________________
૧૪૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ આખા હાથ અને નખયુક્ત સુંદર આંગળીવાળા આખા હાથ જોઈ રાણી અત્યાનંદ પામી ને પોતાના બાળકને ઉપાડી લીધું. તેના પર વહાલથી વર્ષા કરી જાણે તે ધન્ય બની ગઈ. વસ્ત્રાદિ સ્વચ્છ કરી પુત્રને લઈ તે જવા તૈયાર થઈ ત્યાં એક તાપસે જોઈ. તેની આ પરિસ્થિતિનું કારણ પૂછ્યું. “હોય, માણસ પર દુઃખ આવે ને ચાલ્યું જાય, સદા સરખા દિવસ કોઈના હોતા નથી. ધર્મના પ્રતાપે જ બધું સારું થાય છે,' ઈત્યાદિ આશ્વાસન અને અભય આપી એ તાપસે કલાવતીને પોતાના આશ્રમમાં લાવી કુલપતિને સોંપી. કુલપતિએ તેની તાપસી સાથે રહેવાની સગવડ કરી આપી. ત્યાં ઘણી જ શાંતિમાં તેનો સમય પસાર ને બાળકનો ઉછેર થવા લાગ્યો.
આ તરફ દત્ત રાજાને મળ્યો. તેમાં વાત નિકળતાં રાજાએ જાણ્યું કે, કલાવતીના પિયરથી કેટલાક લોકો તેને લેવા આવ્યા છે. મહારાણીના ભાઈ જયસેને તો હીરાના મોંઘા કડા પણ બહેનને મોકલ્યા છે. તમારો ભેટો ન થતાં તેઓએ સીધા મહારાણીને આપ્યા છે. આટલું સાંભળતાં રાજા શંખ મૂછ ખાઈ ધરતી પર પછડાઈ ગયા. શીતોપચારથી સચેત થયેલા રાજાએ પોતાની મૂર્ખતાની નિંદા કરી ઉતાવળીયાપણાને ધિક્કાર્યું. નીતિકાર કહે છે કે
अविमृश्य कृतं न्यस्तं, विश्वस्तं दत्तमाद्दतम् ।
उक्तं भुक्तं च तत् प्रायो, महानुशयकृनृणाम् ॥१॥ અર્થ - વિચાર્યા વિના કરાયેલું, મૂકાયેલું, વિશ્વાસ કરાયેલું, દીધેલું, આદરેલું, કહેલું અને ભોગવેલું પ્રાયઃ કરીને માણસ માટે મહાન પશ્ચાત્તાપ કરાવનારું થાય છે. વધારામાં જણાવ્યું છે કે “ગુણવાળું કે ગુણરહિત કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ડાહ્યા માણસે તેના પરિણામનો વિચાર પ્રથમ કરવો જોઈએ. કેમકે અતિસાહસવૃત્તિથી કરેલા કાર્યનું પરિણામ કોઈકવાર એવી ઘોર વિપત્તિ ઉત્પન્ન કરે છે કે જેથી હૃદયમાં બળતરા કે શલ્ય ઉપજે છે. રાજાએ વિચાર્યું - “મેં મહાઅનર્થ કરી નાખ્યો હવે હું શું મોટું બતાવીશ. શું ઉત્તર આપીશ? એના કરતાં તો સળગીને મરી જાઉં.” સળગી મરવાની જીદે ચડેલો રાજા ઉપવનમાં આવી ચિતા કરાવવા લાગ્યો. ત્યાં સમીપમાં એક મુનિરાજ ધર્મ ઉપદેશ આપતા હતા, નિરાશ રાજા ત્યાં જઈ ઉપદેશ સાંભળવા લાગ્યો. મુનિ કહેતા હતા.
આ જીવ ભ્રમણામાં અટવાયો છે. ભ્રમનો પાતળો પડદો તેને વાસ્તવિકતા સુધી પહોંચવા દેતો નથી. પરિણામે જયાં કંઈ નથી ત્યાં જીવને બધું દેખાય છે, જયાં બધું જ છે ત્યાં કશું જ દેખાતું નથી. જેમ મૃગલા તરસ્યાં થઈ પાણીની દિશા લેવાના બદલે મૃગતૃષ્ણામાં ભરમાય છે. સાવ પાસે દેખાતું પાણી પીવા દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, પણ પાણી મળે જ નહીં અને છેવટે હેરાન થઈ તરફડીને પ્રાણ છોડે, તેમ બ્રાંત થયેલા જીવો સંસારમાં ભ્રાંત થઈ ભમ્યા જ કરે છે.
આ તરફ કલાવતીને જ્યાં છોડી હતી ત્યાં તપાસ કરવા દત્ત આદિ મારતે ઘોડે ઉપડ્યા ને લોકોને રાજા બળી ન મરે તેની કાળજી રાખવા સૂચવતા ગયા.