ-સ્ત્રીના ભેદને નહિ જાણતો વલ્કલચીરી કોઈ વિચિત્ર લાગણી અનુભવતો બોલ્યો - “મુનિઓ ! તમે તો ઘણાં સારા લાગો છો. તમારું શરીર કેવું સરસ છે? આ તમારા હૃદય સ્થળે આ બે ઊંચા ઉપસેલા શું છે? ઘણું કોમળ ને ગમે તેવું તમારું શરીર છે.' વેશ્યાઓ બોલી - આ તો અમારા આશ્રમના જળ, વાયુ તેમજ આવા ઉત્તમ ફળોનો પ્રતાપ છે. તમે અમારી સાથે ચાલો, તમને ઘણો આનંદ આવશે. તમે પણ અમારા જેવા સુંદર થશો.' વલ્કલચીરી તેમની વાતમાં લોભાયો. તેમનાથી અંજાયો. તેમની સાથે જવા પોતાના પાત્ર આદિ સંતાડી તૈયાર થઈ આવી ગયો.
કહ્યું છે કે માણસ ત્યાં સુધી જ મુનિભાવવાળો, યતિ, જ્ઞાની, તપસ્વી અને જિતેન્દ્રિય છે કે જયાં સુધી તે કોઈ સુંદર સ્ત્રીના સંપર્કમાં આવ્યો નથી.
તેઓ જવાની તૈયારી કરતાં હતાં ત્યાં સામે થોડે દૂરથી સોમચંદ્રઋષિને આવતા જોયા એટલે વેશ્યાઓ નાઠીને ગુપ્તસ્થાનમાં ઉભેલા રથમાં બેસી પોતનપુર પાછી આવી. વલ્કલચીરીમાં