________________
૧૨૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ લેવા ગયો પણ ક્યાંય પાણી ન મળતાં તેણે ખાખરાના પાંદડાનો પડીયો બનાવી, બાવડાની ધોરી નસ કાપી લોહીથી ભર્યો. રાણી પાસે આવીને કહ્યું – ‘ઘણી કઠિનાઇથી એક ખાબોચીયાનું પાણી લાવ્યો છું. કદાચ તને નહિ ભાવે માટે તું આંખ બંધ કરીને પી જા.' તેણે પી લીધું. થોડું ચાલ્યા પછી રાણીએ કહ્યું – ‘મને ઘણી ભૂખ લાગી છે.’
-
રાજા ચાલ્યો પણ ખાવાનું કશું જ ન મળતાં તેણે પોતાની જાંઘમાંથી માંસ કાઢ્યું અને શેકીને રાણીને આપતાં કહ્યું – ‘આ એક પક્ષીનું માંસ છે. ખાઈ લે.' રાણીએ ખાધું. ત્યાંથી ચાલતાં ચાલતાં તેઓ કોઈ અજાણ્યા નગરે જઈ ચડ્યાં. રાજાએ ઘરેણાં વેચી રહેવા આદિની વ્યવસ્થા કરી ને ધનોપાર્જન માટે વ્યવસાય કરવા લાગ્યો. આમ કેટલોક સમય વીત્યા પછી એકવાર રાણીએ કહ્યું – ‘તમારા ગયા પછી એકલા રહેવું પડે છે અને ભય પણ રહ્યા કરે છે.’
આ સાંભળી રાજાએ એક પાંગળા માણસને દરવાન તરીકે ઘરે નોકર રાખ્યો. તે પંગુનો કંઠ ઘણો સુંદર હોઈ રાણી નવરાશમાં તેને ગાવા કહે, ને તે ગાય, રાણીથી થોડી છૂટ થતાં તે ઈશારા-ચાળા કરવાને પ્રેમ ગીતો ગાવા લાગ્યો. તેમનો અતિ પરિચય પરિણયમાં પરિણમ્યો અને રાણી પાંગળા સાથે હળી. કામી જીવોનો વિવેક, બોધ અને ભવિષ્યનો વિચાર નાશ પામે છે. સુકુમાલિકાએ પંગુના કહેવાથી રાજાને મારી નાખવાનું નક્કી કર્યું. એકવાર રાજા વસંતઋતુમાં ગંગા નદીના કાંઠે ફરવા - ક્રીડા કરવા રાણી સાથે ગયો. રાણીએ રાજાને તેજીલી મદિરા પાઈ દીધી. થોડી વારે રાજા નિશ્ચેષ્ટ થયો એટલે રાણીએ તેને ગંગાના જોસબદ્ધ વહેતા પ્રવાહમાં વહાવી દીધો. આનંદિત થયેલી રાણી પંગુ સાથે ઇચ્છા પ્રમાણે રહેવા લાગી. છેવટે પંગુને ખભે બેસાડી તે બજારમાં નિકળવા લાગી. તે મધુર ગાતો અને લોકો એક સુંદર નારીની અવદશા જોઈને કર્ણપ્રિય સંગીત સાંભળી તેને કાંઈક આપતા. પંગુની ઓળખાણ આપતાં તે કહેતી ‘માબાપે આપેલો આ પતિ છે. મારે મન તો એ ભગવાન છે.’
આ તરફ જીતશત્રુ રાજા પાણીમાં પડતાં જ સચેત થયો ને તણાતો તણાતો કાંઠે આવ્યો. થાકીને તે નદી કાંઠાના કોઈ વૃક્ષની છાયામાં સૂતો. તે નગરનો રાજા પુત્ર વિના અકાલે ગુજરી ગયો હોઈ પંચ દિવ્ય કરવામાં આવેલા. તે રાજા પાસે આવી ઊભા એટલે તેને જગાડી-સજાવી પ્રધાન મંડળે નગરપ્રવેશ કરાવી રાજ્યારૂઢ કર્યો. યોગાનુયોગ સુકુમાલિકા પેલા પાંગળા સાથે ભટકતી ને ભીખ માંગતી તે નગરમાં જ આવી પહોંચી. નગરમાં પુરુષના કંઠની અને સુકુમાલિકાની પતિ પરની શ્રદ્ધા અને પ્રીતિની લોકો ઘણી જ પ્રશંસા કરવા લાગ્યા. તેમની પ્રશંસા રાજદરબારમાં પણ થઈ. તેથી રાજાએ તેમને જોતાં જ ઓળખી લીધાં ને કહ્યું – ‘ઓ સ્ત્રી ! તું આવા ગંદા અને બિભત્સ પાંગળાને ખભે ઉપાડી શા માટે ફરે છે ?' સ્ત્રીએ કહ્યું મા-બાપે જે પતિ આપ્યો હોય તેને વધાવી લેવો અને ઈન્દ્ર જેવો માનવો એ સતી નારીનું પરમ કર્તવ્ય છે.