________________
૧૧૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
છોકરાઓ મોટા થઈ લોકોને લૂંટનાર મહાચોર થયા. સોનીના હાથે મૃત્યુ પામેલી સ્ત્રી એક ગામમાં દરિદ્ર બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે અવતરી. સોનીનો જીવ પાંચ વર્ષ તિર્યંચગતિમાં ભટકી તે દરિદ્ર બ્રાહ્મણને ત્યાં પુત્રી તરીકે ઉપન્યો. પૂર્વભવના પતિ-પત્ની-ભાઈ બહેન થયા. નાની બહેનને તેનાથી પાંચ વર્ષ મોટો ભાઈ રમાડતો. છોકરી ઘણું રડતી. તેનો ભાઈ છાની રાખવા તેના પેટપર હાથ ફેરવી તેને પંપાળતો.
આમ કરતાં એકવાર તેનો હાથ છોકરીના ગુહ્યઅંગ પર ફરતા તે તરત છાની રહી ગઈ. પછી તો તેને છાની રાખવાનો આ ચોક્કસ ઉપાય થઈ ગયો. તે રડે કે છોકરો તેની યોનિ પંપાળે. તે રડતી અટકે તો ખરી, આનંદ પણ વ્યક્ત કરે. એકવાર આ કુચેષ્ટા જોઈ તેના મા બાપ છોકરાને માર્યો. તેથી છોકરો નાસી જઈ પેલા ચારસો નવ્વાણું ચોરોમાં જઈ ભળ્યો. તેઓ પૂરા પાંચસો થયા. તે બાલિકા બાલ્યકાળના જ કુસંસ્કારોને લીધે, નાની વયમાં જ મહાવિષયી બની. એકવાર તે પાસેના ગામડામાં કોઈ સગાને ત્યાં ગઈ હતી. ને ચોરોએ તે ગામ લૂંટતા ત્યાં આ નવયુવતીને જોઈ ઉપાડી. પાંચસો ચોરોની તે એક પત્ની થઈ. એકવાર ચોરોને વિચાર આવ્યો કે આ એકલીને પાંચસો જણ ભોગવશે તો તેની દુર્દશા થશે ને મરી પણ જશે. માટે એકાદ બીજી સ્ત્રી ક્યાંકથી ઉપાડી આવીએ. જેથી આને રાહત અને સંગાથ બંને મળશે. એમ વિચારી ચોરો એક બીજી યુવતીને ક્યાંકથી પકડી લાવ્યા.
થોડોક સમય ગયા પછી અતિકામી બ્રાહ્મણપુત્રીએ વિચાર્યું આ મારી શોક્ય અહીં ક્યાંથી આવી? તેણે મારા માન, મોભા અને વિષયવિલાસમાં ભાગ પડાવ્યો. આને મારા માર્ગમાંથી દૂર કરવી જોઈએ. આમ વિચારી તે લાગ શોધવા લાગી. એકવાર બધા ચોરો બહાર ચોરી કરવા ગયા હતા. અવસર પામી તે દુષ્ટાએ તે ભોળી સ્ત્રીને ઊંડા કૂવામાં ધકેલી દીધી. ચોરોએ આવી નાની વહુ ન મળતાં પૂછ્યું, મોટીએ “ખબર નથી' એમ જણાવ્યું. ચોરોને લાગ્યું કે પેલી બિચારી સરસ અને ભોળી હતી, આણે તેને મારી નાખી હશે.
પેલો બ્રાહ્મણ પુત્ર જે પાછળથી ચોરો સાથે જોડાયો હતો તેને વિચાર આવ્યો “આ અતિકામુક મારી બહેન તો નહિ હોય? કોઈ ત્રિકાળજ્ઞાની મળે તો પૂછી જોઉં એમ કેટલાય સમયથી તે વિચારતો હતો. ત્યાં હે ગૌતમ ! લોકોના મુખથી તેમણે અમારું આગમન જ્ઞાનીપણું સાંભળી તે અહીં આવ્યો. પણ આવડી મોટી સભા જોઈ લજ્જાથી તેણે સાંકેતિક શબ્દોમાં પૂછ્યું. તેને અમે ઉત્તર પણ તેવી જ રીતે આપ્યો.” પ્રભુએ પર્ષદાને સંબોધતા કહ્યું – “હે ભવ્યો ! આ સંસારમાં ઉન્મત્ત પાંચ ઇન્દ્રિયો વિડંબનારૂપ છે. તેને વશ પડેલા પ્રાણી નિરંતર ફ્લેશ પામ્યા કરે છે. સંસારમાં જીવો તેથી રખડ્યા જ કરે છે.' ઇત્યાદિ પ્રભુના વાક્યો ત્યાં બેઠેલા ભિલ્લ જેવા લાગતા બ્રાહ્મણ ચોરે સાંભળ્યા, તેણે સંવેગ પામી ત્યાં જ પ્રભુ પાસે દીક્ષા લીધી. એકવાર ચોરની પલ્લીમાં જઈ તેમણે પૂર્વના સાથી ચોરોને ઉપદેશ આપી ૪૯૯ (ચારસો નવ્વાણું) ને દીક્ષા આપી.