________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
muide ઈલાચીકુમારની કથા વસંતપુર નગરના નિવાસી અગ્નિશર્મા બ્રાહ્મણે પોતાની પત્ની પ્રીતિમતી સાથે જિનવાણી સાંભળી, સંસારથી વિરક્ત થઈ દીક્ષા લીધી હતી. ભિન્ન ભિન્ન કુળમાં ઉત્પન્ન થયેલા મુનિઓની વચ્ચે તે પોતાના કુળના ગુણ ગાતા. બાહ્યશુદ્ધિમાં સાવધાન રહેતા ને મનમાં પોતાની જાતનો મદ પણ કરતા. આ દુષ્કતની આલોચના કર્યા વિના અનશનપૂર્વક કાળ કરી તેઓ વૈમાનિકદેવ થયા.
એલાવર્ધન નગરમાં ઈભ્ય નામના શ્રીમંત શેઠને ધારિણી નામની પત્ની હતી. ઈલાદેવીની આરાધના કરતા તે સગર્ભા થઈ. અગ્નિશર્માનો જીવ તેના ગર્ભમાં આવ્યો ને શુભ મુહૂર્ત પુત્ર તરીકે જન્મ્યો. ઈલાદેવીનો દીધેલો માની “ઇલાપુત્ર” એવું નામ પાડવામાં આવ્યું. મોટો થતાં તે ભણ્યો ગયો અને યૌવન પામ્યો.
તેની પૂર્વભવની સ્ત્રી સ્વર્ગમાંથી આવી જાતિમદને લીધે હલકા નટના કુળમાં અવતરી. તેમનું રૂપ આશ્ચર્ય ઉપજાવે તેવું હતું. તેમાં તે હાસ્ય વિલાસ ને લાસ્યવાળી નિપુણ નર્તકી થઈ. તે નર્તકવૃંદ એકવાર એલાવર્ધન નગરમાં આવ્યું. માર્ગે જતા ઇલાપુત્રે તે સુંદર નર્તકી નિહાળી. તેના મનોહર નેત્ર, મુખ, સ્તન તેમજ ઘાટીલા હાથ-પગ અને શરીરસૌષ્ઠવ જોઈ તે મુગ્ધ થઈ ગયો. ક્ષણવાર તો મૂઢની જેમ ઊભો જ રહી ગયો. હસ્તિની જોઈ હાથી મદે ચડે તેવી તેની સ્થિતિ થઈ. કામનો અનુરાગ રગેરગમાં વ્યાપી ગયો. કામી જીવો કાંઈ કૃત્યાકૃત્ય જોઈ શકતા નથી. કહ્યું છે કે- “જ્યાં સુધી મૃગલોચનાના કટાક્ષ પડ્યા નથી ત્યાં સુધી જ માણસની વિદ્વતા, બુદ્ધિમતા અને નિર્મળ વિવેક ટકી રહે છે. ઈલાપુત્રે નિર્ણય કર્યો કે આ પ્રફુલ્લકમલનયના નર્તકી સાથે જો વિવાહ નહિ થાય તો મરણ એ શરણ છે.” મનને નર્તકી પાસે મૂકી તે પરાણે ઘરે આવ્યો અને ખાધા પીધા વિના પલંગમાં પડ્યો. સંકલ્પ-વિકલ્પથી વ્યગ્ર અને અસ્થિરવૃત્તિવાળા પુત્રને આગ્રહ કરી માતાએ ઉદ્વેગનું કારણ પૂછ્યું. તેણે આખી બાબત જણાવી.
આ સાંભળી શેઠ-શેઠાણી તો ડઘાઈ ગયા. તેમણે કહ્યું - દીકરા, આ શું કહે છે? આપણું કુળ ક્યાં ને રઝળતા-રડતા એ લોકો ક્યાં? હંસ જેવા તે આ કાગડાને ઉચિત ઇચ્છા કેમ કરી?” તેણે કહ્યું- “તે સુંદરી વિના મને કોઈ આનંદ આપી શકે તેમ નથી. વધારે કહેવાથી શું? મને બધા વિના ચાલશે, નર્તકી વિના નહિ રહી શકું. ગમે તેમ કરીને તેને મેળવીશ.” ઘણી રીતે તેને સમજાવ્યો, સારામાં સારી કન્યાઓ ઉત્તમ કુળમાં હોય છે ને તેમનો ઉત્તમ આચાર વ્યવહાર હોય છે, વગેરે કહેવામાં આવ્યું પણ ઈલાપુત્રે સાફ સાફ કહી દીધું હતું. તેને સમજાવવાનું કોઈ પરિણામ નથી જાણી સહુએ તેની ઉપેક્ષા સેવી. ઈલાપુત્રે લાજ-મર્યાદા છોડી નટ પાસે આવી તેને ઘણું દ્રવ્ય આપ્યું ને નર્તકીના હાથની માગણી કરી. નટે કહ્યું- “આ નર્તકી અમારી અમૂલ્ય નિધિ છે. છતાં તમારે તેનું પાણિગ્રહણ કરવું જ હોય તો યુવાન ! તમે સાંભળી લ્યો કે અમે નટ સિવાય કોઈને અમારી કન્યા આપતા નથી.”