________________
૧૧૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ વાત તો એ હતી કે કુંવરી રૂપ-ગુણ-કળા અને શીલમાં અજોડ હતી. તેને યોગ્ય કોઈ કુમાર જણાતો નહોતો. પ્રાયઃ માણસના મોઢા ઉપરથી રૂપ, ગુણ, શીલ આદિ જાણી શકાય છે, એમ કરતા એક દિવસ બે રાજકુમારો-ભવિષ્યદત્ત અને પવનંજયના સુંદર ચિત્રો જોઈ કુંવરીએ તેમાં રસ લીધો. તેમના કુળ, શીલ, બલ, બુદ્ધિ અને આકર્ષકરૂપ આદિ જોઈ જાણી બંને ચિત્રો અંજનાએ પોતાની પાસે રાખી લીધા. આ વાત જાણી રાજાએ મંત્રી આદિની વિશિષ્ઠ બેઠક બોલાવી મંત્રણા કરી કે આ ચિત્રોના બંને રાજકુમારોમાંથી શ્રેષ્ઠ કોણ છે? ત્યારે એક પ્રૌઢમંત્રીએ કહ્યું – “મહારાજા, ભવિષ્યદત્ત ઉત્તમ પાત્ર છે અને તેમાં ઘણાં ગુણો છે. કિંતુ એકવાર જ્ઞાની ભગવંતની સભામાં કોઈ વાત ચાલતા જાણવા મળ્યું છે કે તે નાનીવયમાં મુક્તિ પામશે માટે સાંસારિક દૃષ્ટિએ પવનંજયકુમાર યોગ્ય છે. છેવટે નિર્ણય કરી અંજનાનું વેવિશાળ પવનંજય સાથે નક્કી કર્યું.
અંજનાના રૂપ-ગુણ ચતુરાઈ આદિની ઘણી પ્રશંસા સાંભળી પોતાના મિત્ર ઋષભદત્ત સાથે ગુણવેશે પવનંજય ભાવી પત્નીને જોવા જાણવા સસરાના ઘરે આવ્યો ત્યાં કોઈ સખી સાથે અંજના વાત કરતી હતી. રૂપાની ઘંટડી જેવો રણકતો અવાજ સાંભળી તેણે અનુમાન કર્યું કે આ અંજના જ હોવી જોઈએ. એવામાં સખી બોલી “તમને પસંદ પડેલા તે બંને ચિત્રો પર પ્રધાનમંડળ સાથે રાજાએ ઘણી મંત્રણા કરી હતી. એમાં એમ વાત થઈ હતી કે ભવિષ્યદત્ત ઘણા ગુણવાન અને ધર્મિષ્ઠ છે. પણ તેમનું આયુષ્ય ઓછું હોઈ પવનંજય સાથે વિવાહ નિશ્ચિત થયો.” આ સાંભળી ભોળભાવે અંજનાએ કહ્યું – “સખી! જવાય તો થોડું જીવન પણ ઓછું નથી. અમૃતનાં ટીપાં થોડા હોય તો તે ઘણા મીઠાં ને દુર્લભ હોય છે. જીવન જીવતા ન આવડે ને લાંબા આયુષ્ય હોય તોય તે હજાર ભાર વિષની જેમ વ્યર્થ છે, નિરર્થક છે.
આ સાંભળતાં જ કુદ્ધ થયેલા પવનંજયે તરત મ્યાનમાંથી તલવાર ખેંચી. મિત્રે વારતાં કહ્યું - “આમ કોઈ રાજાની કન્યાને મારી નાખવાના પરિણામનો વિચાર તો કરો. આપણે પારકા રાજયમાં ને પરાયા મહેલમાં છીયે. નારી જ્યાં સુધી કન્યા હોય ત્યાં સુધી તે કોઈની ન કહેવાય.' મિત્રની વાત સાંભળી પવનંજય સ્વસ્થ તો થયો પણ અંજના માટે તેને કોઈ લાગણી જેવું ન રહ્યું.
પવનંજય અંજનાને પરણવા જ નહોતો માગતો, પણ તેના માતા-પિતાએ અતિ આગ્રહ તેને પરણાવ્યો. પરંતુ લગ્નમંડપમાં પણ તેણે અંજના સામું જોયું નહીં. પરણ્યા પછી કદી પત્નીને બોલાવીએ નહીં. અંજના ઉના ઉના નિઃશ્વાસ નાખી કારણ શોધવા લાગી, પરંતુ તેને ખબર પડી નહિ કે પતિ શા માટે પોતાથી દૂર અને નારાજ રહે છે. પરિણામે ઘણી દુઃખી રહેવા લાગી. કંઈક ઉપાયો કરવા છતાં તેને પતિનું સુખ તો શું પણ તેની સાથે બોલવા-ચાલવાનું પણ ન મળ્યું. આમ ને આમ બાર વરસના વાણા વાઈ ગયા. અંજનાએ મુંગે મોઢે બધાં દુઃખો સહન કરી લીધાને પોતાની કુળમર્યાદા સાચવી. પવનંજયનો વ્યવહાર પણ એવો હતો કે તેના માબાપને તેના દાંપત્યજીવનની નિષ્ફળતાની ખબર પડી ગઈ. છતાં કશો જ માર્ગ નિકળ્યો નહીં.