________________
૧૪૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ કહ્યું - “આજે તો પ્રસ્થાન કરવાનું હોઈ પૈસા રથમાં જ રાખ્યા છે. થોડે ચાલો ત્યાં રથમાંથી હું તમને તમારા પૈસા આપી દઉં.”
ભોળાભાવે મલયાગિરિ તેની સાથે ગઈ. ત્યાં ગોઠવણ પ્રમાણે સાર્થવાહે તેને ઉચકી રથમાં નાખીને રથ જોસથી હાંકી મૂક્યો. મલયાગિરિએ રથમાંથી કૂદી પડવાના મરણીયા પ્રયાસ કર્યા પણ તે ફાવી શકી નહીં. તે કલ્પાંત કરી રડી રડી થાકી ગઈ. પુત્ર અને પતિના વિયોગે અસહાય થઈ નિઃશ્વાસ નાંખવા લાગી. ઘણે છેટે નિકળી ગયા એટલે તેને સમજાવતા સાર્થવાહે કહ્યું – “તારા યૌવન અને રૂપે મને કેટલો સંતાપ્યો છે તે તું શું જાણે? પણ ઓ સુનયના ! હવે સંતાપ શાંત થશે. તારે પણ હવે કોઈ જાતના કષ્ટ નહીં વેઠવા પડે. તારા દુઃખના દિવસો વીતી ગયા. આ સાંભળતા જ મલયાગિરિએ સાહસ કરી, સ્વસ્થ થઈ ગંભીર સાદે કહ્યું – “શેઠ તમને આવા નહોતા ધાર્યા. આવા સારા માણસો આવા કામ કરતા હશે? એની કોને ખબર હોય? પણ યાદ રાખજો, હું મરીશ પણ તમારી ઇચ્છા કદી પૂરી થશે નહીં. કહ્યું છે કે
અગ્નિ મધ્ય બળવો ભલો, ભલો હી વિષકો પાન,
શીલ ખંડવો નહિ ભલો, નહિ કછુ શીલ સમાન. માટે હે શેઠ ! થોડો વિચાર કરો અને મને છોડો, મારે ઘરે જવા દો. મારા ધણી-છોકરા મારી વાટ જોતા હશે. મારો અંત ન લો, કલ્પાંતકાળે પણ હું શીલ નહીં ખંડું.” પણ સાર્થવાહ માન્યો નહીં, તેનો રથ ચાલતો રહ્યો. મલયાગિરિના આંસુ વહેતા રહ્યા. ચિંતા વધતી રહી.
આ તરફ મોડે સુધી વાટ જોઈ થાકેલ ચંદન મલયાની શોધમાં ચારે તરફ ફરી આવ્યો પણ ક્યાંયથી ભાળ મળી નહીં. થાકી ઘરે આવી તે ફસડાઈ પડ્યો ને વિલાપ કરવા લાગ્યો. બાળકો પણ રડી ઊઠ્યા. અત્યારે તો તેના ભાગ્યદેવ જ રીસાણા હતા. જીવન જ વિષ થઈ ગયું હતું. કેટલોક વખત રહ્યા છતાં પત્નીનો પત્તો ન લાગતા તે રાજા પુત્રોને લઈ પરગામે નિકળી પડ્યો. માર્ગમાં એક મોટી નદી આવતા એક પુત્રને કાંઠાના વૃક્ષ નીચે બેસાડી બીજા પુત્રને ખભે લઈ નદી ઉતરવા લાગ્યો. મહાકષ્ટ સામે કાંઠે પુત્રને બેસાડી બીજાને લાવવા નદી વચ્ચે આવતા જ જોસબંધ પ્રવાહ આવ્યો ને તે ચંદનને તાણી ગયો. એક પુત્ર આ કિનારે, બીજો સામા કાંઠે ને રાજા તણાઈ ગયો. જુઓ કર્મોના ખેલ. ઘણે દૂર ખેંચાઈ એ કિનારે આવ્યો. પત્ની અને પુત્રના વિરહે તે બોલી ઉઠ્યો
કિહાં ચંદન ! મલયાગિરિ ! કિહાં સાયર ! કિહાં નીર !
જો જો પડે વિપત્તડી, સો સો સહે શરીર.. બેબાકળો થઈ ચંદન કિનારે કિનારે પાછો દોડ્યો, મોટે મોટેથી સાયર..... નીર.....એવા સાદો પાડ્યા. ઘણાય ફાંફા માર્યા પણ બધું જ વ્યર્થ. થાકીને તે માથું ઝાલી બેસી ગયો. વિચારવા