________________
૧૩૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
અઢાર નાતરાનો પ્રબંધ
મથુરાનગરીમાં કામદેવની જાણે સેના હોય એવી કુબેરસેના નામની વેશ્યા હતી. ઉગતી યુવાનીમાં જ તે સગર્ભા થઈ. ગર્ભનો ભાર તે સહી શકતી નહોતી, તેથી તેની માને કહ્યું કે - ‘આ દુઃખ ક્યારે મટશે ?' માએ કહ્યું - ‘ગર્ભ પડાવી નાખ, હમણાં જ નિકાલ. વેશ્યાએ તેમ કરવાની ના પાડી. આમ કરતાં મહિના પૂરા થયાં ને તેણે પુત્ર-પુત્રીના જોડલાંને જન્મ આપ્યો. વેશ્યાની માએ કહ્યું :- ‘દીકરી ! આપણે યૌવન ઉપર જીવવાનું છે. આ એક નહીં પણ બબ્બે બાળક સ્તનપાન કરી તારા યૌવનને કરમાવી નાખશે. એમની પળોજણ પણ આપણને પાલવે નહીં. આપણે તો જીવનની જેમ યૌવનની રક્ષા કરવાની હોય છે. માટે મેલની જેમ આ યુગલને છોડી દેવું જોઈએ.’ ઇત્યાદિ સમજાવી પંદર દિવસના બાળક થયા પછી તેમનું કુબેરદત્ત અને કુબેરદત્તા નામ પાડી. તે નામવાળી તેમને વીંટી પહેરાવી તેમને શ્વાસ લઈ શકાય એવી એક પેટીમાં મૂક્યાં અને પેટી યમુનાના પ્રવાહમાં વહાવી દીધી.
જળતરંગ પર રમતી તે પેટી શૌર્યપુર પાસે તણાઇ આવી. યમુના કિનારે આવેલા બે વણિકમિત્રોએ તે સુંદર પેટી ગ્રહણ કરી. જે નિકળે તે અડધું વહેંચી લેવાનું નક્કી કરી પેટી ખોલી. દેવકુમાર જેવા સુંદર બાળક જોઈ એકે પુત્ર અને બીજાએ પુત્રી લીધી. બંનેએ તેમને પાળ્યા, પોષ્યા, ભણાવ્યા, ગણાવ્યા ને મોટા કર્યાં. બંને યુવાન થતાં તેમના બંનેના પાલક મા-બાપોએ પરસ્પરના સારા સંબંધો હોઈ તે યુવાન-યુવતીની સરખી જોડી જોઈ સારી ધામધૂમપૂર્વક તે બંનેને પરણાવી દીધા, કુબેરદત્ત અને કુબેરદત્તા જે સગા ભાઈ-બહેન હતા, પરણી ગયા ને પરસ્પર અતિ અનુરાગપૂર્વક રહેવા લાગ્યા.
એકવાર બંને ચોપાટ (સોગઠાબાજી) રમતા હતા, ત્યાં કુબેરદત્તની પેલી વીંટી નિકળી કુબેરદત્તાના ખોળામાં પડી. તે જોઈ તેણીએ પોતાની વીંટી જોડે સરખાવી તો રૂપે, રંગે, ઘાટે, તોલે સરખી જ લાગી ને નામના અક્ષરો પણ એક સરખાં મરોડવાળા જોઈ તે બોલી ઉઠી- ‘આપણે એક જ મા-બાપના યુગલ સંતાન અને ભાઈ-બહેન છીએ. તેમાં સંદેહને કોઈ સ્થાન નથી. પરંતુ દૈવયોગથી આપણા લગ્ન થયા. અને તેઓએ પોતાના માતા-પિતાને પૂછતાં વાત સાચી નિકળી. બંને વિમૂઢ થઈ વિચારમાં પડ્યા. પોતાની પરિસ્થિતિ ઉપર તેમને ઘણું લાગી આવ્યું. તેમણે પોતાનો ભાઈ-બહેનનો સંબંધ કાયમ કર્યો, કુબેરદત્ત આવા સંયોગથી પોતાની જાતને દૂર લઈ જવાના હેતુએ વ્યાપાર કરવા મોટો સાર્થ લઈ મથુરા ઉપડ્યો. આ તરફ કુબેરદત્તાએ વિરાગ બળવાન થતાં દીક્ષા લીધી. ઘોર તપસ્યા કરતાં તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. વ્યાપારમાં સારી કમાણી થતાં કુબેરદત્ત મથુરામાં સ્થિર થયો ને સંયોગવશ તેનો કુબેરસેના વેશ્યા સાથે જ સંબંધ થયો. તેની સાથે વિષય ભોગવતાં તેને એક પુત્રની પ્રાપ્તિ થઈ.
અવધિજ્ઞાની સાધ્વી કુબેરદત્તાએ જ્ઞાનોપયોગથી જાણ્યું કે કુબેરદત્ત પોતાની માતાનો જ પતિ થયો છે. ને માતા પુત્રની જ શય્યાભાગી થઈ છે, ત્યારે તેની અનુકંપાનો પાર જ ન રહ્યો.