________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૩૭ મંત્રીની સ્ત્રી સાચે જ સતી છે.” તે સાંભળી અશોક નામનો મંત્રી બોલ્યો - “મહારાજ બધી વાતો છે. ખરી વાત તો એ છે કે આ ભલા માણસને તેમની સ્ત્રીએ ભરમાવ્યા છે, શાસ્ત્રો તો ઘાંટા પાડીને પોકારે છે કે જ્યાં સુધી એકાંત, ઉચિત અવસર અને કામેચ્છા જણાવનાર પુરુષ મળ્યો નથી ત્યાં સુધી જ સ્ત્રીમાં સતીત્વ રહેલું છે. જો આપને પરીક્ષા કરવી હોય તો મને મોકલો, એમ તે મશ્કરા મંત્રીએ કહેતા રાજાએ પચાસ હજાર દ્રવ્ય સાથે અશોકમંત્રીને પોતાના નગરમાં મોકલ્યો.
નગરમાં આવી સ્વચ્છ ઉજવળ વેશ પરિધાન કરી તેણે એક માલણને સાધી કહ્યું કે – “તું શીલવતીને જણાવ કે તને એક અતિસોભાગી શેઠ મળવા માંગે છે.” ચાલાક માલણે કહ્યું – ‘તેના મિલાપ માટે સારું એવું ધન જોઈશે. કારણ કે ધનથી માણસ વશ થઈ શકે છે. ધન શ્રેષ્ઠ વશીકરણ છે.” અશોકે કહ્યું - “જો મારું કામ થશે તો અડધો લાખ દ્રવ્ય આપીશ.” પ્રસન્નવદના માલણ શીલવતી પાસે ગઈ અને બધી વાત ઠાવકાઈથી જણાવી. શીલવતીએ વિચાર્યું - “પરસ્ત્રીને ઇચ્છનાર ને રંજાડનાર આ માણસને અવશ્ય શિક્ષા આપવી જોઈએ.” તેણે વાત માની અને અડધો લાખ દ્રવ્ય લેવું નક્કી કરી દિવસ અને સમય નિશ્ચિત કર્યો.
આ તરફ શીલવતીએ પોતાની યોજના પ્રમાણે એક ઓરડામાં કૂવા જેવો ઊંડો ખાડો કરાવી તેના ઉપર પાટી વિનાનો ઢોલીયો (પલંગ) મૂક્યો ને તેના પર સુંદર ગાદલું ઓછાડ આદિ પાથર્યા. સમય થતાં હરખાતો હરખાતો અશોકમંત્રી અર્ધલક્ષ મુદ્રા સાથે ત્યાં આવ્યો. શિખવી રાખેલી દાસીએ તેનો સત્કાર-સન્માનાદિ કર્યો. અડધો લાખ દ્રવ્ય માગી ઉચિત જગ્યાએ મૂક્યા અને મંત્રીને તે ઓરડામાં લઈ જઈ પેલા ઢોલીયા ઉપર બેસાડ્યો ને તે બેસતાની સાથે જ સંસારમાં બહુકર્મી જીવની જેમ તે ખાડામાં જઈ પડ્યો. તેણે ઘણો ઘોંઘાટ ને વિનંતિ કરી પણ કાઢ્યો નહીં. શીલવતી તેને ખપ્પરમાં ખાવાનું આપતી, ઘણો સમય આમ અશોકમંત્રી પરમશોકમાં પડ્યો.
એક મહિનો વીત્યા છતાં અશોકમંત્રી ન આવતાં કોમાંકુર નામના બીજા મંત્રીએ પણ તેવી જ પ્રતિજ્ઞા કરી ને શીલવતીએ તેની પાસેથી અડધા લાખ રૂપિયા પડાવી તેને પણ તે જ ખાડામાં નાંખ્યો. મહિના પછી લલિતાંગ નામનો મંત્રી અડધો લાખ દ્રવ્ય લઈને આવ્યો. તેની પણ એજ વલે થઈ. ચોથે મહિને રતિકેલિ નામક મંત્રી પણ અડધો લાખ મુદ્રા લઈને આવ્યો ને તે પણ પૈસા આપી ખાડામાં પડ્યો, આમ ચારે મંત્રીઓ ચાતુર્ગતિક સંસારનું દુઃખ અનુભવવા લાગ્યા.
એવામાં સિંહરાજા વિજય મેળવી મોટા સમારોહપૂર્વક નગરમાં આવ્યો. પેલા ચારે મંત્રીઓએ શીલવતીને વિનવણી કરતા કહ્યું – “હે દેવી! અમે તમારો મહિમા જોયો જાણ્યો, અને અમારા દુષ્કૃત્યનું ફલ પણ મેળવ્યું. હવે અમને આ નરકાગારમાંથી બહાર કાઢો.' શીલવતીએ કહ્યું - “જ્યારે હું ભવતું (એમ થાઓ) એમ બોલું ત્યારે બધાએ ભવતું બોલવું. તો તમારો છૂટકારો થાય.” તેમણે માન્ય કર્યું. પછી શીલવતીએ પતિ દ્વારા રાજાને જમવાનું નોતરું અપાવ્યું. પહેલા દિવસે મિષ્ટાન્નાદિ કરાવી ખાડાવાળા ઓરડામાં સંતાડીને મૂકી જમવાના દિવસે અગ્નિ સળગાવ્યો નહીં. પાણીઆરે પાણી પણ રાખ્યું નહીં. કોઈ વસ્તુ ક્યાંય દેખાય નહિ. અવસરે રાજા જમવા