________________
૧ ૨૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ જાકારો આપ્યો. અંજના આખા સંસારમાં એકલી અટૂલી, ઉપેક્ષિત, ત્યક્તા, કલંકિતા અને રાજપુત્રી તેમ જ રાજરમણી છતાં રખડતી થઈ ગઈ. એનું બધું ઝુંટવાઈ ગયું હતું. માત્ર તેની પાસે ધર્મશ્રદ્ધા બચી હતી. બધું જ ચાલ્યું જાય પણ જો ધર્મ અને શ્રદ્ધા બચી જાય તો માણસે વિશ્વાસ રાખવો જોઈએ કે તેનું કાંઈ ગયું નથી.
માણસની વસતીમાં રહેવું પણ હવે તો શક્ય નહોતું. કારણ કે ખરાબ માણસો સામાની લાચારીમાંથી ફાયદો શોધે છે ને સારા માણસો કલંકિતથી દૂર રહેવામાં માને છે તો સામાન્ય માણસો કશું સારું કરી શકતા નથી. માણસની જીભે ને નજરે ચડવા કરતા જંગલ સારું એમ સમજી અંજના દાસીને લઈ વનમાં ગઈ. ધૈર્યપૂર્વક સમય વિતાવ્યો ને પૂર્ણમાસે દેવકુંવર જેવા સુંદર અને પ્રતાપી પુત્રને જન્મ આપ્યો. વનમાં મૃગબાળની જેમ બાળકનો ઉછેર થવા લાગ્યો.
એકવાર દાસી પાણી લેવા જતી ત્યાં તેણે એક મુનિને જોયા. એ વાત અંજનાને કરી. અંજના દાસી અને પુત્ર સાથે ત્યાં આવીને ભાવપૂર્વક વંદના કરી ઉચિત ભૂમિએ બેઠી. ધ્યાન પારી જ્ઞાની ગુરુએ ઉપદેશ આપ્યો. નિરંતર ધર્મ કરવાની સલાહ આપી. અંતે અંજનાએ તેમને પૂછ્યું - “પ્રભુ ! આ નાનકડી વયમાં ન કલ્પેલું દુઃખ પડ્યું છે. પારકા કદાચ દુઃખ આપે અને આપણા સમર્થ ન હોય તોય તેનું નિવારણ કરવા મથે પણ આ તો આપણાએ જ મને કેવું અસહ્ય દુખ દીધું. ભગવનું? આમ શાથી બન્યું હશે. વિના અપરાધે?
અવધિજ્ઞાની ગુરુવર્યે કહ્યું – “અંજના ! આ સંસારમાં બધું વ્યવસ્થિત તંત્ર ચાલે છે. અહીં અપરાધીને જ દંડ મળે છે, નિરપરાધીને નહીં.
“આપ યથાર્થવાદી છો. મને કયા અપરાધનો આ દંડ મળ્યો છે? તે જાણવાની ઘણી ઇચ્છા છે. કૃપા કરી જણાવો.”
પૂર્વભવમાં તું એક શ્રીમંત શેઠની પત્ની હતી, તું જિનધર્મની જાણકાર ન હોઈ તને વાસ્તવિકતાનું જ્ઞાન ન હતું. તને સપત્ની (શોક્ય) હતી. તે પરમ જિનોપાસિકા અને તત્ત્વજ્ઞા હતી, તે પૂજા કર્યા વિના કદી જમતી પણ નહીં. તને તેના ઉપર દ્વેષ રહ્યા કરતો. તેની તું નિંદા કરતી. ધર્મને ઢોંગ જણાવતી અને કામ કરતા જોર પડે છે માટે ભગવાન લઈને બેસી જાય છે.” એવું પણ કહેતી અને તેના મર્મ ઉઘાડા પાડતી. તે ભલી બાઈ બધું સહન કરી લેતી ને સૌજન્ય દાખવતી. એકવાર ઈર્ષ્યાને લઈ તે તેના પ્રતિમાજીને કચરાની ટોકરીમાં સંતાડી દીધા. પૂજા વગર તે અન્નજળ ન લઈ શકી. તેનું તેને દુઃખ નહોતું પણ ભગવાન ખોવાયાથી તે દુઃખી અને અત્યંત આકુળવ્યાકુલ થઈ. તે પ્રતિમાજી કોઈ જોઈ ન જાય તે માટે તેના ઉપર તેં ધૂળ આદિ નાંખી દીધા.
આમ બાર મુહૂર્તમાં તો તે શ્રાવિકાની એવી સ્થિતિ થઈ ગઈ કે તેની તને દયા આવી ગઈ અને તે શોધવાનો અભિનય કરી “અરે આ રહી પ્રતિમા, અહીં કોણે નાંખી દીધી? ઈત્યાદિ