________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨
૧૩૧ તરત વિહાર કરી સાધ્વી મથુરા આવ્યા ને વેશ્યાના ઘરની પાસે જ ઉતારો કર્યો. જ્ઞાની સાથ્વી વહોરવાનું નિમિત્ત કરી કુબેરસેનાને ત્યાં આવ્યા. ઘોડીયામાં રડતાં છોકરાને હાલરડું સંભળાવતા બોલ્યા કેમ રડે છે વીરા ! તારે ને મારે તો ઘણા સંબંધ છે. જો સાંભળ' એટલામાં કુબેરદત્ત એક તરફ ઊભો રહી આ બધું સાંભળવા લાગ્યો કે “એક વૈરાગી સાધ્વી શા માટે ગૃહસ્થોમાં આટલો રસ લે છે?” ત્યાં સાધ્વી બોલ્યા, જો સાંભળ! તું મારો ભાઈ થાય, દીકરો થાય, દિયર થાય, ભત્રીજો થાય, કાકો પણ થાય અને પુત્રનો પુત્ર પૌત્ર પણ થાય!રે બાળ ! તારા બાપા મારા ભાઈ થાય, મારા બાપાય થાય ને પિતાના પિતા દાદા થાય, ધણી થાય, પુત્ર થાય અને સસરા પણ થાય. જો ભાઈ ! રડ નહીં. સાંભળ! તારી મા તો મારી મા થાય પણ મારા બાપાનીય મા થાય. મારી ભોજાઈ થાય. પુત્રવધૂ થાય, સાસુ થાય અને શોક્ય પણ થાય !!!
આ સાંભળી પાસે ઉભેલા કુબેરદત્તે કહ્યું – “સાધ્વી ! તમે આ શું અસંબદ્ધ બોલો છો?” પ્રૌઢતાની જાજરમાન મૂર્તિ જેવા સાધ્વીએ કહ્યું – “શ્રેષ્ઠી ! સાંભળો. હું જે કાંઈ બોલું છું તે સાવ સાચું અને આશ્ચર્યજનક છે. આ બાળ મારો ભાઈ છે કારણ કે અમે બંને સહોદર છીયે. તેમજ આ બાળક મારા પતિનો પુત્ર હોઈ મારો પણ પુત્ર થાય તથા મારા પતિનો નાનો બંધુ હોઈ મારો દિયર પણ થાય તેમજ ભાઈનો દીકરો હોઈ મારો ભત્રીજો પણ થાય છે. તથા તે મારી માના પતિ (પિતા)નો ભાઈ હોઈ મારો કાકો પણ થાય તેમજ મારી શોક્ય (સપત્ની)ના દીકરાનો દીકરો હોવાથી આ મારો પૌત્ર પણ થાય છે.
તથા આ બાળકના બાપ સાથે મારે જે સંબંધો છે તે સાંભળો– આ બાળકનો બાપ મારો ભાઈ થાય કેમકે આના બાપની અને મારી માતા એક જ છે. આનો બાપ એ મારો બાપ થાય કારણ કે તે મારી માનો ધણી છે. તેમજ આ બાળકનો બાપા મારો પિતામહ થાય. કેમકે મારી માતા (કુબેરસેના)ના પતિ (કુબેરદત્તનો) આ બાળક નાનો ભાઈ હોઈ તે કાકો થાય ને કાકાના પિતા મારા પિતામહ થાય. તથા આ બાળકનો બાપ મારો સ્વામી થાય કારણ કે મારા એની સાથે લગ્ન થયેલા. તથા મારી શોક્યનો પુત્ર છે. તેથી મારો પણ પુત્ર જ થાય. વળી આ છોકરાનો બાપ મારો સસરોય થાય, કેમકે તે મારા દિયરનો બાપ થાય છે.
અને આ બાળકની મા સાથે પણ મારે છ સંબંધો છે, આ બાળકની માતા મારી માતા પણ થાય, કારણ કે મેં એના ઉદરે જન્મ લીધો છે. તથા આ બાળકની મા મારી માતામહી (મોટીબા) થાય, કેમકે તે મારા કાકાની માતા છે. વળી આ બાળકની મા મારી ભોજાઈ થાય કારણ કે મારા ભાઈની વહુ છે. તથા આ છોકરાની મા તે મારી પુત્રવધૂ પણ થાય કેમકે મારી શોક્યના પુત્રની તે પત્ની બની છે. તેમજ આ બાળકની માતા તે મારી સાસુ પણ થાય કેમકે તે મારા પતિની મા છે. અને આ બાળકની માતા મારી શોક્ય થાય, કેમકે તે મારા પતિની બીજી સ્ત્રી છે.
ઇત્યાદિ સાંભળી આશ્ચર્ય પામેલા કુબેરદત્તે મૂળથી વૃત્તાંત પૂછતાં સાધ્વીએ બધું કહી બતાવ્યું. તે સાંભળી વૈરાગ્યભાવ સુદઢ થતાં કુબેરદત્તે દીક્ષા લીધી ને આત્મસાધનામાં તત્પર થયા.