________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
_૧૩૩ તે ને પાછળ હાથી.. જાય ભાગંભાગ. હાથી તો જાણે આજે જીવતો જવા દે તેમ નહોતો. તે એક મોટો વડલો જોઈ તેના ઉપર ચડી ગયો. ને ઉપરની જાડી ડાળ, જ્યાં હાથીની સૂંઢ પહોંચી શકે નહિ તેના ઉપર ચડી ગયો. ત્યાં તો ધસમસતો હાથી ત્યાં વડ નીચે આવ્યો ને ક્રોધે ભરાઈ સૂંઢથી આખું ઝાડ હચમચાવી નાખ્યું. મોટી ડાળ ઉપર નિશ્ચિત થઈ ઊભેલા માણસને આંચકો લાગ્યો ને તે ત્યાંથી ગબડી પડ્યો. પણ ભાગ્યજોગે તેના હાથમાં વડવાઈ આવી. તેણે તે પકડી લીધી ને બે હાથે વડવાઈઓ ઝાલી લટકી રહ્યો. તેણે નીચે જોયું તો ઘોરકૂવો ને જાણે કૂવામાં કૂવો હોય તેમ તેમાં એક અજગર મોઢું ફાડી બેઠો હતો. જો પોતે પડે તો સીધો કૂવાના અજગરના વિકરાળ મુખમાં. કૂવામાં ખૂણામાં જોયું તો ચારે ખૂણામાં ચાલતી ધમણની જેમ ફૂંફાડા મારતાં ચાર સર્પો લબકારા કરતા હતા. આ જોઈ તે ગભરાઈ ગયો. હાથીની સૂંઢ ત્યાં સુધી પહોંચી શકતી નહોતી પણ હાથી ત્યાંથી ખસતો નહોતો.
તેણે ઉપર જોયું તો ક્યાંકથી એક કાળો ને ધોળો ઊંદર આવી પોતે જે વડવાઈ ઉપર લટકી રહ્યો હતો તેને કાપવા લાગ્યા. અણીયાળા દાંતથી વડવાઈ વેતરાઈ રહી હતી, ને થોડીવાર આમ ચાલે તો પોતે ભયંકર અજગર-સર્પવાળા ભીષણ કૂવામાં જઈ પડે. આ વિચારમાત્રથી તેના ગાત્રો કંપી ઊઠ્યા. આંખમાંથી અગન વરસાવતો હાથી આજે ધૂંધવાયો હતો. ત્યાં તે આંટા મારતો હતો. તેણે ગુસ્સામાં આવી વડલાને જોશથી હલાવ્યો. તેથી તે વટવૃક્ષ પરનો આખો મધપુડો હલી ઉઠ્યો. પરિણામે તેની માખીઓ ઉડી ને વડવાઈ પર લટકી રહેલા તે દુર્ભાગી માણસને ભૂંડી રીતે ચોંટી. તેના ડંખ-ચટકા કારમી વેદના બળતરા ઉપજાવવા લાગ્યા. ચારે તરફથી દુઃખ, પીડા, વેદના ને વ્યથા. આ મહાસંકટમાંથી કેમ ઉગરવું? તે જ સમજાતું નહોતું. ત્યાં ઉપરના મધપુડામાંથી મધનું ટીપું તેના મોંઢામાં પડ્યું. આહા, શું મધુરપ ! એ મધુરતામાં તે સઘળી દુઃખની ભૂતાવળ, પરિસ્થિતિની વિકટતા અને ભવિષ્યની અનિશ્ચિતતા બધું જ ભૂલી ગયો. એક ટીપું ચાટ્યા પછી તે બીજા ટીપાની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો. તેણે પોતાનું ધ્યાન મધટીપા-મધુબિંદુમાં કેન્દ્રિત કર્યું. મધની મધુરતાને તે પરમસુખ માનવા લાગ્યો. તેને વીંટળાઈ વળેલી વ્યથાનો તો પાર નહોતો, પણ તેની નજર મધમાં હોઈ તે પોતાની દુઃખમય પરિસ્થિતિ જોઈ શકતો નહોતો.
તે વખતે કોઈ વિદ્યાધર વિમાનમાં બેસી ગગનમાર્ગે જતો હતો. આ હતભાગી જીવને આપત્તિમાં સપડાયેલો જોઈ તેને દયા આવી. ક્યાંય જોટો ન જડે એવી આપદામાંથી ઉગારવા વિદ્યાધરે તેના પગ નીચે વિમાન રાખી કહ્યું – “મહાનુભાવ! મુંઝાશો નહીં, હવે તમને ભયનું કશું જ કારણ નથી. વડવાઈ છોડી આ વિમાનમાં કૂદી પડો. તમને ઈષ્ટ સ્થાનમાં હું પહોંચાડીશ.”
પેલો માણસ વિમાન આદિ જોઈ રાજી થયો. બોલ્યો- હે મહાભાગ ! હવે તો તમે જ ઉગારી શકો તેમ છો. પેલું મધુબિંદુ પડવાની તૈયારીમાં છે તે હું ચાટી લઉં. પછી આપણે જઈએ. તે ટીપું ચાટી લીધું ત્યાં બીજું પડવાની તૈયારીમાં હતું. તેણે બીજું ટીપું ચાટીને આવવા કહ્યું. વિદ્યાધરે શીઘ વડવાઈ છોડી આવવા જણાવ્યું ને ઊંદરોએ તેને લગભગ કાપી નાખી હતી.